પારડી: (Pardi) થર્ટી ફર્સ્ટની ઉજવણીને (31st Celebration) લઈ વલસાડ જિલ્લા પોલીસ (District Police) દ્વારા કડક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, ગુજરાતને જોડતી દમણ (Daman), સેલવાસ અને મહારાષ્ટ્ર ચેકપોસ્ટ (Check Post) ઉપર પોલીસની ટીમ તૈનાત રાખવામાં આવી છે. દમણને જોડતી પારડી તાલુકાના કલસર પાતલિયા ચેકપોસ્ટ ઉપર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવતાં દારૂ પીને આવતાં લોકો તેમજ દારૂની હેરાફેરી કરતાં લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
વલસાડ એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી આર.સી.ફળદુ એ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં કેફી પદાર્થનું સેવન કરી સંઘ પ્રદેશમાંથી પ્રવેશ કરતા લોકોની ચેકિંગ માટે પોલીસ ટીમ સતર્ક છે. ગત વર્ષે 31 ડિસેમ્બરના અંદાજે 2 હજાર જેટલા કેસો નોંધાયા હતા. જેને લઇ આગોતરા વ્યવસ્થા દરમિયાન એક હોલ ભાડે રાખવામાં આવ્યો છે. જેમાં કોરોના નિયમોનું પાલન થાય અને સ્થળ પર જ કોરોના ટેસ્ટ અને કાર્યવાહી શરૂ થાય તે મુજબની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તેમજ દરેક પોલીસ મથક દીઠ ટીમ બનાવી ફાર્મ હાઉસ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ સાથે 39 ચેકપોસ્ટો ઊભી કરાશે અને વાહન ચેકિંગ તેમજ કેફી પદાર્થ પીને નશામાં આવતાં લોકોનું બ્રિથ એનાલાઈઝર વડે ચેકિંગ કરવામાં આવશે.
આ સાથે પોલીસ કર્મચારીઓને બોડી વન કેમેરા આપવામાં આવશે. જેથી લોકો પર થતી કાર્યવાહીને રેકોર્ડ રાખી સાચવી રખાશે. 147 જેટલા બોડી વન કેમેરા અને 75 જેટલા બ્રિથ એનેલાઇઝર ચેકિંગ માટે આપવામાં આવશે. આ સાથે નેત્રમ દ્વારા પણ મોનિટરિંગ કરી શંકાસ્પક તત્વો પર નજર રાખી શકાશે. 31 ડિસેમ્બરના દિવસે વલસાડ એલસીબી પોલીસ દ્વારા દરેક ચેકપોસ્ટ ઉપર મોનિટરિંગ હાથ ધરવામાં આવશે અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા અલગ અલગ વિસ્તારમાં ફાર્મ ઉપર ચેકિંગ હાથ ધરી દારૂડિયાઓ મહેફિલ માણતાં પકડાશે. જેની સામે કાર્યવાહી હાથ ધરાશે હોવાનું જાણવા મળ્યું હતું.
આમ ગુડ બાય કરતાં 31 ડિસેમ્બર 2022 અને નવા વર્ષને આવકાર આપનાર પહેલી જાન્યુઆરી 2023 ને ગુજરાત રાજ્યમાં કેફી પદાર્થ અને દારૂ પીને નશીલા પદાર્થ દ્વારા ઉજવણી કરતાં પકડાશે તો તેની સામે પોલીસે લાલ આંખ કરી છે. જેને લઇ બુટલેગરો, દારૂડિયાઓમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે, આ વર્ષે કેટલા દારૂડિયાઓનો આંકડો થર્ટી ફર્સ્ટના દિવસે જોવા મળશે.