દમણ : સંઘપ્રદેશ દમણનાં (Daman) ભેંસલોર સ્થિત પીસીએલ કંપની છેલ્લા ઘણા સમયથી બંધ હોય એ કંપનીમાં રવિવારે મોડી રાત્રે તસ્કરો ચોરી કરવાના ઈરાદે ઘુસ્યા હતા. આ બાબતની જાણ પેટ્રોલિંગ કરતી પોલીસ (Police) ટીમને થતાં પોલીસ તાત્કાલિક જગ્યા સ્થળ પર જઈ જોતા 2 ઈસમ લોખંડના લાંબા પાઈપને ખભા પર ઉંચકીને લઈ જતાં પોલીસને જોવા મળ્યા હતા. જ્યાં પોલીસને જોતાં જ ચોરી કરવા આવેલા ઈશ્મો પૈકી 2 શખ્સ તુરંત પાઈપને ફેંકી ત્યાંથી ભાગી છૂટ્યા હતા.
પોલીસની ટીમ કંપની અંદર જઈ તપાસ કરતાં એક યુવક મશીનના પાઈપ ગેસકટર તથા એક્સો બ્લેડ વડે કાપી રહ્યો હતો. એને પોલીસે રંગેહાથ પકડી પાડ્યો હતો. પોલીસ તપાસમાં પકડાયેલો ચોર રોહિતકુમાર નરેશરામ (રહે. વટાર ગામ, વાપી ) હોવાનું ખુલ્યું હતું. પોલીસે સ્થળ પરથી ટ્રોલી સાથેનો ગેસ સિલિન્ડર, પાઈપ કાપવાની કટર સહિત અન્ય સાધનો કબજે કરી રોહિત કુમારની ધરપકડ કરી તેને કોર્ટમાં હાજર કરતાં કોર્ટે આરોપીના 9 નવેમ્બર સુધીના રીમાન્ડ મંજૂર કર્યા છે. હાલ તો પોલીસે ચોરને જેલના સળિયા પાછળ ધકેલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વરના રામકુંડ વિસ્તારમાં ડબી ફળિયાના બંધ મકાનમાં ચોરી
અંકલેશ્વર: અંકલેશ્વર શહેરના રામકુંડ નજીક આવેલા ડબી ફળિયાના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી લાખોની માલમત્તાની ચોરી કરી પલાયન થઈ જતાં એ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરમાં તસ્કરો જાણે બેફામ બન્યા હોય તેમ એક બાદ એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. ત્યારે અંકલેશ્વર શહેરના રામકુંડ નજીક આવેલા ડબી ફળિયામાં ચોરીની ઘટના સામે આવી છે. ડબી ફળિયામાં રહેતા સંજય મણિલાલ પટેલ પોતાના પરિવારના સભ્યો શુકલતીર્થ ખાતે મેળામાં ફરવા ગયા હતા. આ દરમિયાન તેમના બંધ મકાનનો લાભ લઈ તસ્કરોએ હાથફેરો કર્યો હતો. તસ્કરો સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ સહિત લાખોની માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે મકાનમાલિક દ્વારા ચોરી મામલે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.