Gujarat

ડીપ ડિપ્રેશન મજબૂત થતાં ગુજરાતના માથે વાવાઝોડાનો ખતરો, કચ્છ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ

ગુજરાતના કચ્છ જિલ્લા પર આગામી 24 કલાકમાં મિની વાવાઝોડાનું જોખમ તોળાઈ રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ડીપ ડિપ્રેશન નબળું પડવાને બદલે વધુ મજબૂત બન્યું છે, જેના કારણે રાજ્યના કેટલાક જિલ્લાઓ ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 24 કલાકમાં કચ્છમાં વાવાઝોડું આવશે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ભારે પવન ફૂંકાશે.

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ડીપ ડિપ્રેશનના કારણે અરબી સમુદ્રમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. દરિયામાં ઉંચા- ઉંચા મોજા ઉછળશે અને 30 ઓગષ્ટે ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતમાં આગામી 6 દિવસ સાર્વત્રિક વરસાદ પડવાનુ અનુમાન છે. ડીપ ડિપ્રેશન સિસ્ટમ સૌરાષ્ટ્ર-કચ્છ પર સ્થિર થઈ છે. પ્રતિ કલાક 3 કિલોમીટરની ઝડપે સિસ્ટમ આગળ વધી રહી છે. ભુજથી 60 કિલોમીટર અને નલિયાથી 80 કિલોમીટર પર ડીપ ડિપ્રેશન આગળ વધી રહ્યું છે. 30 ઓગસ્ટે આ ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થશે.

રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. જે વિસ્તારોમાં રેડ એલર્ટ છે, તેમા રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા, કચ્છનો સમાવેશ થાય છે. જ્યારે અન્ય વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 30 ઓગસ્ટે દરિયો ગાંડોતૂર બનવાની પણ આગાહી છે.

  • રેડ એલર્ટ
  • કચ્છ
  • મોરબી
  • જામનગર
  • દ્વારકા
  • પોરબંદર
  • જુનાગઢ
  • રાજકોટ
  • ઓરેન્જ એલર્ટ
  • ગીર સોમનાથ
  • સુરેન્દ્રનગર
  • બોટાદ
  • અમરેલી
  • ભાવનગર

માછીમારોને આગામી ત્રણ દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. આગામી સમયમાં કચ્છ તથા સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારે વરસાદની પરિસ્થિતિ તેમજ વાવાઝોડાની આગાહી હોવાથી રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને કામ વગર બહાર ન નીકળવા અને તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

Most Popular

To Top