ઘર ભરેલું ભરેલું લાગે છે માણસોથી અને ઘરની શોભા વધે છે ડેકોરેટિવ ફર્નિચરથી. વર્ષો પહેલા લોકોના ઘરમાં ટેબલ, ખુરશી, પલંગ, હિંચકા મુખ્ય ફર્નિચર રહેતું. સમય બદલાતો ગયો તેમ ફર્નિચર ફેન્સી બનવા લાગ્યા સાથે સાથે કોર્નર ટેબલ, સેન્ટર ટેબલ, ટીવી યુનિટ, કિચન અને લિવિંગ રૂમની વચ્ચે હાઈ ચેર, કિચન ટ્રોલી જેવા વૈવિધ્યપૂર્ણ ફર્નિચર સ્થાન જમાવવા લાગ્યા. 100 વર્ષ પહેલા તો મોટાભાગના લોકોના ઘરમાં સાગ અને સિસમના લાકડાનું ફર્નિચર રહેતું. એક સમય એવો પણ હતો જ્યારે બર્માટિક લાકડાનું ફર્નિચર સુરતીઓના ઘરને એલીગન્ટ લુક આપતુ. એ જમાનામાં લોકો માટે મનગમતા ફર્નિચર બનાવી આપવા ભાગાતળાવ પોસ્ટ ઓફિસની બાજુમાં 90 વર્ષ પહેલા D.M.Mistry પેઢી અસ્તિત્વમાં આવી. આ પેઢી ફર્નિચર બનાવવા માટે લાકડું ક્યાંથી લાવતી? આ પેઢીનું સરનામું બદલાઈને ઉધના-મગદલ્લા કેમ થયું? તે જાણીએ આ દુકાનના બીજી અને ત્રીજી પેઢીનાં સંચાલકો પાસેથી.
વંશવેલો
દામોદરદાસ મોહનદાસ મિસ્ત્રી
હસમુખભાઈ દામોદરદાસ મિસ્ત્રી
વિનોદભાઈ દામોદરદાસ મિસ્ત્રી
અરવિંદભાઈ દામોદરદાસ મિસ્ત્રી
મહેન્દ્રભાઈ દામોદરદાસ મિસ્ત્રી
દીપકભાઈ દામોદરદાસ મિસ્ત્રી
પાર્થ દીપકભાઈ મિસ્ત્રી
પહેલા બર્માટિક લાકડા બર્માથી સમુદ્રી માર્ગે સુરત લાવવામાં આવતા: દીપકભાઈ મિસ્ત્રી
આ દુકાનના બીજી પેઢીનાં સંચાલક દીપકભાઈએ જણાવ્યું કે, એક સમય એવો હતો જ્યારે ફર્નિચર બનાવવા માટે બર્માટિક લાકડું વપરાતું જે બર્માથી દરિયાઈ માર્ગે લાવવામાં આવતું. જોકે, તે મોંઘું બનતા વલસાડી સાગના ફર્નિચરનો જમાનો આવ્યો હતો. સાગના લાકડા વઘઇના જંગલોમાંથી મેળવવામાં આવતા જે મારા પિતા હરાજીથી લાવતાં હતા. મને એવું જાણવા મળ્યું હતું કે પછીથી સરકારે વઘઇના જંગલના લાકડા માટે ભાવ નક્કી કરી દીધો હતો. હવે તો લાકડું લેવા બહાર નથી જવું પડતું સુરતમાં જ સહેલાઈથી મળી રહે છે.
ભાગાતળાવની સૌથી પહેલી દુકાનનું 1996માં ડીમોલિશન થયું હતું: પાર્થ મિસ્ત્રી
આ દુકાનના ત્રીજી પેઢીનાં સંચાલક પાર્થ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, મારા દાદાએ જે દુકાનમાં ધંધો શરૂ કર્યો હતો તે ભાગાતળાવની મૂળ દુકાનનું ડીમોલિશન 1996માં થયું હતું. તે વખતે SMC કમિશનર એસ.આર.રાવ દ્વારા રસ્તો પહોળો કરવા માટે ચોક્થી ભાગળ સુધીની દુકાનોનું ડીમોલિશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અહીં પાછલા ભાગમાં જ બીજી દુકાન શરૂ કરાઇ હતી. મારા ફાધર અને તેમના ચાર ભાઈઓ ધંધામાંથી છુટા પડ્યા બાદ મારા પિતા દીપકભાઈને પેઢીનું ગુડવીલ નેમ મળ્યું હતું. હવે આ પેઢીનું સ્થાન ઉધના-મગદલ્લા બન્યું છે.
