લગભગ ૨૦-૨૫ વર્ષ પહેલા લગ્નપ્રસંગ વધુમાં વધુ ૨-3 દિવસોમાં આટોપાઈ જતો. “વરઘોડો” કે “જાન” રસ્તા ઉપરથી પસાર થતી ત્યારે તેને જોવાનો પણ એક લહાવો ગણાતો! જે અત્યારના સમયે માથાના દુખાવા સમાન છે. સમયની સાથે સુરતનો વસ્તીમાં તથા વાહનોમાં “વિકાસ” થતાં ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે. ધન્યવાદ છે એ “સિરિયલ” અને “સિનેમાવાદ”ને જેના આંધળા અનુકરણ ને લઈને લગ્ન હવે “ઉત્સવ”ની જગ્યાએ “ઉન્માદ” માં ફેરવાઇ રહ્યો છે. પ્રિ-વેડિંગથી શરૂ થતો “ઉત્સવ” કન્યા-વિદાયની વેળા આવતા-આવતા “ઉન્માદ” થી છકી જાય છે.
પહેલો દિવસ “મંડપ મુરહત”, ઢોલીના તાલ સાથે, બીજો દિવસ, “મહેંદી” સંગીતના સથવારે, ત્રીજો દિવસ “સંગીત સંધ્યા”, ડી.જે.ના ડરામણાં ડ્રમ-બિટ્સ સાથે, ચોથો દિવસ, વરધોડો અને લગ્ન, બસ એ જ છાતી બેસી જાય તેવો ઘોંઘાટ. હવે તો, મોસાળું આવે ત્યારે મોસાળ પક્ષે પણ ડી.જે.બોનસમાં! આ તે કેવો વળગાડ! એવું લાગે છે કે કોઈ પણ ઉત્સવ હવે ડી.જે. વગર શક્ય જ નથી. વરપક્ષે પણ “સંગીત સંધ્યા”નું આયોજન હોય જ છે તોય લગ્નના દિવસે રસ્તા ઉપર જાન-પ્રસ્થાને ડી.જે.નો દેકારો શા માટે? રસ્તા ઉપર થતાં ફટાકડા અને બીજો કચરાની તો વાત જ જવા દો. રસ્તે હેરાન થતાં લોકોના છુપા આશીર્વાદ પણ મળશે. ડી.જે. હવે તો “સગાઈ-વિધિ”થી શરૂ થઈ “સીમંત-વિધિ” સુધી ન પહોંચે તો સારું.
સુરત- ભાવિન મિસ્ત્રી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
વિજેતા બનવા માટે હાર પણ જરુરી છે
દરેક વ્યક્તિની ઈચ્છા વિજેતા જાહેર થવાની જ હોય છે વિજેતા થવા માટે અભિમન્યુ ના સાત કોઠા પાર પાડવા પડે છે. એનો અર્થ એવો નથી કે હારનાર વ્યક્તિ મહેનત નથી કરતી, વિજેતા થયેલ વ્યક્તિ પાસે ફકત જીત કેવી રીતે મળી તેનું જ જ્ઞાન મળે છે. જ્યારે હારનાર વ્યક્તિ પાસેથી દરેક પ્રકારનાં અનુભવ જાણવા મળે છે. સફળતામાં નિષ્ફળતા છુપાયેલી છે એ યાદ રાખવું જોઈએ દરેક સફળ વ્યક્તિની જીત માટે અ સફળ વ્યક્તિની ખેલદિલી પણ અગત્યનો ભાગ ભજવે છે.
સુરત – ચંદ્રકાંત રાણા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
