ભરૂચ: દહેજની (Dahej) જી.એ.સી.એલ. કંપનીમાંથી 7.80 લાખના પેલેડિયમ કેટાલિસ્ટ પાઉડર (Powder) ચોરીમાં ઝડપાયેલા 4 આરોપીની તપાસમાં દહેજનો પૂર્વ કોન્સ્ટેબલ જ ગુનેગાર નીકળ્યો હોવાનો ઘટસ્ફોટ થતાં વાડ જ ચીભડાં ગળતી હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. હાલ અંકલેશ્વર જીઆઇડીસીમાં (Ankleshwar GIDC) ફરજ બનાવતા મહાવીરસિંગની પોલીસે (Police) ધરપકડ કરી છે.
ભરૂચ એલસીબી પોલીસ મથકનો સ્ટાફ દહેજની જી.એ.સી.એલ. કંપનીમાં થયેલા પેલેડિયમ કેટાલિસ્ટ પાઉડર ચોરીના ગુનાને શોધી કાઢવા તપાસમાં હતો. દરમિયાન 17 મેના રોજ બાતમી મળી હતી કે કંપનીમાં અગાઉ નોકરી કરતો દહેજના ટાવર ફળિયામાં રહેતો રાહુલ સુરેશ રાઠોડ અને તેના મિત્રોએ ભેગા મળી ચોરી કરી છે. તેમજ સાથે તેઓ એક મકાનમાં ભેગા થયા છે. આ બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી દહેજના ટાવર ફળિયામાં રહેતા રાહુલ સુરેશ રાઠોડ, વિક્કી રાજકુમાર પવાર, મહેશ બકોર રાઠોડ અને અજય કનુ રાઠોડને ઝડપી પાડ્યા હતા. જ્યારે અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો હતો. ઝડપાયેલા ઈસમોની પૂછપરછ કરતાં તેમણે જણાવ્યું હતું કે, ચોરી કરી વેચી દીધેલા પાઉડરના તેમણે રૂ.7.80 લાખ મળ્યા હતા. પોલીસે રોકડા રૂપિયા અને 4 ફોન મળી કુલ રૂ.7.90 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ઝડપાયેલા તમામ આરોપીઓને દહેજ પોલીસને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી હતી.
હવે આ ચોરીમાં સૌથી સનસનીખેજ અને મોટો ખુલાસો સામે આવ્યો છે, જેમાં આ આરોપીઓને કાયદાનું પીઠબળ આપી ચોરીની પ્રેરણા આપનાર પ્રોત્સાહિત કરનાર ગુનેગાર તરીકે પોલીસ કર્મચારીનાં કરતૂત ખુલ્લા પડ્યાં છે. અગાઉ દહેજ પોલીસ મથકમાં ફરજ બજાવતા મહાવીરસિંગ ભૂપતસંગનો પરિચય આરોપીઓ સાથે થયો હતો. આ પોલીસ જવાને આરોપીઓને તમે ચોરી કરો, હું જોઈ લઈશ તેમ કહ્યું હતું. ચાર આરોપી 7.80 લાખની પેલેડીયન ચોરીમાં પકડાયા બાદ આરીપીઓની કોલ ડિટેઇલ અને CCTV ફુટેજમાં પોલીસ કોન્સ્ટેબલ મહાવીરસિંગની સંડોવણી બહાર આવી હતી. જેના આધારે હાલ અંકલેશ્વર જીઆઈડીસીમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરી લેવામાં આવી છે.
લો એન્ડ ઓર્ડર પ્રજા અને પોલીસ તમામ માટે એકસમાન : DSP ડો. લીના પાટીલ
ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તંત્ર તમામ પ્રયત્ન કરી રહ્યું છે. પ્રોહિબિશન, જુગારની બદીને ડામવા સાથે આર્થિક, સામાજિક, મિલકતો, ચોરી સહિતના ગુના તેમજ ગુનેગારો ઉપર પોલીસ તવાઈ બોલાવી રહી છે. કોઈપણ પ્રકારની ગુણખોરીમાં અપરાધી કોઈપણ હોય તેના સામે કાયદા મુજબ કાર્યવાહી થશે જ.