ઉમરગામ: બોલિવૂડના (Bollywood) જાણીતા અભિનેતા અક્ષયકુમાર અને જેકલીન ફર્નાન્ડીઝ સોમવારે ‘રામસેતુ’ ફિલ્મના (Ram Setu Film) શૂટિંગ માટે પ્રાઈવેટ હેલિકોપ્ટરના માધ્યમથી દમણનાં કોસ્ટગાર્ડ એરપોર્ટ પર આવ્યા હતા. તેઓ ‘રામસેતુ’ ફિલ્મના ક્લાઈમેક્સ સિનનું શુટિંગ (Shooting) દમણના દરિયામાં (Daman Sea) પાણીની અંદર કરવાના છે. આ ઉપરાંત ફિલ્મનાં અમુક દ્રશ્યો દમણનાં લાઈટ હાઉસથી લઈ જામપોર સુધી નિર્માણ કરાયેલા અત્યાધુનિક નવા રસ્તા પર અને ઉમરગામના નારગોલ બીચ ઉપર કરવાનું આયોજન છે. જેને લઈ અક્ષયકુમાર મંગળવારે નારગોલ બીચ પર આવ્યા હતા અને શૂટિંગ કર્યું હતું.
- ફિલ્મ સ્ટારની સુરક્ષાના કારણોસર 200 મીટર દુરથી વિસ્તાર કોર્ડન કરી કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો
- એક ઝલક જોવા લોકોની ભીડ ઉમટી: અક્ષયકુમારે દુરથી જ કારમાંથી હાથ ઊંચો કરી તેમના ચાહકોનો આભાર માન્યો
- ‘રામસેતુ’ ફિલ્મના ક્લાઈમેક્સ સિનનું શુટિંગ દમણના દરિયામાં પાણીની અંદર કરાશે
અક્ષય કુમારની એક ઝલક જોવા નારગોલ બીચ ઉપર દરિયા કિનારે માટે મોટી સંખ્યામાં તેમના ચાહકો ઉમટી પડ્યા હતા પોતાના ચહીતા સ્ટારને જોવા લોકો ઉત્સુક હતા, પરંતુ સુરક્ષાના કારણોસર પોલીસે 200 મીટર દુરથી જ વિસ્તાર કોર્ડન કરી લીધો હતો. જેથી લોકો અક્ષરકુમાર સુધી પહોંચી શક્યા ન હતા. શૂટિંગ સ્થળે ચૂસ્ત પોલીસ બંદોબસ્તમાં ગોઠવી દેવાયો હતો. અક્ષયકુમારે કારમાંથી હાથ ઊંચો કરી તેમના ચાહકોનો આભાર માન્યો હતો.
અત્રે ઉલ્લેખનિય છે કે, આ ફિલ્મનું મોટેભાગનું શુટિંગ ઉંટીમાં પૂર્ણ થઈ ગયું છે. જ્યાંથી ફિલ્મનું અન્ય શુટિંગ અને ક્લાઈમેક્સ સીન માટે તેઓ શ્રીલંકા જવાના હતા. જ્યાં દરિયાની અંદર અંડર ડાઈવિંગ સીનની જરૂરિયાત હોય પરતું ચાલી રહેલ કોરોનાની મહામારી અને અન્ય મુદ્દાને ધ્યાન ઉપર લઈ શ્રીલંકા સરકાર દ્વારા જરૂરી અનુમતિ આપવામાં આવી ન હતી. જેથી ફિલ્મના નિર્માણકર્તાઓએ ફિલ્મનું અન્ય શુટિંગ અને ક્લાઈમેક્સ સીન માટેનું દમણના દરિયાઈ લોકેશનની પસંદગી કરી હતી.