Business

ડેઇઝી શાહ, સલમાન વિના ય મેળવવી છે વાહ!

સલમાન જેવા સ્ટાર સાથે ફિલ્મો કરવામાં ફાયદા ય છે ને ખોટ પણ છે. જો બીજા નિર્માતાની નજરે ચઢો ને પ્રેક્ષકને ય ગમો તો સમજો કે જલસા અને જો એમ ન થયું, સલમાને પણ સાથ છોડી દીધો તો લોકો અચાનક માનવા લાગે કે હવે જવા દો આને. એવી અભિનેત્રીને ય પછી ઉગારે તો સલમાન જ ઉગારે નહિ તો કોઇ નહિ ઉગારે. ડેઇઝી શાહ અત્યારે આવું જ અનુભવી રહી છે. ‘જય હો’માં તે સલમાન સાથે હતી પણ તેની જય નહિં થઇ પછી ઘણી ફિલ્મોમાં તે ડાન્સર તરીકે મર્યાદિત થઇ ગઇ. ‘રેસ 3’માં તે સલમાન સાથે આવી પણ ત્યારે તેની જગ્યા કપાઇ ગઇ હતી. એટલે એની દશા એવી થઇ કે ‘ગુજરાત 11’ નામની ગુજરાતી ફિલ્મમાં આવી ગઇ. હવે તે ટી.વી. શ્રેણી અને ફિલ્મોથી ફરી સ્થાન મેળવવા મથે છે. હોજ સે ગઇ વો બુંદ સે નહિ આતી એવું તેના વિશે થશે?

હવે ડેઇઝી શાહ સલમાન, અક્ષય, અજય દેવગણ જેવા સ્ટાર્સનો આગ્રહ નથી રાખતી. મતલબ કે મનોરંજક ફિલ્મો તેની પાસે ઓછી આવે છે. અત્યારે તેની પાસે બે ફિલ્મો છે જેમાંની એક તે ‘મિસ્ટરી ઓફ ટાટુ’ જેમાં તે અર્જૂન રામપાલ અને મનોજ જોષી સાથે આવે છે. બીજી છે ‘સી યુ ઇન કોર્ટ’ જેમાં તે સમીર સોની, પ્રિતી ઝાંગિયાની સાથે દેખાશે. એકમાં રહસ્ય છે બીજામાં કોર્ટ ડ્રામા છે. ડેઇઝીને આ ફિલ્મો કેટલો ફાયદો કરશે તે ખબર નથી. પણ હા, જેમ તે ગુજરાતી ફિલ્મોમાં ય કામ કરવા તૈયાર થઇ ગઇ તેમ હવે ટી.વી. મુવી માટે પણ તૈયાર છે. ‘પ્યાર કંડીશન્સ એપ્લાસ’ નામની એ ફિલ્મમાં તેની સાથે તનુજ વીરવાણી ને સેજલ શર્મા છે. ટી.વી. ફિલ્મ આમ તો નાની કહેવાય પણ ડેઇઝી પોતે કયાં એવી મોટી સ્ટાર છે કે નાની-મોટી કહેતી થાય? આ ઉપરાંત ‘ધ એલીફન્ટ ઇન ધ રુમ’ નામની શોર્ટ ફિલ્મમાં ય કામ કરશે.

ડેઇઝી શાહ હવે ટકી જવાનું શાણપણ શીખી ગઇ છે. સલમાન સાથે ફિલ્મ પણ એક તુક્કો હતો ને હવેની ફિલ્મો ય તુક્કો છે. કોઇ પણ ફિલ્મ ત્યારે જ લાભ કરાવે જયારે સફળ થાય અને એ ફિલ્મની સફળતાના કારણમાં પોતે પણ હોય તો લાભ જ લાભ. તમિલ, મલયાલમ, કન્નડ ફિલ્મો કરી ચુકેલી ડેઇઝી આમ તો મુંબઇની જ છે અને મુંબઇમાં જ તેને વધુ સારુ લાગે છે પરંતુ મુંબઇમાં વધારે ફિલ્મો મળે તો રહી શકાય. હમણાં 25મી ઓગસ્ટે તેની બર્થ ડે ગઇ ત્યારે તે મુંબઇ જ હતી. ‘હમ કો દીવાના કર ગયે’ ફિલ્મમાં પહેલીવાર ચમકયાને 15 વર્ષ થઇ ગયા પણ ધારી સફળતાથી દૂર રહી છે. એવું કહેવાય છે કે ‘સોદા’ ફિલ્મ વખતે ગણેશ આચાર્ય અને રજનીશ દુગ્ગલે તેની હત્યાનો ય પ્રયત્ન કરેલો. ભોજપુરી અભિનેતા સત્યેન્દ્ર સીંઘે તેની સામે એફઆઇઆર પણ નોંધાવી હતી. એટલેકે વિવાદ સાથે તો સગપણ ધરાવે જ છે બાકી ‘જમીન’ અને ‘ખાકી’માં ગણેશ આચાર્યની આસિસ્ટન્ટ કોરિયોગ્રાફર રહેલી ડેઇઝીને એજ ગણેશ હત્યાની કોશિષ કરે? સલમાને જ તેને ‘હેટ સ્ટોરી 3’માં કામ કરવા માટે સમજાવેલી અને ‘જય હો’ વખતે તેનું શરીર વધી ગયેલું તો સલમાને જ દોઢ લાખ રૂપિયા આપી તેનું શરીર ઉતારાવેલું.

તો હવે પૂછશો નહી કે તેને કોઇ બોયફ્રેન્ડ છે કે નહિ. તે અત્યારે બોયફ્રેન્ડ નહી સારી ફિલ્મો ઇચ્છી છે. તે પાછી પડે તેમ નથી. હા, લોકડાઉન દરમ્યાન તે યૂ ટયૂબ ચેનલ પર બિઝી હતી. ફિલ્મો વિશે ય વિચારતીન હોતી. કામ થઇ શકે એમ જ ન હોય તો તેને વિચારવાથી ય શું લાભ? પણ હવે ફરી તે સેટ પર હાજર છે અને આવનારી 3-4 ફિલ્મો તેને નવુ સ્થાન અપાવશે એવી આશા રાખે છે. પણ ઘણા કહે છે કે તેણે હવે પરણી જવું જોઇએ. ડેઇઝી માને છે કે જો હમણાં પરણીશ તો લોકો માનશે કે હવે કારકિર્દી વિશે આશા છોડી દીધી છે. ડેઇઝીને એ તો ન પોસાય કે તેના વિશે કોઇ આશા જ ન રાખતું હોય. બાકી 37ની થઈ છે તો પરણી જવામાં
વાંધો શું?

Most Popular

To Top