દમણ: (Daman) સંઘપ્રદેશ દાનહ-દમણ-દીવનાં તમામ હરવા ફરવા લાયક સ્થળો અને દરિયા કિનારાઓ (beach) પર્યટકો (Tourist) માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે. બાર (Bar) એન્ડ રેસ્ટોરન્ટની સાથે હોટલ, મોલ, સિનેમા ઘરો અને હાટ બજારો પણ ફૂલ કેપેસીટી સાથે શરૂ કરવા નો ઓર્ડર થતાં પર્યટકોની સાથે હોટલ (Hotel) સંચાલકોમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી છે.
- દાનહ-દમણ-દીવના ફરવા લાયક સ્થળો, દરિયા કિનારા પર્યટકો માટે ફરી ખૂલ્લા મુકાયા
- નાઈટ કરફ્યુને પણ હટાવી દેતા પર્યટકોની સાથે હોટલ સંચાલકોમાં ખુશીની લહેર
- પ્રાથમિક શાળાઓમાં પણ ઓફલાઈન શિક્ષણને આપવામાં આવી મંજૂરી
સંઘપ્રદેશ દાનહ-દમણ-દીવમાં વધતા કોરોનાના કેસને લઈ સમયાંતરે પ્રશાસન દ્વારા જરૂરી ગાઈડલાઈન જારી કરી તેને અનુસરવા લોકોને સૂચન કરાતું હતું. દાનહ-દમણ-દીવમાં નવા વેરિયન્ટ ના કેસમાં અચાનક ઉછાળો આવતા પ્રશાસને શનિ-રવિ અને રજાઓનાં દિવસોમાં તમામ હરવા ફરવા લાયક સ્થળોની સાથે દમણ-દીવના દરિયા કિનારાઓ લોકોની અવરજવર માટે બંધ કરાયા હતા. પ્રદેશની તમામ હોટલો અને બાર એન્ડ રેસ્ટોરન્ટ અને મોલમાં પણ 50 ટકાની કેપેસીટી સાથે જ વ્યવસ્થા ઉભી કરવા આદેશ કરાયો હતો.
જોકે, સંઘપ્રદેશ દાનહ-દમણ-દીવમાં હાલ સતત ઘટી રહેલા કોરોનાના કેસને જોતા પ્રશાસને એક મહત્વનો નિર્ણય લઈ નવી ગાઈડલાઈન જારી કરી છે. જે મુજબ હવેથી દાનહ-દમણ-દીવનાં તમામ હરવા ફરવા લાયક સ્થળો અને દરિયા કિનારાઓ તમામ દિવસ માટે પર્યટકો માટે ખુલ્લા રહેશે. જે માટે પર્યટકોએ જરૂરી કોવિડની ગાઈડ લાઈનનું પાલન કરવાનું રહેશે.
હોટલ, બાર એન્ડ રેસ્ટોરન્ટ, મોલ, મલ્ટિપ્લેક્સ, હાટ બજાર ફૂલ કેપેસિટી સાથે ચલાવી શકાશે
પ્રદેશની તમામ હોટલ, બાર એન્ડ રેસ્ટોરન્ટ, રિસોર્ટ, મલ્ટિપ્લેક્સ, હાટ બજાર પણ ફૂલ કેપેસીટી સાથે કોવિડની ગાઈડ લાઈન સાથે શરૂ કરાશે. જો કે, લગ્ન પ્રસંગોમાં 200 વ્યક્તિ અને અંતિમક્રિયામાં 100 વ્યક્તિની સંખ્યાને યથાવત રાખવામાં આવી છે. આ સાથે જ પ્રાથમિક શાળાઓમાં બંધ કરાયેલા ઓફલાઈન શિક્ષણને પણ પુનઃશરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. રાત્રી કરફ્યુને પણ હટાવી દેવાયો છે.