દમણ: આજથી 18 વર્ષ પહેલાં વર્ષ 2003માં દમણમાં પુલ તૂટી પડવાના લીધે 28 વિદ્યાર્થી સહિત કુલ 30 લોકોના મોત થયા હતા તે કેસમાં આજે 18 વર્ષ બાદ ચૂકાદો આવ્યો છે. આ કેસમાં દમણની કોર્ટે પુલના નિર્માણમાં સંકળાયેલા જવાબદાર સરકારી અધિકારીઓ સહિત 3 આરોપીઓને દોષિત જાહેર કરી 2 વર્ષની સજાનો હૂકમ સંભળાવ્યો છે.
સંઘ પ્રદેશ દમણમાં (Daman) વર્ષ 2003 માં બનેલા ગોઝારી પૂલ દુર્ઘટનામાં (Bridge Accident) દમણ કોર્ટે આજે 3 આરોપીઓને સજા (Punishment) સંભળાવી છે. કોર્ટે 7 પૈકી 3 દોષિતોને 2 વર્ષ ની સજાનો હૂકમ કર્યો છે આ સાથે જ દોષિતોને રૂપિયા 16,500 નો દંડ ફટકારવાનો હૂકમ કર્યો છે. બ્રિજના બાંધકામમાં સંકળાયેલા તે સમયના એક્ઝિક્યુટિવ ઇજનેર ભરત ગુપ્તા, ધીરુભાઈ પ્રભાકર અને આઇ.એલ. તડેકર ને જજે સજા સંભળાવી છે. જે 7 અધિકારીઓ પર આરોપ હતા પૈકી 1 નું મોત થઈ ચૂક્યું છે, જ્યારે 2 ને હાઈકોર્ટે ડીસચાર્જ કર્યા હતા. જ્યારે 4 પૈકી બી.સી. મોદી સામે આરોપ પુરવાર ન થતાં કોર્ટે તેમને નિર્દોષ મુક્ત કર્યા હતા. આ પૂલ દુર્ઘટનામાં ફાતિમા સ્કૂલના 28 છોકરાઓ, 1 શિક્ષક અને એક રાહદારી નું ડૂબી જવાથી મોત નિપજયા હતા. મૃતકોને 18 વર્ષે ન્યાય મળ્યો છે.
શું બની હતી ઘટના?
વર્ષ 2003માં 28 ઓગસ્ટના રોજ બપોરે નાની અને મોટી દમણને જોડતો નદીનો બ્રિજ તૂટી પડ્યો હતો. આ દુર્ઘટના બની ત્યારે પુલ પરથી અવર લેડી ઓફ ફાતિમા કોન્વેન્ટની સ્કૂલ બસ પસાર થઈ રહી હતી, જે પુલ તૂટી જવાના કારણે નદીમાં ગરક થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં સ્કૂલના 28 વિદ્યાર્થી સહિત કુલ 30 લોકોના મોત થયા હતા.
દુર્ઘટનામાં મૃત પામનારાના પરિવારજનોને ન્યાય માટે કમિટી બની હતી
આ નિર્દોષોના મોતના કેસમાં દોષિતોને સજા મળે એ માટે વિક્ટિમ કમિટી બની હતી. આ કમિટીએ લોકલ કોર્ટની સાથે હાઈકોર્ટમાં લડત ચલાવી હતી. દોષિતો સામે કાર્યવાહીની માંગ કરી હતી. આરોપીને સજા અને મૃતકોના પરિવારને વળતર તથા સરકારી નોકરી મળે તેવી રીટ ઈશ્વર નાયકે હાઈકોર્ટમાં કરી હતી. ઈશ્વર નાયકનું કેસ દરમિયાન નિધન થતા વિક્ટિમ કમિટીના પ્રમુખ દિપેશ ટંડેલે 2016માં લડત ઉપાડી હતી અને તેમણે 2016માં મુંબઈ હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરી હતી. હાઈકોર્ટે આ કેસમાં દમણની કોર્ટને એક વર્ષમાં સુનાવણી કરવાનો આદેશ કર્યો હતો. તે ઉપરાંત આરોપીઓ સામે ખાતાકીય કાર્યવાહીના આદેશ કર્યા હતા.