કેટલીક વ્યક્તિ જન્મથી શારીરિક કે માનસિક રીતે ક્ષતિગ્રસ્ત હોય છે. વળી કોઈક એવી ઘટના બને કે જેને કારણે વ્યક્તિ શારીરિક અને માનસિક રીતે અસ્વસ્થ બને ત્યારે ક્ષતિગ્રસ્ત બનતી હોય છે. કુટુંબમાં બાળકનો જન્મ આનંદનો અવસર લઈ આવે છે. પરંતુ જ્યારે બાળક ખોડખાંપણ સાથે જન્મે ત્યારે સૌ નિરાશ થઈ જાય છે. કહેવાય છે કે, બાળકમાં ૬૦ ટકા બર્થ ડિફેક્ટસ અગમ્ય કારણોસર આવે છે. જેના માટે મેડિકલ સાયન્સ પાસે કોઈ ઉત્તર નથી. આવા બાળકને કુટુંબના સભ્યોની વિશેષ લાગણી અને હૂંફની જરૂર હોય છે. ઘરનું વાતાવરણ હકારાત્મક રહે તે આવશ્યક છે. વિકલાંગ માટે દિવ્યાંગ શબ્દ પ્રચલિત થયો છે અને તેઓનું ગૌરવ જળવાય તેવું વાતાવરણ ઊભું થયું છે, જેને પ્રોત્સાહન આપવું જોઈએ. પેરા ઓલિમ્પિકસમાં ૫ ગોલ્ડ સહિત ૧૯ મેડલ જીતી ભારતનું ઐતિહાસિક પ્રદર્શન યાદ કરવું જોઈએ. હાલ વિકલાંગની બદલાયેલ વ્યાખ્યા વાંચવા મળી તે મુજબ જે વ્યક્તિ હાથ-પગ કે શરીરનાં અંગોની ખોડખાંપણ છે તે વિકલાંગ નથી, પણ જેને હાથ-પગ આપ્યા છે અને કામ કરવું નથી તે વિકલાંગ ગણાશે.
નવસારી – કિશોર આર. ટંડેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.