ઉમરગામ : દમણથી (Daman) સરકારી બસમાં (Bus) પેસેન્જર તરીકે બેસીને શરીરે સંતાડીને દારૂની (Alcohol) બાટલી બાંધી દારૂ લઈ જતી આઠ મહિલા સહિત 10 જણાને ભિલાડ પોલીસે (Police) પકડી પાડ્યા હતા. પ્રાપ્ત પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ ભિલાડ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ ગુરુવારે સાંજના સમયે શ્રીખંડી ચેકપોસ્ટ જાહેર રોડ ઉપર મોહનગામમાં આવતા જતા વાહનોનું ચેકિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે દમણ તરફથી સરકારી ઈલેક્ટ્રીક બસ નંબર ડીડી-01 ઈ-9067 માં કેટલીક મહિલાઓ અને પુરુષો દારૂનો જથ્થો શરીરે ચોરી છુપેથી બાંધી સંતાડીને આવી રહ્યા છે.
આ બસ આવતા પોલીસે તેને રોકી તમામ પેસેન્જરોને નીચે ઉતારી તપાસ કરતા 8 મહિલા ધર્મિષ્ઠાબેન વિજયભાઈ જોગી (રહે કનસાડ સુરત), રેખાબેન હરીશભાઈ નાયકા (ઘેલલકડી નવા ફડીયા વેજલપુર તાલુકા જલાલપોર નવસારી), મુમતાઝ શેખ (ભેસ્તાન સુરત), રંજનાબેન બાવિસ્કર (નવાગામ સુરત), જ્યોતિબેન નાગમ (ઉધના સુરત), લતાબેન મોરે (ઉધના સુરત), સુમન રાજપુત (લિંબાયત સુરત), કિરણબેન બરકસ (સચિન સુરત) અને મયકુ રામચંદ્ર કેવત પાનસરા (માંગરોળ સુરત) અને રાજેશ ગોકુલ પાટીલ (રહે ઉધના સુરત)ની અટક કરી રૂપિયા 52550 નો દારૂનો જથ્થો કબજે કર્યો હતો. આ બનાવનો ગુનો નોંધી વધુ તપાસ ભિલાડ પોલીસે હાથ ધરી હતી.
પારડીના બગવાડા ટોલનાકા પાસે કારમાંથી દારૂ સાથે એક ઝડપાયો
પારડી : પારડી નેશનલ હાઇવે નંબર 48 બગવાડા ટોલનાકા પર વાપીથી વલસાડ જતા ટ્રેક ઉપર પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી હતી. તે દરમિયાન દારૂ ભરેલી કાર આવતા પોલીસે રોકી તેમાં તપાસ કરતા દારૂની બોટલ નંગ 96 જેની કિં.રૂ. 63 હજાર, મોબાઈલ અને કાર સહિત કુલ રૂ.2.63 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. કારચાલક મનીષ રાઘવજી ઘેલાણી (રહે. રાજકોટ)ને પોલીસે ઝડપી પાડી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.