દમણ: (Daman) સુરતના પૂણા વિસ્તારમાં લેડી ડોન (Lady Don) તરીકે ઓળખાતી ભાવલી અને તેના સાગરિતોએ દમણમાં પણ આતંક મચાવ્યો હતો. કાર સાથે અકસ્માત (Accident) બાદ થયેલા ઝગડામાં વચ્ચે પડેલા દમણના હોટલના (Hotel) સંચાલક પર ભાવલીના (Bhavli) સાગરીતે ચાકુથી હુમલો કરી દીધો હતો. ઘટનાના સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યા છે. આ બનાવમાં દમણ પોલીસે હત્યાની (Murder) કોશિશનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જેમાં રાહુલ બાડો પોલીસની (Police) ગીરફ્તમાં આવી ચૂક્યો છે જ્યારે ભાવલી ફરાર છે.
- સુરતની લેડી ડોનનો દમણમાં આંતક, હોટલ સંચાલકને ચપ્પુના ઘા મરાયાં
- ક્રુઝ કારમાં સવાર હતાં ત્યારે અન્ય કાર સાથે અકસ્માત થતાં મારામારી પર ઉતરી આવ્યા
- ઝગડામાં વચ્ચે પડેલા હોટલ સંચાલક પર હુમલો કરનાર રાહુલ બાડો ઝડપાયો
- રાહુલ બાડો પોલીસની ગીરફ્તમાં આવી ચૂક્યો છે જ્યારે ભાવલી ફરાર છે
- ભાવલી અને તેના સાગરિતો સામે હત્યાની કોશિશનો ગુનો નોંધાયો
પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે 26 મી જાન્યુઆરીના રોજ સુરતમાં રહેતી માથાભારે મહિલા ભાવનાબેન ઉર્ફે ભાવિકા ઉર્ફે ભાવલી ડોન તેના મિત્ર રાહુલ સુરેશભાઈ પરમાર ઉર્ફે રાહુલ બાડો અને અન્યો સાથે ક્રુઝ કાર નંબર GJ-01-KH-3373 માં દમણ ફરવા અર્થે આવ્યા હતા. દરમિયાન દમણની તીન બત્તી નજીક એચ.ડી.એફ.સી. બેંક પાસે એક ઈકો કાર નંબર – DN-09-Q-1734 સાથે તેમની કારનો અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ભાવલી ડોન અને તેના સાગરીતોએ ઈકો કારના ચાલક સાથે ઝઘડો શરૂ કર્યો હતો.
આ બોલાચાલી દરમિયાન રાહુલ બાડાએ જાહેરમાં ચપ્પુ કાઢીને દાદાગીરી શરૂ કરી હતી. જેથી દમણમાં હોટલ ચલાવતા રાહુલ મીર ઇકો ચાલકને બચાવવા વચ્ચે પડતાં રાહુલ બાડાએ તેમના પેટમાં અને પગમાં ચપ્પુના 3 ઘા મારી લોહીલુહાણ કરી દીધા હતાં. આ ઘટનાને અંજામ આપીને કારમાં બેસી ફરાર થઇ ગયા હતાં. આ બનાવ અંગે દમણ પોલીસે રાહુલ મીરની ફરિયાદ લઇને રાહુલ પરમાર ઉર્ફે બાડા તથા લેડી ડોન ભાવલી સામે હત્યાની કોશિશનો ગુનો નોંધ્યો હતો. 4 ફેબ્રુઆરીના રોજ દમણ પોલીસે સુરત પોલીસની મદદથી રાહુલ બાડાને ઝડપી પાડ્યો હતો. તેને કોર્ટમાં રજૂ કરી પોલીસે તેના સાત દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જ્યારે ભાવલી હજી વોન્ટેડ છે.