Entertainment

ચેક રિપબ્લિકની ક્રિસ્ટીનાએ જીત્યો મિસ વર્લ્ડ 2024નો તાજ, જાણો કોણ બન્યું રનર અપ

મુંબઇ: ભારતે 27 વર્ષના લાંબા સમયગાળા બાદ મિસ વર્લ્ડ (Miss World) સ્પર્ધાનું આયોજન કર્યું છે. આ ઈવેન્ટમાં મિસ વર્લ્ડ 2024ના વિજેતાની જાહેરાત કરવામાં આવી હતી. તેમજ આ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ સિની શેટ્ટીએ (Sini Shetty) કર્યું હતું. આ વર્ષે આ તાજ ચેક રિપબ્લિકની (Czech Republic) ક્રિસ્ટીના પિઝકોવાએ (Kristina Pizkova) હાંસલ કર્યો છે. ભૂતપૂર્વ મિસ વર્લ્ડ મેગન યંગે નવી મિસ વર્લ્ડનો તાજ પહેરાવીને વર્ષો જૂની પરંપરાનું પાલન કર્યું હતું.

ક્રિસ્ટીનાને મિસ વર્લ્ડ 2024નો તાજ કેરોલિના બિલેવસ્કા દ્વારા આપવામાં આવ્યો હતો, જે 70મી મિસ વર્લ્ડ હતી. ક્રિસ્ટીના માટે આ ઐતિહાસિક ક્ષણ હતી. કરણ જોહરે આ વખતે મિસ વર્લ્ડ 2024 હોસ્ટ કરી હતી. તેમણે જ ટોચના 8 સહભાગીઓને પ્રશ્નો પૂછ્યા હતા. આ સ્પર્ધામાં લેબનોનની યાસ્મિના ઝાયતૌન 71મી મિસ વર્લ્ડની ફર્સ્ટ રનર અપ છે.

સિની શેટ્ટી ટોપ 4 પહેલા બહાર થઈ ગઈ હતી
આ સ્પર્ધામાં ટોચના 4 ફાઇનલિસ્ટમાં લેબનોન, ત્રિનિદાદ અને ટોબેગો, બોત્સ્વાના અને ચેક રિપબ્લિકનો સમાવેશ થયો હતો. આ પહેલા ભારતીય સ્પર્ધક સિની શેટ્ટી ટોપ 8 સુધી દરેક રાઉન્ડ સરળતાથી પસાર કરતી રહી. પરંતુ યજમાન દેશના સ્પર્ધકો ટોપ 4ની રેસમાંથી બહાર થઈ ગયા હતા.

આ સેલિબ્રિટી જજ બન્યા
સ્પર્ધાની જ્યુરીમાં ઈન્ડિયા ટીવીના પ્રમુખ અને એડિટર-ઈન-ચીફ રજત શર્મા, અભિનેત્રી પૂજા હેગડે, કૃતિ સેનન અને હરભજન સિંહ જેવી નોંધપાત્ર હસ્તીઓનો સમાવેશ થાય છે.

નીતા અંબાણીએ શુભેચ્છાઓ પાઠવી
મિસ વર્લ્ડ ઓર્ગેનાઈઝેશનના સીઈઓ જુલિયા એવલિન મોર્લી સીબીઈએ રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા મુકેશ અંબાણીને ‘માનવતાવાદી એવોર્ડ’ અર્પણ કર્યો હતો. આ પ્રસંગે નીતા અંબાણીએ તમામ સ્પર્ધકોને શુભેચ્છા પાઠવી હતી. તેમજ દરેક દેશની સુંદરીઓનું સ્વાગત કર્યું હતું.

આ ભારતીય 6 મહિલાઓ મિસ વર્લ્ડ બની છે
અત્યાર સુધી ભારતે 6 વખત મિસ વર્લ્ડનો તાજ જીત્યો છે. રીટા ફારિયાએ વર્ષ 1966માં પ્રથમ વખત આ ખિતાબ જીત્યો હતો. આ પછી ઐશ્વર્યા રાય વર્ષ 1994માં મિસ વર્લ્ડ બની હતી. ત્યારબાદ 1997માં ડાયના હેડન, 1999માં યુક્તા મુખી, વર્ષ 2000માં પ્રિયંકા ચોપરા અને વર્ષ 2017માં 17 વર્ષ બાદ માનુષી છિલ્લર મિસ વર્લ્ડનો તાજ ભારતમાં લાવી હતી.

Most Popular

To Top