દાહોદ: કાળી અંધારી રાતમાં જો તમે ગોધરા તરફથી ઇન્દોર હાઇવે ઉપર થઇ દાહોદ આવતા હો અને ભથવાડા ટોલપ્લાઝા પાસે કોઇ પોલીસ જવાન તમારી પાસે આવીને કહે કે અમે કહીએ પછી આગળ જજો. પોલીસની આ સૂચના ચિંતાનું કોઇ કારણ નથી પણ, દાહોદ જિલ્લાના પોલીસ દ્વારા હાઇવે સુરક્ષા માટે શરૂ કરવામાં આવેલા અભિયાનનો એક ભાગ છે. દાહોદ પોલીસના સહાયતા કેન્દ્રોને પરિણામે હાઇવે પર લૂંટની ઘટના બનવાનું અટકી ગયું છે.
ઇંદોર હાઇવે ઉપર બનેલી લૂંટ અને ધાડની ઘટનાની છાનબીન કરતા દાહોદ પોલીસને કેટલીક બાબતો ધ્યાને આવી. ભથવાડા ટોલ પ્લાઝાથી વડોદરા કે અમદાવાદ તરફના કોઇ એક સ્થળેથી જ લૂંટારૂઓ પોતાના શિકારને પસંદ કરતા હતા. વાહન રોકાઇ એટલે લૂંટારૂ ટોળકી પ્રવાસીઓને માર મારી લૂંટી જતાં હતા.
પોલીસ સહાયતા કેન્દ્રની દાહોદ પોલીસની મહેનત રંગ લાવી. એસપી શ્રી હિતેશ જોયસર કહે છે હાઇવે ઉપર વર્ષ ૨૦૧૬માં ધાડનો એક ગુનો, ૨૦૧૭માં લૂંટના ચાર અને ધાડના ચાર, ૨૦૧૮માં લૂંટનો એક અને ધાડના ૪, ૨૦૧૯માં લૂંટના બે અને ધાડનો એક ગુનો બન્યો હતો. પણ, હવે ૨૦૨૦માં હાઇવે ઉપર લૂંટધાડનો એક પણ બનાવ નોંધાયો નથી.
લોકડાઉનમાં પોલીસને એવી આશંકા હતી કે હાઇવે રોબરીના બનાવો બનશે, પણ સતત પેટ્રોલિંગના કારણે કોઇ અનિચ્છનીય ઘટના બની નહીં. આમ, હાઇવે રોબરીને રોકવામાં દાહોદ પોલીસનો પોલીસ સહાયતા કેન્દ્રનો પ્રયત્ન સફળ રહ્યો છે.