આપણી વિશ્વની સૌથી મોટી લોકશાહી છે એનો આપણને ગર્વ પણ છે.પરંતુ સત્તા સ્થાને બેસાડેલા પ્રતિનિધિઓ આપણા સેવકો છે. એ વાત આપણે પ્રજા તરીકે ભૂલી જઈએ છીએ.પરિણામે ઘણા અનર્થો સર્જાય છે.સરકાર પર જ બધો આધાર રાખવો એ એક પ્રકારની મૂર્ખાઈ છે. પ્રજા તરીકે આપણી પણ લોકશાહીમાં કેટલીક ફરજો છે એ વાત આપણે ભૂલી જઈએ છીએ. સરકારના કોઈ કામની ટીકા કરવામાં આપણે સૌ માહિર છીએ પણ સારાં કામોની સરાહના કરવાનું આપણને ભાગ્યે જ યાદ આવે છે.
હાલના મુખ્ય મંત્રીએ એક એવું પગલું ભર્યું છે કે ગુજરાત રાજ્યની સ્થાપના બાદ બીજા કોઈ મુખ્ય મંત્રીએ આવી હિંમત નથી બતાવી. ભ્રષ્ટાચાર કોઈ રીતે ચલાવી લેવાની બાબત નથી. આને માટે ‘કડક પગલાં’ એટલે શું એ પ્રજાને ખબર છે પણ દાદાના હુલામણા નામથી પણ ઓળખાતા એવા આપણા મુખ્ય મંત્રીએ,(આમ તો બીજા ઘણા અધિકારીઓ છે અને હશે) પણ જેમની સામે સંખ્યાબંધ ફરિયાદો પ્રજાના જુદા જુદા વર્ગો તરફથી હતી એવા બે ત્રણ અધિકાઓ સામે, શો કોઝ નોટીસ, ચાર્જશીટ, સસ્પેન્શન વગેરે લાંબા પ્રોસીજરની પળોજણમાં પડવાનું બાજુએ મૂકીને એમને પાણીચું પકડાવી ઘરભેગા કરી દીધાં છે. એ સાચા અર્થમાં દાદાનું કડક અને દાદાગીરીભર્યું પગલું હતું જેના પ્રશાસનમાં પણ હકારાત્મક અને વ્યાપક પડઘા પડ્યા છે એમાં બેમત નથી.
સુરત – પલ્લવી ધોળકિયા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.