Columns

પપ્પાએ શીખવ્યું

એક દિવસ એક કોલેજમાં ભણતા દીકરાએ પોતાના પપ્પાને કહ્યું, ‘પપ્પા, મારી કોલેજમાં બધા મોટી મોટી ગાડી લઈને આવે છે. હું એ જ છું જેની પાસે જુનું સ્કુટર છે.મને બહુ શરમ આવે છે.’ પપ્પાએ પૂછ્યું, ‘તો તારી ઈચ્છા શું છે? હું શું કરું?’ દીકરાએ કહ્યું, ‘પપ્પા, તમે મને એક કાર અપાવો બીજું શું?’ પપ્પાએ કહ્યું, ‘ઠીક છે. આવતી કાલે તું મને કહેજે કે તારે કઈ ગાડી લેવી છે અને તેની કિંમત કેટલી છે?’ દીકરાએ બીજે દિવસે કારનું બ્રોશર પપ્પાના હાથમાં મૂક્યું અને કહ્યું, ‘પપ્પા, બહુ મોંઘી નથી.સાત લાખ સુધી આવી જશે.’ પપ્પા હસ્યા અને બોલ્યા, ‘વાહ, સરસ. હું તને સાત લાખ રૂપિયા આપવા તૈયાર છું, પણ એક શરત છે. તું આ સાત લાખ રૂપિયા કાર લેવામાં નહિ વાપરે, પણ બરાબર સમજીને ઇન્વેસ્ટ કરજે અને તે ઇન્વેસ્ટ કરેલા પૈસા પર જે પ્રોફિટ મળે તેમાંથી કાર ખરીદજે.’

દીકરાએ કહ્યું, ‘ઓ.કે. પપ્પા ડીલ.’ પપ્પાએ સાત લાખ રૂપિયા દીકરાને આપ્યા અને દીકરાએ પણ પપ્પા સાથે નક્કી થયા મુજબ તે બધા પૈસા ઇન્વેસ્ટ કરી દીધા.છ મહિના પછી પપ્પાએ પૂછ્યું, ‘શું, કાર કયારે લેવાનો છે?’ દીકરાએ કહ્યું, ‘પપ્પા પ્રોફિટ તો થયો છે, આગળ સારું જ થશે.’  વર્ષ પછી દીકરાએ પપ્પા સામે ઇન્વેસ્ટમેન્ટ ફાઈલ મૂકી તે જોઇને પપ્પાએ કહ્યું, ‘ અરે વાહ, ઘણો પ્રોફિટ થયો છે.

તો હવે તો તું શરત મુજબ પ્રોફીટમાંથી કાર લઇ શકે છે.કઈ કાર લેવાનો છે?’ દીકરાએ કહ્યું, ‘પપ્પા, હું કાર લેવાનો નથી. મને લાગે છે કે આ જુનું સ્કુટર વેચી નાખું અને એક નવું બાઈક લઇ લઉં અને બાકીનો બધો પ્રોફિટ પણ આગળ ઇન્વેસ્ટ કરી દઉં.’પપ્પા ખુશ થયા, હસ્યા અને બોલ્યા, ‘અરે વાહ! મારે જે પાઠ તને શીખવવો હતો તે તું શીખી ગયો અને સમજી ગયો કે ખરી રીતે તને તારા રોજિંદા જીવનમાં કારની કોઈ જરૂર હતી જ નહિ. બસ, માત્ર તને બીજા બધાની કાર જોઇને બધાની સાથે સરખા સ્ટેટ્સમાં રહેવા કાર લેવી હતી અને કાર તારી સુવિધા બનવા કરતાં વધારે તારી પર ખર્ચાનો ભાર જ વધારત અને બીજી ખાસ વાત તું શીખ્યો કે જીવનમાં પૈસા મોજશોખમાં વાપરવા કરતાં સૌથી પહેલાં ભવિષ્ય માટે બચાવવા બહુ જરૂરી છે.’ આટલું કહીને પપ્પાએ તેને બીજો સાત લાખનો ચેક આપ્યો. દીકરાએ હસીને કહ્યું, ‘પપ્પા, આ પણ ઇન્વેસ્ટ જ કરી દઈશ. હમણાં કારની જરૂર નથી.’
 – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top