દમણ : દમણના (Daman) પાતલીયા વિસ્તારના એક વાઈન શોપની (Wine Shop) બહાર વલસાડ (Valsad) પાર્સિગના એક છોટા હાથી ટેમ્પો (Tempo) ચાલકનો પરિવાર (Family) અને નવસારી (Navsari) પાર્સિગની ઈકો કાર ચાલકના પરિવાર વચ્ચે કોઈ વાતને લઈને છૂટ્ટા હાથની મારામારી સર્જાઈ હતી.
દમણમાં દારૂની છૂટ હોવાથી નવસારી, સુરત, બરોડા, અમદાવાદ તથા વલસાડ જિલ્લાનાં અન્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં પર્યટકો આવે છે. ખાણીપીણીની મોજમસ્તી ઉડાવતા હોય છે. પરંતુ અમુક સમયે અમુક લોકો દારૂના નશામાં ચકચૂર બની પોતાનું ભાન ભૂલી નહીં કરવાની હરકતો કરી બેસે છે. અને તેનું પરિણામ મારીમારી સુધી પણ પહોંચી જાય છે. સોમવારના રોજ બપોરના સુમારે આવા જ મારામારી ભર્યા દ્રશ્યો જોવા મળ્યા હતા.
પાતલીયા વિસ્તારમાં આવેલા એક વાઈન શોપની બહાર વલસાડના ટેમ્પોમાં આવેલા એક પરિવાર અને નવસારીની ઈકો કારમાં આવેલા પરિવાર વચ્ચે દારૂ પીવા બાબતે બોલાચાલી સર્જાઈ હતી. બોલાચાલી દારૂ પીધા બાદ મારામારી સુધી પહોંચી ગઈ હતી. જેમાં છોટા હાથીમાં આવેલા પરિવારનાં યુવાનોએ ઈકો કારમાં આવેલા યુવાનોને જાહેર રસ્તા પર ઢોર માર મારતાં ગેંગવોર સર્જાયો હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા. થોડા સમય માટે રસ્તા પર પણ લોકટોળું પણ એકત્ર થઈ ગયું હતું. આખરે ઇકો કારના ચાલકે કારને હંકારી ભાગી જવું પડ્યું હતું. જ્યારે એકને મોઢાના અને શરીરના ભાગ પર ઢોર માર મારતા તે વાઈન શોપની દિવાલ સાથે અઢેલી ફસડાઈ પડ્યો હતો. જો કે, સરેઆમ મારામારી થઈ હોવા છતાં નજીકમાં જ પોલીસ ચેકપોસ્ટ હોવા છતાં આ અંગેની જાણ પોલીસને થઈ ન હોવાનું પ્રતિત થઈ રહ્યુ છે. જો કે, મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પર્યટકોની સુરક્ષા અને કાયદા વ્યવસ્થા સામે સવાલ ઉભો થયા છે. દમણ પોલીસે ફરવા લાયક સ્થળોની સાથે જાહેરમાં આવી મારામારી જેવી પ્રવૃત્તિ કરી પ્રદેશની શાંતિ અને સલામતી સાથે તેની છબીને ખરડી રહેલા લોકો સામે સખ્ત કાર્યવાહી કરે એ હવે જરૂરી બન્યું છે.