દમણ: સંઘ પ્રદેશ દમણ (Daman)ના દુનેઠા સ્થિત પથ્થરની ક્વોરીના લેકમાંથી (Quora Lake) દુનેઠા ગામમાં જ રહેતા એક વ્યક્તિની ડૂબી ગયેલ અવસ્થામાં લાશ (Deadbody) મળવા પામી છે. રવિવારે રજા હોવાના કારણે દારૂ-બિયરની મજા માણવા 5-6 મિત્રો સાથે સવારથી જ લેક પાસે ભેગા થયેલા મિત્રોમાંથી એકનું મોત નિપજ્યું છે. મૃતકની લાશ સ્કૂબા ડાયવર્સની ટીમે ઓક્સિજનની બોટલ સાથે 40 થી 50 ફૂટ ઉંડા ક્વોરીના લેકમાં ઉતરી શોધી કાઢી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે, દમણના દુનેઠા ગામના પારડી ફળિયામાં રહેતો અને દમણની જ ભારત ગેસ નામની કંપનીમાં સિલિન્ડર ઉંચકવાનું કામ કરતો 40 વર્ષીય નરેશ હળપતિ તેના 5 થી 6 જેટલા મિત્રો સાથે રવિવારે રજા હોવાને કારણે દુનેઠાની પથ્થરની ક્વોરીના લેક પાસે દારૂ-બીયરની પાર્ટી કરવા અર્થે સવારથી જ ગયા હતા. જે પાર્ટી મોડી સાંજ સુધી ચાલી હતી. જે બાદ નરેશ સાથે આવેલા અન્ય મિત્રો ત્યાંથી વારા ફરતી જતા રહ્યા હતા. જ્યાં રાત્રે 9 કલાકે નરેશ તેના ઘરે ન આવ્યો હોવાનું જણાતા ઘરના સભ્યોએ પાર્ટી કરવા ગયેલા અન્ય મિત્રો નરેશ અંગે પૂછપરછ કરી હતી.
નરેશ અંગે કંઈપણ માહિતી ન મળતા અંતે પરિવારના સદસ્યો અને અન્ય ગામના લોકો તુરંત ક્વોરી પાસે જઈ ગામના માજી સરપંચ રમેશ ભંડારીને આ અંગે જાણ કરી હતી. જે બાદ ગુમ થયેલા નરેશની મોડી રાત સુધી શોધખોળ આદરી હતી. પરંતુ નરેશનો કોઈ પત્તો ન લાગતા આ અંગે તુરંત ભીમપોર આઉટ પોસ્ટ પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી. જે બાદ પોલીસ મથકના પી.એસ.આઈ. ચેતન પટેલ તથા તેમની ટીમ જગ્યા સ્થળ પર આવી દમણ ફાયર વિભાગને જાણ કરી હતી. જે બાદ મોડી રાત સુધી શોધખોળ કાર્ય કરવામાં આવ્યું હતું. પરંતુ ગુમ થયેલા નરેશનો કોઈ પત્તો ન લાગ્યો ન હતો.
સોમવારે સવારથી જ ફરી ફાયર વિભાગના સ્કૂબા ડાયવર્સની ટીમ ઓક્સિજનની બોટલ સાથે 40 થી 50 ફૂટ ઉંડા ક્વોરીના લેકમાં ઉતરી તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન ઘટનાની જાણ દમણના ડેપ્યુટી કલેક્ટર મોહીત મિશ્રાને પણ થતાં તેઓ જગ્યા સ્થળ પર આવી પહોંચ્યા હતા. ત્યારે કલાકો સુધી ચાલેલા સર્ચ ઓપરેશન બાદ આખરે નરેશ હળપતિની લાશ ડૂબેલી અવસ્થામાં લેકમાંથી મળી આવી હતી. જ્યાં ફાયર વિભાગની ટીમે લાશને બહાર કાઢી હતી. જે બાદ પોલીસે લાશને પોસ્ટમોર્ટમ અર્થે મરવડ હોસ્પિટલમાં મોકલવાની કાર્યવાહી કરી આ મામલે અકસ્માતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.