Gujarat

48 કલાક માટે દક્ષિણ ગુજરાત સહિત રાજયમાં માવઠુ થશે : ગરમીનો પારો 38 ડિગ્રીએ પહોંચ્યો

ગાંધીનગર: ચક્રવાતી હવાના (Cyclonic air) દબાણની જુદી જુદી સિસ્ટમની અસર હેઠળ ગુજરાતમાં (Gujarat) હજુયે આગામી તા.6ઠ્ઠી મે સુધી માવઠાની (Mavthu) ચેતવણી હવામાન વિભાગ દ્વારા ઈશ્યુ કરાયેલી છે. હજુયે આગામી 48 કલાક માટે ગુજરાતના માથે માવઠાની આફત રહેશે, તે પછીથી આકાશ ચોખ્ખું થઈ જાય તેવું હવામાન વિભાગના વૈજ્ઞાનિકોનું કહેવું છે. 48 કલાક પછી ગરમીનો પારો 4 ડિગ્રી સુધી ઉંચે જઈ શકે છે. ખાસ કરીને આગામી 7મી મેના રોજ બંગાળની ખાડીમાં ચક્રવાતી હવાનું દાબણ સર્જાય તેવી સંભાવના છે. જેના પગલે આ સિસ્ટમ આગળ વધીને વાવાઝોડામાં ફેરવાઈ શકે છે. 8મી મેના રોજ તે ડિપ્રેશનમાં ફેરવાઈને પ.બંગાળને ક્રોસ કરીને આગળ વધે તેવી સંભાવના છે. આ ઉપરાંત પૂર્વોત્તર રાજસ્થાન પર પણ એક ચક્રવાતી હવાના દબાણની સિસ્ટમ સક્રિય થયેલી છે. અન્ય ત્રીજી સિસ્ટમ ઉત્તર તામિલનાડુ પર બનેલી છે. તેમજ મધ્યપ્રદેશના મધ્ય ભાગ પરથી એક ટ્રફ રેખા તામિલનાડુ સુધી ખેંચાયેલી છે.

આજે દિવસ દરમ્યાન રાજયમાં 41 તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં સૌથી વધારે કચ્છના નખત્રાણામાં 2.6 ઈંચ , જુનાગઢના મેંદરડામાં 1.6 ઈંચ , ઉપલેટામાં 1.4 ઈંચ , કાલાવાડમાં 1.4 ઈંચ , માળિયામાં 1.2 ઈંચ , ધોરાજીમાં 20 મીમી અને કેશોદમાં 20 મીમી વરસાદ થયો હતો . છેલ્લા 24 કલાકમાં રાજયમાં 29 તાલુકાઓમાં વરસાદ થયો હતો. જેમાં ખાસ કરીને ભાવનગરના શિહોરમાં 1.4 ડિગ્રી વરસાદ થયો હતો. જયારે કેશોદમાં સવા ઈંચ અને ડેડિયાપાડામાં 22 મીમી અને ભાવનગરના મહુવા તથા રાજુલામાં 20 મીમી જેટલો વરસાદ થયો હતો.

હવામાન વિભાગની ચેતવણી મુજબ , રાજયમાં આગામી પાંચ દિવસ દરમ્યાન ગરમીનો પારો 4 ડિગ્રી વધી શકે છે. અમદાવાદ એરપોર્ટ પર આવેલા હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે આજે રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 37 ડિ.સે., ડીસામાં 36 ડિ.સે., ગાંધીનગરમાં 37 ડિ.સે., વલ્લભ વિદ્યાનગરમાં 37 ડિ.સે., વડોદરામાં 37 ડિ.સે., સુરતમાં 35 ડિ.સે., ભૂજમાં 37 ડિ.સે., નલિયામાં 35 ડિ.સે., કંડલા એરપોર્ટ 36 ડિ.સે., અમરેલીમાં 36 ડિ.સે., ભાવનગરમાં 34 ડિ.સે., રાજકોટમાં 38 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 37 ડિ,સે., અને કેશોદમાં 34 ડિ.સે. જેટલું મહત્તમ તાપમાન નોંધાયુ હતું.

ગુજરાતમાં હાલમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાંક શહેરોમાં ગરમીનો પારો 38 ડિગ્રીએ પહોંચી ગયો છે. તા. 6ઠ્ઠી મે સુધીમાં રાજયમાં બનાસકાંઠા , પાટણ, સાબરકાંઠા, અમદાવાદ , અરવલ્લી , દાહોદ , પંચમહાલ , મહીસાગર , વડોદરા , છોટા ઉદેપુર , નર્મદા, ભરૂચ , ડાંગ ,નવસારી , વલસાડ , તાપી , સુરેન્દ્રનગર , અમરેલી , ગીર સોમનાથ , જામનગર, જુનાગઢ, પોરપંદર , રાજકોટ , દીવ અને કચ્છ સહિતના જિલ્લાઓમાં માવઠાની ચેતવણી ઈશ્યુ કરાઈ છે. આ જિલ્લાઓમાં પ્રતિ કલાકના 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે એટલું જ નહીં ગાજવીજની સંભાવના પણ રહેલી છે. જેના પગલે કાચા મકાનો તૂટી પડે તેવી પણ સંભાવના રહેલી છે. બાગાયતી પાકોને પણ નુકસાન થઈ શકે છે.

Most Popular

To Top