નડિયાદ: યાત્રાધામ ડાકોરમાં પાણીની સમસ્યા વિકટ બની છે. છેલ્લાં ત્રણેક મહિનાથી નગરના મોટાભાગના વિસ્તારોમાં પુરતાં પ્રમાણમાં પાણીનો સપ્લાય મળી રહ્યો નથી. જેને પગલે નગરજનોની હાલત કફોડી બની છે. પાણીની સમસ્યા મુદ્દે સ્થાનિકોએ અનેકાવાર પાલિકામાં રજુઆત કરી છે. પરંતુ, સ્થાનિકોની રજુઆતો પાલિકાના બહેરા કાને સંભળાતી નથી. જેને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરના કેટલાક વિસ્તારોમાં પાલિકાતંત્ર દ્વારા પુરતાં પ્રમાણમાં પાણી પહોંચાડવામાં આવતું ન હોવાની બુમો ઉઠવા પામી છે.
ખાસ કરીને નગરના વોર્ડ નં ૧, ૨ અને ૪ ના રહીશોને પાણી પહોંચાડવામાં પાલિકાતંત્ર દ્વારા ઓરમાયું વર્તન દાખવવામાં આવતું હોવાનું જણાઈ રહ્યું છે. ભર ઉનાળામાં જ પાણીનો સપ્લાય પુરતા પ્રમાણમાં આપવામાં આવતો ન હોવાથી આ વિસ્તારના રહીશોને પીવા ઉપરાંત ન્હાવા-ધોવા અને ઘરવપરાશ માટેના પાણી માટે વલખાં મારવા પડી રહ્યાં છે. રહીશોને સવારથી જ પાણી માટે આમતેમ ભટકવું પડી રહ્યું છે. પાણી વગર રહીશોની હાલત કફોડની બની છે. ત્યારે આ વિસ્તારના રહીશોએ પુરતા પ્રમાણમાં પાણી આપવા માટે પાલિકાતંત્ર સમક્ષ અનેકોવાર રજુઆતો કરી હતી. જોકે, પાલિકાનાં નઘરોળતંત્રએ રજુઆતો ધ્યાને ન લેતાં પાણીની સમસ્યા ઠેરની ઠેર જોવા મળી રહી છે.
યાત્રાધામ ડાકોરમાં પાણીની વિકટ સમસ્યા પરત્વે પાલિકાતંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવતું ન હોવાથી નગરજનો કફોડી સ્થિતીમાં મુકાયાં છે. અનેક વિસ્તારોમાં પુરતાં પ્રમાણમાં પાણી મળતું નથી, તો અમુક વિસ્તારોમાં તો પાણીનું ટીપુંય પહોંચતું નથી. આવા વિસ્તારોમાં રહેતાં રહીશો જેમતેમ કરી ઘરવપરાશ માટે થોડું ઘણું પાણી મેળવતાં હોય છે. પરંતુ પીવાના પાણી માટે બજારમાંથી મિનરલ પાણીના જગ ખરીદવા મજબુર બન્યાં છે.
ડાકોરના વોર્ડ નં ૧ માં આવેલ રણછોડપુરા વિસ્તારમાં છેલ્લાં ઘણાં વર્ષોથી પાણીની સમસ્યા છે. આ વિસ્તારના રહીશો પાણીની સમસ્યા મુદ્દે રજુઆતો કરે ત્યારે પાલિકાતંત્ર દ્વારા આશ્વાસન આપવામાં આવતું હતું. પરંતુ, પાણીની સમસ્યાના નિવારણ માટે કોઈ કામ કરવામાં આવતું ન હતું. વર્ષો સુધી આ ક્રમ ચાલ્યા બાદ આખરે, રોષે ભરાયેલાં વોર્ડ નં ૧ ના રહીશોએ થોડા સમય અગાઉ પાલિકા કચેરી ખાતે જઈ હોબાળો મચાવ્યો હતો.
ટેન્કર વડે પાણી પહોંચાડવામાં પાલિકાતંત્ર નિષ્ફળ
અડધાં ડાકોર શહેરને છેલ્લાં ઘણાં મહિનાઓથી પુરતા પ્રમાણમાં પાણી મળી રહ્યું નથી. જેને પગલે નગરજનોને ભારે હાડમારી વેઠવી પડી રહી છે. તેમછતાં પાલિકાતંત્ર ટેન્કર વડે પાણી પહોંચાડવામાં આળસ દાખવી રહ્યું હોવાથી લોકો રોષે ભરાયાં છે.
