ચક્રવાત ‘મોન્થા’ એ આંધ્રપ્રદેશના મછલીપટ્ટનમ નજીક લેન્ડફોલ કર્યું છે. ૧૦૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. તોફાનના કારણે અનેક દરિયાકાંઠાના ઘરો ધરાશાયી થયા છે. વાવાઝોડાના પવનો સંપૂર્ણ લેન્ડફોલ થતાં ૧૧૦ કિમી પ્રતિ કલાકની ઝડપે વધી શકે છે અને ૫ મીટર (૧૬ ફૂટ) ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે.
ચક્રવાત ‘મોન્થા’ આંધ્રપ્રદેશમાં લેન્ડફોલ કર્યું છે જેમાં ૧૦૦ થી ૧૧૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. ઓડિશા, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. આંધ્રપ્રદેશમાં ભારતીય સેના અને NDRF ટીમો એલર્ટ પર છે. ઓડિશા, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં પણ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. આ રાજ્યોમાં NDRF અને SDRF ટીમોને એલર્ટ પર રાખવામાં આવી છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર બંગાળની ખાડી પર રચાયેલા ચક્રવાત મોન્થાનું કેન્દ્ર હાલમાં આંધ્રપ્રદેશના મછલીપટ્ટનમથી 20 કિમી, કાકીનાડાથી 110 કિમી અને વિશાખાપટ્ટનમથી 220 કિમી દૂર છે. તે 17 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. બુધવારે સવારે આ વાવાઝોડું ઓડિશામાં ત્રાટકવાની ધારણા છે.
આંધ્રપ્રદેશ, તમિલનાડુ, બંગાળ અને ઓડિશાના જિલ્લાઓમાં તેની અસર અનુભવાઈ રહી છે. આ રાજ્યોમાં 80 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. ઘણી જગ્યાએ વૃક્ષો ઉખડી ગયા છે અને દરિયાકિનારા પર ઊંચા મોજા ઉછળી રહ્યા છે. ચારેય દરિયાકિનારાના રાજ્યોના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી 50,000 થી વધુ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.
ચક્રવાત મોન્થાના ત્રાટકતા પહેલા આંધ્રપ્રદેશ સરકારે સાત દરિયાકાંઠાના જિલ્લાઓમાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે સ્થગિત કરી દીધો છે. આ પ્રતિબંધ 28 ઓક્ટોબરે રાત્રે 8:30 વાગ્યાથી 29 ઓક્ટોબરે સવારે 6:00 વાગ્યા સુધી લાગુ રહેશે.
ચક્રવાત મોન્થાને કારણે સમુદ્રની વધતી જતી લહેરો અને ભારે પવનોએ પોડમપેટા ગામના દરિયાકાંઠાનું ધોવાણ કર્યું છે, જેના કારણે ગામના દરિયાકાંઠે અનેક મિલકતોને નુકસાન થયું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ઊંચા મોજા અને ભારે પવન સતત ફૂંકાઈ રહ્યા છે.
ઓડિશાના ખોરધામાં ચક્રવાત મોન્થાની અસરથી ખોરધા જિલ્લાના ચિલિકા તળાવમાં મોજા ઉછળ્યા છે. હવામાનમાં ફેરફારને કારણે તળાવનું પાણી ઉછળી રહ્યું છે અને આસપાસના વિસ્તારો ભારે પવનથી પ્રભાવિત થઈ રહ્યા છે. વહીવટીતંત્રે લોકોને તળાવની નજીક જવાની મનાઈ ફરમાવી છે.