દમણ: (Daman) સંઘ પ્રદેશમાં ધીરે ધીરે વધી રહેલા કોરોનાના (Corona) કેસને લઈ સ્વાસ્થ્ય વિભાગની સાથે દમણ પ્રશાસન સચેત થઈ જવા પામ્યું છે. ત્યારે કોરોના પ્રદેશમાં વધુ નહીં વકરે એવા આશય સાથે મોટી દમણનાં દરિયા કિનારાને (Beach) પર્યટકો માટે બંધ કરવામાં આવ્યો છે.
- વધી રહેલા કોરોનાના કેસને પગલે મોટી દમણનો રામસેતુ રસ્તો અને બીચ બંધ કરાયો
- શનિ-રવિવારની રજાના દિવસે પર્યટકો જામપોર બીચ અને લાઈટ હાઉસ બીચ પર હરી ફરી શકશે નહીં
- દમણમાં નવા 9 કેસ સાથે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 40 પર પહોંચી
- દમણના જામપોર બીચથી લઈ લાઈટ હાઉસ બીચ અને નવા નિર્માણ થયેલા રામસેતુ રસ્તાને શનિ-રવિવાર માટે બંધ
- રામસેતુ રસ્તા પર તમામ એન્ટ્રી ગેટ પર બેરીગેટ્સ મુકી સુરક્ષા હેતું ગાર્ડને ગોઠવી દેવાયા
દમણમાં 2 દિવસ દરમ્યાન જ મોટી સંખ્યામાં કોરોના કેસ નોંધાવા પામ્યા હતા. શુક્રવારનાં રોજ પણ વધુ 9 કેસ દમણમાં નોંધાયા છે. જેમાં સ્વાસ્થ્ય વિભાગે 413 જેટલા સેમ્પલ એકત્ર કર્યા હતા. જેમાં 9 જેટલા લોકો કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું હતું. જેને લઈ દમણમાં હવે એક્ટિવ કેસની સંખ્યા 40 ઉપર પહોંચી જવા પામી છે. જ્યારે પ્રશાસને પણ પ્રદેશની તમામ બોર્ડર પર 2 વેક્સિનેશનનાં સર્ટીફીકેટ બતાવ્યા બાદ જ લોકોને પ્રવેશ આપવાની કાર્યવાહી કરી રહ્યા છે. ત્યારે કોરોનાનો કહેર દમણમાં વધુ વકરે નહીં એવા આશય સાથે મોટી દમણના જામપોર બીચથી લઈ લાઈટ હાઉસ બીચ અને નવા નિર્માણ થયેલા રામસેતુ રસ્તાને શનિ-રવિવાર માટે બંધ કરવાનો નિર્ણય લીધો છે.
શુક્રવારનાં રોજ સાંજથી રવિવાર સુધી દમણમાં આવતા તમામ પર્યટકો આ વિસ્તારમાં હરી ફરી શકશે નહીં. જે માટે પોલીસ વિભાગ દ્વારા દરિયા કિનારે હરવા ફરવા આવેલા લોકોને કિનારાથી બહાર આવવા સુચિત કરતા જોવા મળ્યા હતા. સાથે રામસેતુ રસ્તા પર તમામ એન્ટ્રી ગેટ પર બેરીગેટ્સ મુકી સુરક્ષા હેતું ગાર્ડને ગોઠવી દિધાનું પણ જોવા મળ્યું હતું.