સ્થાપક દામોદરદાસ મિસ્ત્રીનું પરસીઓમાં મોટું નામ હતું
આ પેઢીની સ્થાપના 90 વર્ષ પહેલાં દામોદરદાસ મિસ્ત્રીએ ભાગાતળાવમાં નાની સરખી ભાડાની દુકાનમાં કરી હતી. તેમના પિતા મોહનદાસ મિસ્ત્રી ફોટોફ્રેમ અને મંદિરોના નાના-મોટા સુથારી કામ કરતા હતા. દામોદરદાસ મિસ્ત્રી પારસીઓના મેરેજના ફર્નિચર જેમકે, દુલ્હાના ઘરે ઢોલિયો (પલંગ), દુલ્હન પક્ષ તરફથી પણ ઢોલિયા આપવામાં આવતા જે બનાવવાનું કામ દામોદરદાસ મિસ્ત્રી કરતા જેથી તેમનું પારસી સમાજમાં મોટું નામ બન્યું હતું. આજે પણ આ પેઢીનાં ઘણા પારસી ગ્રાહકો છે જે હવે રોકીંગ ચેર, સોફા ચેર, ટીપોઈ જેવા મેરેજના ફર્નિચર આ પેઢી પાસેથી બનાવડાવે છે.
હવે UP અને ઓરિસ્સાના કારીગરો બનાવે છે ફર્નિચર
પાર્થ મિસ્ત્રીએ જણાવ્યું કે, પહેલા રાંદેર, અડાજણ, ઓલપાડના કારીગરો ફર્નિચર બનાવતા હતા. પણ હવે લોકલ કારીગરો મળવા મુશ્કેલ બન્યા છે કેમકે તેમના ઘણાખરા વારસદારોએ બીજા કામ-ધંધા અપનાવી લીધા છે. હવે UP અને ઓરિસ્સાના કારીગરો ફર્નિચર બનાવે છે. આ કારીગરોમાં કેટલાક ટ્રેઇન્ડ થયેલા છે તો કેટલાક બિનઅનુભવી પણ છે.
પહેલાના સમયમાં ફર્નિચર ફરસી, હથોડી, આરીના ઉપયોગથી બનતા હવે અદ્યતન મશીનો આવ્યા
દીપકભાઈએ જણાવ્યું કે પહેલાના સમયમાં હાથથી ફર્નિચર બનાવાતું. ત્યારે ફર્નિચર બનાવવા માટે ફરસી, હથોડી, આરી, પક્કડ, રંધો જેવા ઓજારો ઉપયોગમાં લેવાતા. જમાનો બદલાતા હવે અદ્યતન મશીનોનો ઉપયોગ થાય છે. હવે મોટા રંધા મશીન આવે છે, કટર મશીન, CNC મશીનથી ફર્નિચર બનાવવાનું કામ ઝડપી બન્યું છે.
બેંકો, કોલેજ, ફ્લેટ, બંગલા, સર્કિટ હાઉસનું ફર્નિચર બનાવ્યું
દીપકભાઈએ જણાવ્યું કે, અમારી પેઢીનાં ફર્નિચરની ગુણવતા ઉચ્ચ રહી છે એટલે શહેરની ઘણી ખરી બેંકો, કોલેજ, ફ્લેટ, બંગલામાં અમારા પેઢી દ્વારા બનેલા ફર્નિચર જોવા મળે છે. સ્ટેશન પરની આયુર્વેદિક કોલેજ, ઉકાઈ ડેમના સર્કિટ હાઉસમાં માટે પણ અમે ફર્નિચર બનાવ્યું હતું. કોલેજોમાં બેંચીસ, લાઈબ્રેરી કબાટ, ખુરશીનું ફર્નિચર અમારું બનાવેલું રહ્યું છે.
