સેલવાસ – દમણ: (Daman) સમગ્ર વલસાડ જિલ્લાની (Valsad District) સાથે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી તથા દમણમાં પણ ધીરે ધીરે ઠંડીએ પોતાનું જોર પકડ્યું હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા ચારથી પાંચ દિવસથી મોડી સાંજ (Evening) બાદ વહેલી પરોઢિયે ઠંડીનો (Cold) ચમકારો જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં પણ ઝાકળ (Fog) પણ મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે. ત્યારે બુધવારની વહેલી સવારે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી તથા આસપાસના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસનું વાતાવરણ જોવા મળ્યું હતું. જેને લઇ સેલવાસ જાણે કુલુ મનાલી જેવા હિલ સ્ટેશનમાં તબદિલ થઈ ગયું હોય એવું જોવા મળ્યું હતું.
વહેલી સવારે ઝીરો વિઝીબિલિટી થઈ જતાં નોકરી તથા અન્ય ધંધાર્થે વાહનોમાં જતા લોકોએ પોતાના વાહનોની હેડલાઇટ અને પાર્કિંગ લાઈટ ચાલુ રાખીને રસ્તા પર વાહન હંકારવાની ફરજ પડી હતી. જ્યારે આ તરફ વહેલી સવારે સેલવાસના રિવરફ્રન્ટ પર વ્યાયામ અને જોગિંગ માટે આવેલા લોકોએ પણ ધુમ્મસીયા વાતાવરણમાં કસરત કરવાની સાથે સેલ્ફી અને વીડિયો શૂટ કરી રિલ બનાવવાનો આનંદ ઉઠાવ્યો હતો. ત્યારે વહેલી સવારે જે પ્રમાણે સમગ્ર પ્રદેશની સાથે આસપાસના વિસ્તારોમાં ધુમ્મસની જે ચાદર જોવા મળી રહી છે. એ જોતા આગામી સમયમાં ઠંડી પોતાનું જોર વધારશે એવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે.
તમિલનાડુ કોસ્ટ ઉપર સાયક્લોનિક અસરને કારણે શહેરમાં વાદળછાયું વાતાવરણ
સુરતઃ શહેરમાં ત્રણેક દિવસથી વાદળછાયું વાતાવરણ રહેતા તાપમાનમાં વધઘટ જોવા મળી હતી. આગામી બે-ત્રણ દિવસ પછી તાપમાનમાં ઘટાડો નોંધાવૈની સાથે ઠંડીનું પ્રમાણ વધતુ જણાશે. સુરત શહેરમાં છેલ્લા બે ત્રણ દિવસથી આછું વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ તમિલનાડુ કોસ્ટ ઉપર હાલ એક સાયક્લોનિક સિસ્ટમ ઉદભવી છે. જેને કારણે આ પ્રકારે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. અને આ વાતાવરણને કારણે તાપમાનમાં પણ સામાન્ય વધઘટ થઈ રહી છે. આગામી 24 કલાક હજુ આ રીતે વાદળછાયું વાતાવરણ જોવા મળશે. અને ત્યારબાદ ધીમેધીમે ઠંડીમાં વધારો થશે. આજે લઘુત્તમ તાપમાનમાં દોઢ ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. રાતનો પારો ગગડીને ૧૯.૨ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે દિવસભર ૪ કિલોમીટરની ઝડપે ઉત્તરનો પવન વહેલી સવારથી ફુંકાયો હતો. મહત્તમ તાપમાન અડધો ડિગ્રી વધીને ૩૨.૪ ડિગ્રી નોંધાયું હતું.