સુરત: સરથાણા જકાતનાકા તેમજ પાંડેસરા વિસ્તારમાં ડી-માર્ટ કંપનીએ એક્સપાયરી તારીખવાળા તેલની બોટલ પર નવું સ્ટીકર મારી માલ વેચતા મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. ડી-માર્ટ કંપનીને સેવામાં ખામી બદલ દોઢ લાખ રૂપિયાનો દંડ કન્ઝ્યુમર વેલફર ફંડમાં જમા કરવા ગ્રાહક કોર્ટે આદેશ કર્યો હતો.
- તેલની બોટલ પર કંપનીના સ્ટીકરની ઉપર સરથાણા ડી-માર્ટે સ્ટીકર ચોંટાડ્યું હતું, જે ખોલીને જોતાં એક્સપાયરી ડેટ લંબાવાઈ હતી
- નાનપુરાના મહિલા વકીલે સરથાણા અને પાંડેસરા સ્થિત ડી-માર્ટમાંથી તેલની બોટલો ખરીદી અને છેતરાયાનો અહેસાસ થતાં ભાંડો ફોડી કાઢ્યો, ગ્રાહક કોર્ટે દોઢ લાખનો દંડ ફટકારાયો
કેસની વિગત એવી છે કે, નાનપુરા વિસ્તારમાં કમલેશ્વર એપાર્ટમેન્ટમાં ફરિયાદી જાગૃતિ રમણભાઈ પટેલ રહે છે અને તે વકીલાત કરે છે. ફરિયાદી 2020માં શોપિંગ કરવા માટે ગયા હતા, દરમિયાન તેમણે ડી-માર્ટ સરથાણા જકાતનાકા તેમજ પાંડેસરા બમરોલી શાખા પરથી Indulekha Bringha Oilની બે બોટલ ખરીદી હતી.
ત્યારબાદ થોડા સમય પછી ફરિયાદીએ તેલની બોટલને વપરાશમાં લેતા તેલની બોટલની મેન્યુફેકચરીંગ તારીખ ઉપર ડી-માર્ટ દ્વારા પોતાનું ગોલ્ડન સ્ટીકર લગાવી બોટલની મેન્યુફેકચરીંગ તારીખ 8/2020 અને એકસપાયરી તારીખ 7/2022 જણાવેલ હતી. જેથી ફરિયાદીને શંકા જતા ફરિયાદીએ બોટલ ઉપર લગાવેલા ગોલ્ડન સ્ટીકર દૂર કરતા તેલની કંપની દ્વારા ઓરિજીનલ તેલની મેન્યુફેકચરીંગ તારીખ 1/2019 અને એકસપાઈરી તારીખ 12/2020 હોવાનું જાણમાં આવ્યું હતું.
જેથી ફરિયાદીએ વકીલ મોના પી. કપુર તથા શીતલ શાહ મારફતે ડી-માર્ટ વિરુદ્વ સુરત ગ્રાહક કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. નામદાર ગ્રાહક કોર્ટે ડી-માર્ટ વિરુદ્ધ નોટિસ કાઢતા ડી-માર્ટના વકીલ નામદાર કોર્ટમાં હાજર થયા હતા. વકીલ મોના કપુર દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે, ડી-માર્ટ દ્વારા પોતાના સમર્થનમાં રજૂ કરેલ સરકારના પરિપત્રમાં કયાંય પણ એકસપાયરી તારીખ બદલવાની મંજુરી ડી-માર્ટને આપવામાં આવેલ હોય તેવી હકીકત જણાવવામાં આવેલ નથી.
બંને પક્ષકારો દ્વારા કરવામાં આવેલી દલીલો તથા રેકર્ડના પુરાવા ધ્યાને લઈને નામદાર ગ્રાહક કોર્ટના પ્રમુખ એમ.એચ. પટેલ તથા સભ્ય પૂર્વી જોશીએ વકીલ મોના કપુરની દલીલો ગ્રાહ્ય રાખી, ફરિયાદીએ ડી-માર્ટ પાસેથી ખરીદ કરેલા તેલનો કાયદેસરનો અવેજ રૂ. 330 ફરિયાદ દાખલ કર્યા તારીખથી 9%ના વ્યાજ સહિત તથા ફરિયાદીને થયેલ માનસિક અને શારીરિક ખર્ચના રૂ. 5 હજાર અલગથી મેળવવા હકકદાર છે. તદઉપરાંત ડી-માર્ટને રૂ. દોઢ લાખની રકમ દંડ તરીકે કન્ઝ્યુમર વેલફર ફંડમાં 45 દિવસમાં જમા કરવાનો આદેશ કર્યો હતો.