અંકલેશ્વર: (Ankleshwar) અંકલેશ્વર શહેર તાલુકા તેમજ ઔદ્યોગિક વસાહતમાં વાયુ પ્રદૂષણ (Pollution) વધે એની સામે સ્થાનિક જવાબદાર તંત્રના અધિકારીઓ હોય છે. પ્રદૂષણ વધવાની સાથે જ પ્રકાશિત તથા અહેવાલો બાદ જ વહીવટી તંત્ર જાગૃતિ દાખવતું હોય એમ લાગી રહ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી અંકલેશ્વરમાં પ્રદૂષણની માત્રા ગંભીર અને જોખમી હદે વધી રહી હતી. જેની સામે થતાં એક સપ્તાહ સુધી અહેવાલો પ્રકાશિત થયા બાદ અને અંકલેશ્વર રેડ ઝોનમાં મુકાયા બાદ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) કે પછી અંકલેશ્વર ઉદ્યોગ મંડળ સફાળું જાગ્યું છે.
જો કે, પ્રદૂષકોની માત્રા વધે એવું જ આ જવાબદાર તંત્રનું ધ્યાન ક્યાં તો સ્વયંસેવી અને પર્યાવરણવાદી સંસ્થાઓએ દોડવું પડે છે અને અહેવાલો પ્રકાશિત કરવા પડે છે. અધિકારીઓ, ઉદ્યોગ મંડળના સભ્યો આ પરિસ્થિતિ પર મોનિટરિંગ રાખતા નથી. પ્રદૂષણની માત્રા વધે એટલે જ તંત્ર એક્શનમાં આવતું હોય છે. પરંતુ મોનિટરિંગ ટીમ જે હાલ ફક્ત નામની લાગી રહી છે એ પણ સદંતર નિષ્ક્રિય ન બને અને 24 કલાક સક્રિય બને એવી પણ વ્યાપક લોકમાંગ ઊઠી રહી છે. બીજી તરફ હવા પ્રદૂષણણથી વર્ષે ગુજરાતને થયેલું આર્થિક નુકસાન અંદાજે 25 હજાર કરોડ રૂપિયા જેવું છે. ગુજરાતની વસતી દીઠ વહેંચી દઈએ તો દરેકનાં ખિસ્સામાંથી ૩ હજારની રકમ હવા પ્રદૂષણ સેરવી જાય છે.
પ્રદૂષિત હવા શ્વાસમાં જતાં હૃદયમાં જતા લોહીની નળીઓ બ્લોક થાય છે…
પ્રદૂષિત હવા શ્વાસમાં જવાથી લોહીની નળીઓ બ્લોક થાય અને ક્યારેક હાર્ટ એટેક આવે કે પછી હૃદય સંબંધિત બીજા પ્રશ્નો ઊભા થાય છે. હવા પ્રદૂષણથી થતા આર્થિક નુકસાનમાં ૪૦ ટકા હિસ્સો તો ફેંફસાંની બીમારીનો છે. ૬૦ ટકામાં હાર્ટ અને અન્ય બીમારીનો સમાવેશ થાય છે. ભારતમાં નેશનલ એર ક્વોલિટી સ્ટાન્ડર્ડ હેઠળ હવાના ૧૨ પ્રદૂષકોની ગણતરી કરવામાં આવે છે. તેમાં હવામાં રહેલો સલ્ફર ડાયોક્સાઈડ, ૨.૫ પીએમ કણો, ૧૦ પીએમ કણો, ઓઝોન, સીસું, નિકલ, કાર્બન મોનોક્સાઈડ, નાઈટ્રોજન ડાયોક્સાઈડ, કાર્બન ડાયોક્સાઈડ વગેરેનો સમાવેશ થાય છે.
આરોગ્ય સવલત પાછળ સૌથી ઓછો ખર્ચ કરનારા દેશોમાં ભારતનો સમાવેશ…
એક અહેવાલ મુજબ ૨૦૧૯ના વર્ષ દરમિયાન ભારતમાં હવા પ્રદૂષણથી ૧૬.૭ લાખ નાગરિકોનાં મોત થયાં હતાં. જ્યારે આર્થિક રીતે ભારતની તિજોરીને ૨,૭૧,૪૪૬ કરોડનું નુકસાન થયું હતું. આ આંકડો મોટો છે અને જીડીપીના ૧.૪ ટકા જેટલો હિસ્સો રોકે છે. સામે ભારત આરોગ્યના નામે જીડીપીના સાડા ત્રણ ટકા જેવી રકમ જ ખર્ચે છે. આરોગ્ય સવલત પાછળ સૌથી ઓછો ખર્ચ કરનારા દેશોમાં ભારતનો સમાવેશ થાય છે. ભારતમાં સૌથી વધુ મોતની દૃષ્ટિએ ગુજરાત આઠમા ક્રમે છે, પણ આર્થિક નુકસાનની દૃષ્ટિએ ગુજરાત ત્રીજો ક્રમ ધરાવે છે.