ફેન્સી ફર્નિચરની બોલબાલા વધી
દીપકભાઈએ જણાવ્યું કે, હવેના લોકોના ઘરોમાં કિચન અને લિવિંગ એરિયાની વચ્ચે નાસ્તા કરવા માટે હાઈ ચેર રાખવાનું પ્રચલન વધી રહ્યું છે. આ ઉપરાંત કિચનમાંથી ડાઇનિંગ ટેબલ સુધી ખાવાની વસ્તુઓ લઈ જવા માટે કિચન ટ્રોલીની ડીમાંડ હાઈ કલાસ અને અપર મીડલ કલાસ લોકોમાં વધી છે. આ ઉપરાંત લાકડા પર ફ્લેકસીબલ પ્લાય, પ્લાયવુડ, ફોમવર્કની ચેર, ગાદી, મેટલ અને કોમ્બિનેશનનું ફર્નિચર ટ્રેન્ડમાં છે.
ક્વોલિટી વર્કને કારણે જ અમારી પેઢીનું અસ્તિત્વ અડીખમ છે
દીપકભાઈએ જણાવ્યું કે અમારી પેઢી શરૂઆતથી જ ગ્રાહકોને ક્વોલિટી વર્ક આપતી આવી છે. ક્વોલિટી વાળો માલ-સામાન ફર્નિચર બનાવવામાં ઉપયોગ થાય છે. 40-50 વર્ષ પહેલા અમારી પેઢીમાં બનાવેલા ફર્નિચર હજી પણ મજબૂત છે અને તે ફર્નિચર ગ્રાહકો પોલિશ કરાવવા અમારી પાસે આવે છે. કોતરણી કામ એ કારીગરની આવડત પર નિર્ભર હોય છે અને ચોખ્ખા લાકડા પર. કેટલાક ગ્રાહકોએ વર્ષો પૂર્વે ખરીદેલા ફર્નિચર તેમના ફાર્મ હાઉસની સુંદરતા વધારવા હજી પણ રાખ્યા છે.
નેતરની ખુરશીનો જમાનો પાછો આવ્યો
પાર્થ મિસ્ત્રીએ જણાવ્યું કે પહેલા બેંક, ઓફિસમાં પલાસ્ટિક અને નેચરલ નેતરની (કેન વર્કની) ખુરશીઓ વધારે પ્રચલિત હતી પણ પછી બદલાતા સમય સાથે આવી ખુરશીઓ બનતી બંધ થઈ હતી. પણ હવે લોકોને આ ડિઝાઇન નવી લાગે છે એટલે બેંકો, કાફે-રેસ્ટોરન્ટમાં તે ફરી દેખાવા લાગી છે. એ જ રીતે પહેલાની જેમ હવે ફરી ગુજરાતી ઘરોમાં હિંચકાનો જમાનો પાછો આવી ગયો છે.
પહેલા સુથાર જાતે ફર્નિચરની ડિઝાઇન બનાવતા હવે આર્કિટેક્ટ અને ગ્રાહકો નક્કી કરે છે
એક સમય એવો હતો કે જ્યારે મિસ્ત્રી જાતે જ ફર્નિચરની ડિઝાઇન નક્કી કરતા. પણ હવે આર્કિટેકટનો જમાનો છે તે બંગલા, ઓફિસ વગેરેને આકર્ષક રૂપ આપવા ફર્નિચરની ડિઝાઇન નક્કી કરી મિસ્ત્રીને તે પ્રમાણે જ ફર્નિચર બનાવવા ઓર્ડર આપે છે. હવે ગ્રાહકો પણ ઓનલાઇન ફર્નિચરની ડિઝાઇન જોઈ તે પ્રમાણે પોતાના ઘર-ઓફિસના ફર્નિચર બનાવવા માટે કહેતા હોય છે.
વર્ષો પૂર્વે હેવી ફર્નિચર રહેતા હવે લાઈટ વેઇટ ફર્નિચરનો જમાનો છે
પાર્થ મિસ્ત્રીએ જણાવ્યું કે પહેલાના ઘરો મોટા રહેતા હતા એટલે હેવી ફર્નિચર રહેતા. હવે લોકોના ઘરો સાંકડા થતા લાઈટવેઇટ ફર્નિચર અને કંટેમ્પરેરી ફર્નિચર જે સૂક્ષ્મ અને શહેરી આકર્ષણ આપે છે તે પ્રચલનમાં છે. પ્લાયવુડના ફર્નિચરનો હવે તો જમાનો છે.