દમણ : સંઘપ્રદેશ દમણ (Daman) એક્સાઈઝ વિભાગ દ્વારા પ્રદેશના વિવિધ વિસ્તારોમાં અવૈદ્ય અને ગેરકાયદે દારૂની (Alcohol) હેરાફેરી તથા તેના વેચાણ કાર્ય કરનારાઓ સામે લાલ આંખ કરી સખ્ત કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે. ત્યારે વિભાગની ટીમે મંગળવારે નાની દમણ જેટી કિનારે એક લંગારેલી બોટમાંથી (Boat) દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. વિભાગની ટીમે બોટમાંથી 6708 નંગ વિવિધ બ્રાન્ડની દારૂની બોટલો કબજે કરી એક્સાઈઝ વિભાગની કલમ હેઠળ કાર્યવાહી શરૂ કરી છે.
પાતલીયાના માનસરોવર બાર એન્ડ રેસ્ટોરન્ટમાંથી પણ વહેલી સવારે એક મહિલા શંકાસ્પદ રીતે બહાર આવતી જોવા મળતા વિભાગની ટીમે બારમાં ઓચિંતો છાપો પાડતા બારની અંદર ગેરકાયદે દારૂનું વેચાણ થતું હોવાનું સામે આવતા એક્સાઈઝ વિભાગની ટીમે બારના સંચાલક સામે પણ એક્સાઈઝ એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વાપી રેલવે સ્ટેશન સામે મિલન પાન હાઉસમાંથી વિદેશી સિગારેટનો જથ્થો ઝડપાયો
વાપી : વાપી રેલવે સ્ટેશનની સામે મિલન પાન હાઉસમાંથી વાપી ટાઉન પોલીસે અલગ અગલ બ્રાન્ડની વિદેશી સિગારેટનો મોટો જથ્થો ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. વાપી ટાઉન પોલીસે સિગારેટના ૧૬૧ પાકીટ જેમાં કુલ ૩૧૩૨ નંગ સિગારેટ જેની કિંમત રૂપિયા ૩૧,૩૨૦ બતાવવામાં આવે છે તે કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે.
વાપી રેલવે સ્ટેશન સામે મિલન પાન હાઉસના નામે દુકાન ચલાવતા વાપી રેલવે સ્ટેશનની સામે રહેતા સમીર શબ્બીર ખાન પાસે વિદેશી બનાવટની અલગ અલગ બ્રાન્ડની સિગારેટ ૧૬૧ પાકીટ મળી આવી હતી. આ સિગારેટ અંગે આધાર પુરાવા માગતા તે મળી આવ્યા ન હતા. તેમજ સિગારેટના પાકીટ ઉપર જરૂરી સૂચના કે ચિત્ર પણ મળ્યા ન હતા. અમુક સિગારેટના બોક્સ ઉપર ટીએઆર તથા નીકોટીનનું પ્રમાણ જણાવ્યું ન હતું. તેમજ સિગારેટના પાકીટની આગળ પાછળ ૮૫ ટકા ભાગ ઉપર સચિત્ર કાનુની ચેતવણી છાપી ન હતી. આમ ગેરકાયદેસર રીતે સિગારેટનો જથ્થો પોતાના કબજામાં રાખી વેચાણ કરતા હોવાથી મિલન પાન હાઉસના સમીર ખાનની સામે સીઆરપીસી ૧૫૪ હેઠળ ગુનો નોંધી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.