Vadodara

દાગીના બનાવવાની લાલચ આપી જ્વેલર્સ ત્રિપુટીની 1.25 કરોડની ઠગાઈ

વડોદરા : શહેરના કારેલીબાગ આમ્રપાલી કોમ્પ્લેક્સમાં આવેલ નંદલાલ જ્વેલર્સના પિતા, પુત્રની ત્રિપુટીએ કેટરિંગના અને લેબર કામના વેપારીને પ્રોફિટની લાલચ આપી સોનાના દાગીના બનાવવા માટેના મશીનોની ખરીદી માટે રૂપિયા 1.25 કરોડ પડાવી છેતરપિંડી કરી હોવાનો બનાવ શહેર ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાયો છે. પોલીસે પિતા-પુત્રની ત્રિપુટી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

શહેરના કારેલીબાગ વિસ્તારની સોનારિકા સોસાયટીમાં રહેતા રાજકુમાર રમેશચન્દ્ર જૈન ઓમ શિવ એન્ટરપ્રાઇઝ અને એ વી એસ હોસ્પિટાલિટી સર્વિસ નામથી અલગ અલગ કંપનીઓમાં કેટરિંગનું કામ તથા લેબર સપ્લાયરનું કામ કરે છે. રાજકુમારની વર્ષ 2010 દરમિયાન કારેલીબાગ વિસ્તારના આમ્રપાલી કોમ્પ્લેક્સમાં આવેલા નંદલાલ જ્વેલર્સ ખાતે દાગીનાની ખરીદી વખતે નંદલાલ સોની તથા તેઓના દીકરા નિલેશ સોની અને નિમેષ સોની સાથે પરિચય થયો હતો.

વર્ષ 2013 દરમિયાન પિતા-પુત્રની ત્રિપુટીએ રાજકુમારને જણાવ્યું હતું કે, અમારે ધંધો સારો ચાલે છે સોનાના દાગીના બનાવવા માટે મશીન લાવવાના છે. તમે ધંધામાં રોકાણ કરશો તો સારો પ્રોફિટ આપીશું. અને રોકાણ પેટે રૂ. 2 કરોડ તમારે આપવા પડશે તેમ જણાવી સારું પ્રોફિટ આપવાની લાલચ આપી હતી. જેથી રાજકુમાર જૈન ભોજબાજ પિતાપુત્રની લોભામણી વાતોમાં આવી જઈ ટુકડે ટુકડે 85 લાખ રોકડા તેમજ 40 લાખના ચેક મળી કુલ રૂ. 1.25 કરોડ આપ્યા હતા.

જોકે રાજકુમારે કુલ 1.25 કરોડ નંદલાલ જ્વેલર્સ નામની પેઢીના બેંક એકાઉન્ટમાં જમા કરાવ્યાં હતાં. પરંતુ લાંબા સમય સુધી ત્રિપુટીએ કોઈ પ્રોફિટ આપ્યો ન હતો. તેમજ રાજકુમાર દ્વારા વારંવાર માંગવા છતાં કોઈને કોઈ બહાના કાઢી પૈસા આપવાનું ટાળ્યું હતું. આખરે રાજકુમારે સખત વલણ અપનાવતા પિતા-પુત્રની ત્રિપુટીએ પેઢીના લેટરપેડ ઉપર 1.25 કરોડ સ્વિકાર્યા હોવાની કબૂલાત કરી હતી. જેથી તેનો કોઇ લાભ ન મળતાં રાજકુમારે રકમ પરત માંગી હતી.

દરમિયાન અવારનવાર બહાના બતાવી રકમ પરત નહીં કરનાર  પિતા-પુત્રના મોબાઈલ નંબર બંધ થઈ ગયા હતા તેમજ દુકાને તાળા વાગી જતા રાજકુમાર પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતા શહેર પોલીસની ક્રાઇમ બ્રાન્ચ શાખામાં નંદલાલ જવેલર્સના પિતાપુત્રની ત્રિપુટી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે નિમેષ નંદલાલ સોની ,નિલેશ નંદલાલ સોની અને નંદલાલ લાલજીભાઈ સોની વિરુદ્ધ છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તલસ્પર્શી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top