દમણ: (Daman) દમણના દેવકા સ્થિત આવેલ હોટલ સનરાઈઝ હોટલના (Hotel) સંચાલક 50 વર્ષીય દીપક ભંડારી ( પટેલ ) તેમની હોટલ બહાર તેમના પિતા અને અન્ય મિત્ર સાથે મોપેડ પર બેસીને વાત કરી રહ્યા હતા ત્યારે અચાનક હાર્ટ એટેક (Heart Attack) આવતા ઢળી પડ્યા હતા. દીપકભાઈને તાત્કાલિક સારવાર અર્થે નજીકની મરવડ સરકારી હોસ્પિટલમાં ખસેડવામ આવ્યા હતા જ્યાં હાજર ડોકટરે દીપકભાઈને મૃત જાહેર કર્યા હતા. આખી ઘટના હોટલની બહાર લગાવવામાં આવેલ સી.સી.ટી.વી (CCTV) કેમેરા માં કેદ થઈ હતી.
કેટલાક સમયથી ગુજરાત સહિત દેશભરમાં અચાનક હાર્ટ-એટેક આવવાના કિસ્સા વધી રહ્યાં છે. આવા કિસ્સામાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાના બનાવો બની રહ્યાં છે. ક્રિકેટ રમવા કે જીમમાં કસરત દરમ્યાન પણ અચાનક હાર્ટ એટેક આવવાના કિસ્સા વધી રહ્યાં છે ત્યારે સંઘ પ્રદેશ દમણમાં વધુ એક બનાવ બન્યો છે. દેવકા સ્થિત હોટલ સનરાઈઝના સંચાલક 50 વર્ષીય દીપક ભંડારી હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલા મોપેડ પર બેઠાં બેઠાં અચાનક હાર્ટ-એટેક આવતા મોપેડ પરથી પડી ગયા હતાં. તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. દમણના દેવકાની પ્રતિષ્ઠિત હોટલના માલિકને અચાનક હાર્ટ-એટેકથી થયેલ મોતની ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જગાવી છે.
સમગ્ર ઘટના હોટલમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. વાત કરતાં કરતાં તેઓ અચાનક જ મોપેડ પરથી પડી ગયા હતાં. ઘટનાને પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતાં. દીપકભાઈને ઉંચકીને હોસ્પિટલ લઈ જવાયા હતાં. જોકે ફરજ પરની ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતાં. 50 વર્ષીય હોટલ-સંચાલકના અચાનક મૃત્યુથી હોટલ બિઝનેસ સાથે સંકળાયેલા લોકોમાં તેમજ દીપકભાઈના પરિવારમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ હતી.