Madhya Gujarat

ડાકોરમાં શ્રી ડંકનાથ મહાદેવ મંદિર બહાર દબાણો યથાવત

નડિયાદ: યાત્રાધામ ડાકોરમાં ગોમતીઘાટ ઉપર આવેલ શ્રી ડંકનાથ મહાદેવના અતિપ્રાચીન મંદિર બહાર કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણ હટાવવામાં તંત્ર રસ દાખવતું ન હોવાથી ગામની જ એક જાગૃત મહિલાએ ૧૫ મી ઓગસ્ટના દિવસે પાલિકા કચેરી ખાતે આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જેને ધ્યાનમાં લઈ યાત્રાધામ વિકાસ બોર્ડ અને જિલ્લા કલેક્ટરે ડાકોર નગરપાલિકાના ચીફ ઓફિસરને પત્ર લખી આ મામલે યોગ્ય તપાસ કરી, મહિલાને ન્યાય આપવા માટે આદેશ આપ્યો હતો. જોકે, આ વાતને અઠવાડિયા જેટલો સમય વીતી ગયો હોવા છતાં પાલિકાતંત્ર દ્વારા દબાણ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલ પવિત્ર ગોમતી તળાવના ઘાટ ઉપર શ્રી ડંકનાથ મહાદેવજીનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે. લાખો શ્રધ્ધાળુઓના આસ્થા સમાં આ મંદિરના ટ્રસ્ટીઓના વારસો દ્વારા મંદિરની બહાર સરકારી જગ્યા ઉપર ગેરકાયદેસર રીતે દુકાનો બાંધી દેવામાં આવી છે. જેને પગલે દર્શનાર્થે આવતાં શ્રધ્ધાળુઓ ઉપરાંત ગોમતીઘાટની મુલાકાત લેતાં યાત્રાળુઓને અવરજવર કરવામાં ભારે હાલાકી વેઠવી પડી રહી છે. યાત્રાળુઓને પડતી તકલીફોના નિવારણ માટે ડાકોરના હેમંતીબેન કૃષ્ણવદન ઉપાધ્યાય છેલ્લાં ઘણાં વર્ષોથી લડત લડી રહ્યાં છે.

તેઓએ આ મામલે ઉચ્ચ કક્ષા સુધી રજુઆતોનો મારો ચલાવ્યો છે. તેમછતાં સરકારી તંત્ર દ્વારા આ ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં રસ દાખવતું નથી. જેથી હેમંતીબેને થોડા દિવસ અગાઉ આ મામલે પાલિકાના ચીફઓફિસર, જિલ્લા કલેક્ટર, યાત્રાધામ વિકાસ બોર્ડ સહિતની ઉચ્ચકક્ષાએ આખરી અરજી કરી, ૧૫ ઓગસ્ટ સુધીમાં આ ગેરકાયદેસર દબાણ હટાવવા અલ્ટીમેટમ આપ્યું હતું અને જો દબાણ હટાવવામાં નહીં આવે તો ૧૫ મી ઓગસ્ટે નગરપાલિકા કચેરીમાં આત્મવિલોપન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. આ અરજીને ધ્યાનમાં રાખી યાત્રાધામ વિકાસ બોર્ડ અને ખેડા જિલ્લા કલેક્ટરે ગત તા.૨૯-૭-૨૦૨૨ ના રોજ ડાકોર નગરપાલિકાના ચીફ ઓફિસરને પત્ર લખી, આ મામલે યોગ્ય તપાસ કરી, અરજદારને ન્યાય અપાવવા આદેશ કર્યો હતો. જેને એક અઠવાડિયા કરતાં વધુ સમય વીતી ગયો હોવા છતાં ડાકોર નગરપાલિકા તંત્ર દ્વારા હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી પાલિકાની કામગીરી ઉપર સવાલો ઉઠવા લાગ્યાં છે.

Most Popular

To Top