નડિયાદ: ડાકોરમાં આવેલ સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ (સરકારી દવાખાના) માં સોમવારના રોજ મોડી સાંજના સમયે કોઈ કારણસર એકાએક અંધારપટ છવાઈ ગયો હતો. તેમછતાં તંત્ર દ્વારા અંધકાર દૂર કરવાની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી ન હોવાથી દાખલ દર્દીઓ અને તેમના સબંધીઓને ભારે હાલાકી વેઠવી પડી હતી. ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં બસસ્ટેશનથી નજીક સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ આવેલી છે. જેમાં ડાકોર ઉપરાંત આસપાસના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવતાં હોય છે.
દર્દીઓથી ભરચક રહેતાં આ સરકારી દવાખાનામાં સોમવારના રોજ મોડી સાંજના સમયે કોઈ કારણોસર વિજળી ડુલ થઈ ગઈ હતી. જેથી સમગ્ર દવાખાનામાં ઘોર અંધકાર છવાઈ ગયો હતો. એક કલાક કરતાં વધુ સમય સુધી દવાખાનામાં અંધકાર છવાયેલો રહ્યો હતો. તેમછતાં દવાખાનામાં બેટરી કે દીવા જેવી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી થોડું ઘણું અજવાળું પાથરવાની તંત્ર દ્વારા તસ્દી લેવામાં આવી ન હતી. જેને પગલે દવાખાનામાં દાખલ દર્દીઓની હાલત કફોડી બની હતી. દરમિયાન દર્દીઓના સબંધીઓએ મોબાઈલના ફ્લેશ લાઈટના સહારે કામ ચલાવ્યું હતું. તેમજ પેપર તેમજ પુઠા વડે પવન નાંખી ગરમીથી થોડી ઘણી રાહત મેળવી હતી. આરોગ્ય તંત્રની આવી ઘોર બેદરકારીને પગલે દવાખાનામાં દાખલ દર્દીઓ અને તેમના સબંધીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
દર્દીને ચઢાવેલો બોટલ પુરો થઈ જતાં અફડાતફડી મચી
ડાકોરના સરકારી દવાખાનામાં સોમવારના રોજ મોડી સાંજના સમયે એકાએક વિજળી ડુલ થઈ જતાં ઘોર અંધકાર છવાયો હતો. તે વખતે દવાખાનામાં દાખલ એક દર્દીને બાટલો ચઢાવેલો હતો. જેથી દર્દીના સબંધી મોબાઈલની ફ્લેશલાઈટના સહારે બોટલની સ્થિતી અંગેની દેખરેખ રાખી રહ્યાં હતાં. દવાખાનામાં લાઈટ આવે તે પહેલાં જ દર્દીને ચઢાવેલો બોટલ પુરો થઈ જવા આવ્યો હતો. જેથી દર્દીના સબંધી વોર્ડની બહાર નર્સિંગ સ્ટાફને બોલાવવા ગયાં હતાં. જોકે, હોસ્પિટલમાં ઘોર અંધકારને પગલે નર્સિંગ સ્ટાફને શોધવો મુશ્કેલ બન્યો હોવાથી ભારે અફરાતફરી મચી હતી. દરમિયાન દર્દીના સબંધી મોબાઈલની ફ્લેશલાઈટના સહારે આખા હોસ્પિટલમાં ફરી વળ્યાં હતાં અને રસ્તામાં જે કોઈ મળે તેને પુછતાં-પુછતાં આખરે નર્સિંગ સ્ટાફ સુધી પહોંચ્યાં હતાં. જે બાદ નર્સિંગ સ્ટાફે બાજી સંભાળી લેતાં દર્દી અને તેના સબંધીએ હાશકારો અનુભવ્યો હતો.