દમણ: (Daman) સંઘ પ્રદેશ દમણનો જામપોર દરિયો (Jampore Sea) 2 યુવાનોને ભરખી જાય એ પહેલાં જ બન્ને યુવાનોને પ્રશાસનના સહયોગ થકી બચાવી લેવાયા છે. આ માટે સ્થાનિક માછીમાર, તરવૈયા અને કોસ્ટગાર્ડ હેલિકોપ્ટરની મદદ લેવાઈ હતી. બંને યુવકોને રેસ્ક્યુ (Rescue) કરી બચાવી લેવામાં આવ્યા છે. બન્ને યુવાનો પૈકી એક યુવાનની સ્થિતિ ગંભીર બની જતાં તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ઘટનાને પગલે પ્રશાસનિક વિભાગની સાથે પોલીસ અને ફાયરની ટીમ પણ દોડતી થઈ ગઈ હતી. જામપોર બીચ પર ગુરુવારની આ ઘટના બાદ પ્રદેશના કલેકટરે દમણ ના તમામ દરિયા કિનારે દરિયા માં ન્હાવા ઉપર આગામી 31 ઓગસ્ટ સુધી પ્રતિબંધ લગાવી કલમ 144 લાગૂ કરી.
- દરિયામાં દૂર સુધી બે યુવાનો ડૂબવાની કગાર પર હતા ત્યારે જ પ્રશાસનના સહયોગ થકી બચાવી લેવાયા
- સ્થાનિક માછીમારોએ એક યુવાનને અને કોસ્ટગાર્ડ હેલિકોપ્ટર દ્વારા બીજા યુવાનને બચાવવા માટે કર્યું રેસ્ક્યુ ઓપરેશન
- ઘટનાને પગલે ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર સહિત ફાયર અને પોલીસનો કાફલો ઘટના સ્થળે
દમણમાં વીક એન્ડ અને વેકેશન દરમ્યાન અનેક સહેલાણીઓ સુરત, નવસારી, બરોડા અને ગુજરાતભરની સાથે મહારાષ્ટ્ર અને મુંબઈ થી મોટી સંખ્યામાં આવતા હોય છે. અને અહીં ખાણી પીણીની મોજમસ્તી સાથે દરિયામાં નાહવાની મજા પણ માણતા હોય છે. પરંતુ ક્યારેક આ મજા જીવનું જોખમ બની જાય છે. આવો જ એક બનાવ ગુરૂવારના રોજ સાંજે 5-30 કલાકની આસપાસ બન્યો હતો. વાપીના રાતા ગામ નજીક રહેતા 16 વર્ષીય રાહુલ નરેશ હડપતિ તથા 18 વર્ષિય મેહુલ શૈલેષ પટેલ આ બંને યુવાનો દમણ મોજ મસ્તી કરવા અર્થે આવ્યા હતા. જ્યાં તેઓ દરિયામાં નાહવાની મોજ ઉઠાવી રહ્યા હતા. ત્યારે જોત જોતામાં તેઓ પાણીના વહેણમાં અંદર સુધી તણાઈ ગયા હતા. અને બચાવ માટે હાથ ઉંચો કરી મદદની પોકાર લગાવી હતી.
યુવાનો ડૂબી રહ્યા હોય એની જાણ કિનારે બોટ લંગારી રહેલા સ્થાનિક માછીમારો ને થતા બોટના માલિક અમૃત માંગેલાએ તુરંત સાથી માછીમાર રોહિત પટેલ, દીપક વારલી તથા પોલીસકર્મી રણછોડ ધોડી તથઆ અન્ય સાથીદારો સાથે તુરંત દરિયામાં બોટ ઉતારી બચાવ કામગીરી હાથ ધરી હતી. ઘટનાની જાણ પ્રશાસનિક અધિકારીઓને પણ થતાં દમણના ડેપ્યુટી કલેક્ટર મોહિત મિશ્રા, મામલતદાર સાગર ઠક્કર સહિતનો પોલીસ અને ફાયર નો કાફલો પણ જગ્યા સ્થળ પર દોડી આવ્યો હતો. સાથે બનાવની જાણ કોસ્ટગાર્ડ એર સ્ટેશન ને કરતા કોસ્ટગાર્ડના જવાનોએ હેલિકોપ્ટર સાથે જામપોર દરિયા કિનારે પહોંચી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.
જેમાં સ્થાનિક માછીમાર ભાઈઓ રાહુલ હડપતિને બચાવી કિનારે લાવ્યા હતા. જ્યારે બીજો યુવાન મેહુલ પટેલ દરિયામાં છેક દૂર સુધી તણાઈ જતા કોસ્ટગાર્ડના જવાનોએ હેલિકોપ્ટરના માધ્યમ થકી રેસ્ક્યુ કરી તેને કિનારે લાવવાની કામગીરી હાથ ધરી હતી. જ્યાં હેલિકોપ્ટરથી લાવવામાં આવેલા મેહુલની સ્થિતિ ગંભીર બની જતાં તેને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે મરવડની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેની સ્થિતિ હાલમાં સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ બંને યુવાનોને અંડર ઓબ્ઝર્વેશન રાખવામાં આવ્યા છે. ત્યારે અગાઉ જામપોરના દરિયા કિનારે 5 છોકરીઓના પણ ડૂબી જવાથી મોત નિપજ્યાનો બનાવ બન્યો હોય ત્યારે વારંવાર જામપોર દરિયા કિનારે ડૂબવાની ઘટના ને લઈ હવે પ્રશાસન પ્રદેશના દરિયા કિનારે લાઈફ ગાર્ડ તૈનાત કરે એ જરૂરી બન્યું છે. જામપોર બીચ પર ગુરુવારની આ ઘટના બાદ પ્રદેશના કલેકટરે દમણ ના તમામ દરિયા કિનારે દરિયા માં ન્હાવા ઉપર આગામી 31 ઓગસ્ટ સુધી પ્રતિબંધ લગાવી કલમ 144 લાગૂ કરી છે.