ગુજરાતની આ ધરા પર ભાગ્યે જ એવા કોઈ નરબંકા પુરુષ અથવા સ્ત્રી હશે, જેમણે ઉપરોક્ત રમૂજી કટાક્ષિકા સાંભળી નહીં હોય! દલો તરવાડી લીલીછમ ખેતરાળીમાંથી વાટ કાપતો જઈ રહ્યો હતો. રસ્તામાં રિંગણાંની વાડી દૃષ્ટિએ ચઢી. વાડીમાં રિંગણાંના છોડ સાથે અસંખ્ય કાળાં ડિબાંગ ગોળ રિંગણ હિલ્લોળા લેતાં દીઠાં. તરવાડીનું મન લલચાણું. સદ્ભાગ્યે તે સમયે વાડીનો માલિક હાજર નો’તો એટલે તરવાડીએ જાતે જ ‘સેલ્ફ સર્વિસ’ના નાતે પૃચ્છા કરી: બાઈ વાડી રે વાડી, રિંગણાં લઉં બે ચાર? બે-ચાર શું કામ, લઈ લો ને દશ બાર! અને દલાએ દશ-પંદર ચૂંટી લીધાં અને રસ્તો પકડી લીધો મારા ભાઈ. ગુજરાત રાજ્યમાં વિધાનસભાની સીટો ભરવાની છે.
લાયક મુરતિયાઓને ગળે ફૂલમાળા પહેરાવવાની છે એ બાબત નિશ્ચિત જ છે. પોતાના પક્ષની સરકાર અને સત્તા ટકાવી રાખવા કેન્દ્ર સરકાર અને તેમના ચુનંદા લોકસેવકો, પ્રધાનોનાં અસંખ્ય આંટા-ફેરા શરૂ થઈ ચૂક્યા છે તે બાબતથી આપણે અજાણ નથી. ગુજરાતની જનતા કોરોના મહામારીના જટિલ રોગથી ઘરમાં ગામમાં અને હોસ્પિટલોમાં યાતના વેઠી કણસતી હતી. ત્યારે કોઈ માઈના લાલને તેમની ખબરઅંતર, સારસંભાળ લેવાની દિલેરી ભાવના નો’તી. માત્ર ને માત્ર સત્તાકીય સ્વાર્થ માટે, ડબલ એન્જિન સરકારની વિકાસની ગુલબાંગો હાંકવા અખબારો ભરી ભરીને જાહેરાતો, વિકાસના પ્રકલ્પો માટે પાંચ-પચાસ લાખ રૂપિયાની તો વાત જ નંઈ કરોડો-અબજોની જ ખેરાત! જાણે ભારતીય તિજોરી પણ કહેતી હશે – કરકસર કરો મા, હું ખાલી થવા જ બેઠી છું! અધૂરામાં પૂરું – આદિવાસી મતદારોનાં મત અંકે કરવા સરદાર બિરસા મુંડાને ‘ભગવાન’ તરીકે ચિતરવાની ચેષ્ટાએ તો હદ કરી દીધી મારા ભાઈ!
કાકડવા – કનોજભાઈ વસાવા દલાલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
દુર્ઘટના વખતે રાજીનામા માંગવાને બદલે પીડિતો માટે કામ કરો
હાલમાં જ મોરબીના ઝૂલતા પુલની દુર્ઘટનામાં સેંકડો નિર્દોષ પ્રજાજનો મૃત્યુ પામ્યાં જે વિકટ સંજોગોમાં પણ વિરોધપક્ષો રાજકારણની રમત રમી રહ્યા છે અને સત્તાધારી પક્ષના મુખ્યમંત્રીનું રાજીનામું માંગી રહ્યા છે. આપણા દેશ અને તેમાં તમામ રાજ્યનાં રાજકારણના ઈતિહાસમાં જોઈએ તો રાષ્ટ્રીય સ્તરે કે પછી રાજ્યસ્તરે કોઈ પણ વિપરીત ઘટના કે પછી દુર્ઘટના થાય એટલે કોઈ પક્ષો વિરોધ પક્ષમાં હોય તે પીડિતો કે મૃત્યુ પામેલાનાં સ્વજનોને આશ્વાસન કે મદદ કરવાનું વિચારતા નથી પરંતુ નૈતિક ધોરણે વડા પ્રધાન કે મુખ્યમંત્રીનું રાજીનામું માંગવાનું જાણે કે તેમનો જન્મસિધ્ધ અધિકાર હોય તેમ ક્યારેય ભૂલતા નથી જે માનવાતની દૃષ્ટિએ ખૂબ જ દુ:ખદ બાબત છે.
સુરત – રાજુ રાવલ દલાલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.