વોર્ડ નં ૨ અને ૪ માં માત્ર એક જ ટાઈમ પાણી આપવામાં આવે છે
ડાકોર નગરના વોર્ડ નં ૨ અને ૪ માં છેલ્લાં ઘણાં વર્ષોથી પાણીની સમસ્યા જોવા મળી રહી છે. શિયાળા અને ચોમાસાની ઋતુમાં મોટર બગડી હોવાના બહાને આ વિસ્તારમાં પાણીનો સપ્લાય બંધ કરી દેવામાં આવે છે. તો વળી ઉનાળામાં જળસ્તર ઉંડા જવાથી સર્જાયેલી અછતને પગલે સપ્લાય બંધ કરાયો હોવાનું જણાવવામાં આવે છે. રોજેરોજ પાણીની સમસ્યાથી આ વિસ્તારની પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. આ વિસ્તારની પ્રજાએ અનેકોવાર પાલિકા કચેરીમાં જઈ હોબાળો પણ મચાવ્યો છે. પ્રજા જ્યારે વિરોધ નોંધાવે ત્યારે પાલિકા થોડા દિવસ પુરતો પાણીનો સપ્લાય શરૂ કરે છે. બાદમાં પાણીનો સપ્લાય બંધ કરી દેવામાં આવતો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યાં છે. આ વિસ્તારમાં છેલ્લાં ત્રણેક મહિનાથી માત્ર એક જ ટાઈમ પાણી આપવામાં આવે છે. જોકે, તે પણ પુરતાં પ્રમાણમાં આપવામાં આવતું ન હોવાથી રહીશોને દિવસ દરમિયાન ન્હાવા, ધોવા તેમજ ઘરવપરાશના પાણી માટે ફાંફા મારવા પડી રહ્યાં છે.
લાઈનમાં ભંગાણ સર્જાતાં હજારો લિટર પાણીનો વેડફાટ
ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરના મોટાભાગના વિસ્તારોમાં ઉનાળાની શરૂઆતથી જ પાણીનો સપ્લાય સાવ નહિવત કરી દેવામાં આવ્યો હતો. જેને પગલે અડધાંઅડધ ડાકોરને છેલ્લાં ત્રણ મહિનાથી પુરતાં પ્રમાણમાં પાણી મળી રહ્યું નથી. ભર ઉનાળામાં નગરજનો પાણી માટે આમતેમ વલખાં મારી રહ્યાં છે. એક-એક બુંદ માટે પ્રજા તરસી રહી છે. દરમિયાન સોમવારના રોજ સવારના સમયે નગરમાં આવેલ શ્રી રણછોડરાયજી મંદિરના દ્વાર પાસે ચાલી રહેલ રસ્તાના નવિનીકરણની કામગીરી વખતે પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા હજારો લિટર પાણીનો વેડફાટ થયો હતો. એક તરફ નગરજનોને પાણી પુરતા પ્રમાણમાં મળતું નથી…ને બીજી બાજુ તંત્રની બેદરકારીને પગલે હજારો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો હોવાથી નગરજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ખોદાયેલાં માર્ગ પર ફેલાયેલાં પાણીને પગલે નગરજનો ઉપરાંત દર્શનાર્થે આવેલાં શ્રધ્ધાળુઓને અવરજવર કરવામાં ભારે હાલાકી વેઠવી પડી હતી.
રહીશોએ પાલિકા કચેરીમાં માટલાં ફોડ્યાં
શહેરના વોર્ડ નં ૧ ના ઈન્દિરાનગરી વિસ્તારમાં મોટી સંખ્યામાં આદિવાસી વર્ગ રહે છે. આવિસ્તારમાં છેલ્લાં ઘણાં વર્ષોથી પાણીની સમસ્યા છે. તેમછતાં પાલિકાતંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી ન હોવાથી તે વિસ્તારમાં રહેતાં આદિવાસી સમુદાયના લોકો રોષે ભરાયાં હતાં. પાલિકાતંત્ર આદિવાસીઓ સાથે અન્યાય કરતું હોવાના આક્ષેપ સાથે સોમવારના રોજ મોટી સંખ્યામાં આદિવાસી સમુદાયના લોકોએ ખાલી માટલાઓ સાથે રેલી કાઢી ડાકોર નગરપાલિકાની કચેરીએ પહોંચી હોબાળો મચાવ્યો હતો. રોષે ભરાયેલી આદિવાસી મહિલાઓએ નગરપાલિકાના પ્રાંગણમાં માટલાં ફોડી, પ્રમુખ તેમજ ચીફ ઓફિસરની હાય…હાય બોલાવી હતી. તેમજ જો વહેલીતકે પાણીની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આવનાર દિવસોમાં ગાંધી ચિધ્યાં માર્ગો આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી.
અનેકવારની રજુઆતો છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી
યાત્રાધામ ડાકોરમાં પાણીની સમસ્યા મુદ્દે વિવિધ વિસ્તારના નગરજનોએ અનેકોવાર રજુઆતો કરી પાલિકાતંત્રનું ધ્યાન દોર્યું હતું. જોકે, ભ્રષ્ટાચાર તેમજ કૌભાંડો આચરવામાં મશગુલ બનેલા પાલિકાના નઘરોળ તંત્ર દ્વારા નગરજનોની રજુઆતો પરત્વે ધ્યાન આપવામાં આવતું નથી. જેને પગલે નગરજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.