દમણ: (Daman) સંઘપ્રદેશ દમણમાં ફરજ બજાવી ચુકેલા અને દીવ (Diu) પોલીસ વિભાગમાં (Police Department) ફરજ બજાવતા પીઆઈ પંકેશ ટંડેલને સસ્પેન્ડ કરાયા છે. 20 વર્ષ પહેલા જન્મના ખોટા દસ્તાવેજો (Document) રજુ કરી પોલીસની સરકારી નોકરી મેળવવા બદલ પોલીસ (Police) વિભાગના ડીઆઈજીપીએ એક આદેશ જારી કરી પીઆઈને સસ્પેન્ડ (Suspend) કરવાનો હુકમ કર્યો છે.
- જન્મના ખોટા પ્રમાણપત્રથી પોલીસ અધિકારીએ નોકરી મેળવી, 20 વર્ષે ખબર પડી
- દીવ પોલીસ વિભાગના પીઆઈ પંકેશ ટંડેલનો ભાંડો ફૂટતાં ડીઆઈજીપીએ સસ્પેન્ડ કરી દીધા ને ચાર્જ પુનીત મીણાને સોંપ્યો
દાનહ-દમણ-દીવ પોલીસ વિભાગના ડીઆઈજીપી વિક્રમજીત સિંહે એક આદેશ જારી કર્યો છે. જેમાં પોલીસ ઈન્સ્પેક્ટર પંકેશ ટંડેલ સામે ગંભીર આરોપ લગાવાયો છે. એ વાતને ધ્યાન પર લઈ દમણ-દીવ પોલીસ સબઓર્ડિનેટ સર્વિસના નિયમ 2005ની કલમ 12ની કલમ 1નો પ્રયોગ કરી પીઆઈ પંકેશ ટંડેલને 14 મે 22ના રોજ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે. પંકેશ ટંડેલને તેની પોલીસ કીટ દીવના એસડીપીઓને જમા કરાવવા તથા સસ્પેશન બાદ વગર અનુમતિ લીધા વિના દીવ પોલીસ મુખ્યાલયથી બહાર ન જવા પણ જણાવવામાં આવ્યું છે.
મળી રહેલી જાણકારી પ્રમાણે પીઆઈ પંકેશ ટંડેલે જે તે સમયે પોલીસ વિભાગમાં ભરતી થવા માટે જન્મના પ્રમાણપત્રના ખોટા દસ્તાવેજો જમા કરાવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. જે બાબતે અગાઉ ડીઆઈજીપીને ફરિયાદ મળી હતી. જે જોતા પંકેશ ટંડેલને સસ્પેન્ડ કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. તેના સ્થાને દીવ પોલીસ વિભાગનો ચાર્જ પુનીત મીણાને સોંપવામાં આવ્યો છે. ત્યારે 20 વર્ષથી પણ વધુ સમય પછી એક પીઆઈ લેવલના પોલીસ અધિકારી સામે આ પ્રમાણેની કાર્યવાહી થતાં અન્ય પોલીસ કર્મીઓમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.