સુરત: (Surat) ખંભાતના અખાતમાં લીક થયેલા ઓઇલને લીધે દક્ષિણ ગુજરાતમાં હજીરાથી લઇ મગદલ્લા (Hajira To Magdalla) સુધી અને મગદલ્લાથી તાપી નદીના શહેરી વિસ્તાર સુધી કેરોસીન જેવી વાસ આવી રહી છે. ઓઇલ લીક થઇ થઇને ભરતી દરમિયાન તાપી નદીમાં આવતા નદી કિનારે રહેતા લોકોને આખોમાં બળતરા થવા સાથે જીવસૃષ્ટિને પણ નુકસાન થયું હોવાની દહેશત વ્યક્ત કરવામાં આવી છે. બ્રેકિસ વૉટર્સ રિસર્ચ સેન્ટર દ્વારા કેન્દ્રના વન અને પર્યાવરણ સેક્રેટરી, સીપીસીબી અને જીપીસીબીના (GPCB) ચેરમેન અને મેરીટાઇમ બોર્ડના ચેરમેન સમક્ષ તપાસની માગ કરાઇ છે.
બ્રેકિસ વૉટર્સ રિસર્ચ સેન્ટરના પર્યાવરણવિદ એમએસએચ શેખ દ્વારા કેન્દ્રના વન અને પર્યાવરણ સેક્રેટરી, સીપીસીબી અને જીપીસીબીના ચેરમેન અને મેરીટાઇમ બોર્ડના ચેરમેનને પત્ર લખી તપાસની માંગ કરાઇ છે. આવેદનપત્રમાં જણાવવામાં આવ્યુ છે કે મોટાપ્રમાણમાં લિક્વિડ કેમિકલ દક્ષિણ ગુજરાતના કોસ્ટલ એરિયામાં અને તાપીનદીમાં ફેલાતા હાઇડ્રોકાર્બન પોલ્યુશનની સ્થિતિને પગલે જીવસૃષ્ટિને ખાસકરીને માછીમારીને મોટુ નુકસાન થવાની શક્યતા છે. 15 જાન્યુઆરીથી આ સ્થિતિ ઉભી થઇ છે. જેમાં નદી કિનારાના વિસ્તારોમાં કેરોસીન જેવી વાસ આવી રહી છે.
આ આખા પ્રકરણમાં અત્યાર સુધી કસૂરવારો સામે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. ખાસ કરીને હજીરા વિસ્તારમાં મોટાપાયે ગેરકાયદેસર રીતે ઓઇલ અને કેમિકલનો નિકાલ સમુદ્રમાં કરવામાં આવ્યો હોવાની સંભાવના છે. જેને પગલે માછીમારોને દરિયામાં શ્વાસમાં તકલીફ પડી રહી છે. સમુદ્ર સાથે સુરત જિલ્લાના 40 કિલોમીટર વિસ્તારમાં ડીઝલની તીવ્ર વાસ આવી રહી છે. તે જોતા ખરેખર ખંભાતના અખાતમાં ઓઇલ લીક થયુ છે કે હજીરાના દરિયામાં ગેરકાયદે કેમિકલ વેસ્ટનો નિકાલ કરવામા આવ્યો છે તેની તપાસ કરવી જોઇએ. ગુજરાત મેરીટાઇમ બોર્ડે વ્હીકલ ટ્રેકિંગ એન્ડ મોનિટરિંગ સિસ્ટમના માધ્યમથી મામલે તપાસ કરવી જોઇએ. જીપીસીબીએ જે કેમિકલના સેમ્પલ લીધા છે તેની માહિતી પણ લોકોને આપવી જોઇએ.
સુરત શહેરમાં શનિવારે સાંજ બાદ મગદલ્લાથી (Magdalla) તાપી નદીના ડકકા ઓવારા સુધી પાણીમાં ઓઇલ વહેતું-વહેતું આવી ગયું હતું. કેટલાંક લોકોએ તો આ ઓઇલ કોઇ જોખમી કેમિકલ હોય તેવી શંકા વ્યકત કરી હતી. કારણ કે તાપી નદી આસપાસના વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાઇ હતી. કેટલાંક લોકોએ તો આંખમાં બળતરા થતી હોવાની પણ ફરિયાદ કરી હતી. જેને પગલે ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડની (GPCB) ટીમ દોડતી થઇ ગઇ હતી.