મંગળવારે ગંભીર ચક્રવાતી વાવાઝોડા ‘મોન્થા’ને કારણે વિશાખાપટ્ટનમ એરપોર્ટથી સંચાલિત કુલ 32 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી, વિશાખાપટ્ટનમ એરપોર્ટના ડિરેક્ટર એન. પુરુષોત્તમને જણાવ્યું હતું કે 27 ઓક્ટોબરે એર ઇન્ડિયા એક્સપ્રેસની બે ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. સાથેજ 120 ટ્રેનો પણ રદ્ કરી દેવામાં આવી છે.
બંગાળની ખાડી પર રચાયેલ ચક્રવાત મોન્થા મંગળવારે સવારે વધુ તીવ્ર બનીને તોફાનમાં ફેરવાઈ ગયું છે. તે હાલમાં આંધ્રપ્રદેશના માછલીપટ્ટનમથી લગભગ 190 કિલોમીટર દક્ષિણપૂર્વમાં છે. તેની અસર આંધ્રપ્રદેશ, તમિલનાડુ, બંગાળ અને ઓડિશાના જિલ્લાઓમાં અનુભવાઈ રહી છે. આ રાજ્યોમાં 90 થી 110 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. આ ચાર રાજ્યોમાં દરિયાકાંઠાના વિસ્તારોમાંથી 50,000 થી વધુ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.
ઘરેલું અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ
પુરુષોત્તમને કહ્યું, “અમે દરરોજ 30 થી 32 ફ્લાઇટ્સ ચલાવીએ છીએ, સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને. આજે તે બધી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.” તેમણે કહ્યું કે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) ની માર્ગદર્શિકા અનુસાર ગંભીર ચક્રવાતી વાવાઝોડા માટે તૈયારી કરવા માટે સાવચેતી રાખી છે જેમાં ચક્રવાત પહેલા અને પછીના તબક્કાઓનો સમાવેશ થાય છે.
વિજયવાડા એરપોર્ટથી 16 ફ્લાઇટ્સ રદ
વિજયવાડા એરપોર્ટે આજે 16 ફ્લાઇટ્સ રદ કરી પરંતુ પાંચ ફ્લાઇટ્સ ચલાવી. વિજયવાડા એરપોર્ટના ડિરેક્ટર લક્ષ્મીકાંત રેડ્ડીએ જણાવ્યું હતું કે ગઈકાલે (સોમવારે), વિશાખાપટ્ટનમ જતી માત્ર એક જ ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. પરંતુ આજે દિલ્હી અને મુંબઈ સહિત દેશભરના વિવિધ સ્થળોએ જતી 16 ફ્લાઇટ રદ કરવામાં આવી છે.
તિરુપતિ એરપોર્ટ પર ચાર ફ્લાઇટ રદ
તેવી જ રીતે તિરુપતિ એરપોર્ટ પર ચાર ફ્લાઇટ રદ કરવામાં આવી છે. રેડ્ડીના જણાવ્યા મુજબ એરલાઇન્સે મંગળવાર માટે કામગીરી સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે બુધવારની ફ્લાઇટ કામગીરી અંગેની પરિસ્થિતિ સાંજ સુધીમાં સ્પષ્ટ થઈ શકે છે.
120 ટ્રેનો પણ રદ કરવામાં આવી
આ દરમિયાન એક રેલવે અધિકારીએ જણાવ્યું હતું કે 27 ઓક્ટોબર અને મંગળવારે દક્ષિણ મધ્ય રેલ્વે (SCR) ઝોનમાં કુલ 120 ટ્રેનો રદ કરવામાં આવી છે. ચક્રવાત મંગળવારે સાંજે અથવા રાત્રે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાવાની ધારણા છે.