Dakshin Gujarat Main

વાવાઝોડાથી વલસાડ જિલ્લામાં કેરીના 70 ટકા પાકનો નાશ, ચીખલી તાલુકામાં કેરી ખરી પડતાં લાખોનું નુકસાન

વલસાડ: (Valsad) વલસાડ જિલ્લામાં બે દિવસ સુધી બદલાયેલા હવામાનના પગલે વાવાઝોડું (Cyclone) અને વરસાદને લઈ સૌથી મોટું નુકસાન (Damage) કેરીના પાકને (Mango) થયું છે. કેરીની વાડીઓ ધરાવતા માલિકો વાડીમાં જ્યાં નજર કરે ત્યાં કેરી પડેલી જોઈ હવે આખું વર્ષ કઈ રીતે પસાર થશે તેની ચિંતા સેવી રહ્યા છે. 70 ટકા તૈયાર કેરી પડી જતા માંડ 25 થી 30 ટકા કેરી હવે આંબા (Mango Tree) ઉપર બચી ગઈ છે. ગત વર્ષે પણ ખેડૂતો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યા છતાં રાહત તો દૂર સર્વે સુધ્ધાં કરાયો ન હતો. ત્યારે હાલ સર્વે બાદ પણ રાહત મળશે તેવી આશા ખેડૂતોમાં નથી.

વલસાડ જિલ્લો આફૂસ કેરી માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે. જોકે છેલ્લા ત્રણ વર્ષથી કુદરતી આફતોને લઈ આફૂસનો માંડ 40 ટકા પાક થાય છે. હાલે બે દિવસના વાવાઝોડા અને વરસાદે 70 ટકા કેરીનો પાક જમીનદોસ્ત કરી દીધો છે. એક અઠવાડિયા અગાઉ જે કેરીનો ભાવ 20 કિલોના રૂ.1200 હતા તેના રૂ.100 પણ કોઈ આપવા તૈયાર નથી. જિલ્લાની એપીએમસીઓ, ખાનગી વેપારીઓને ત્યાં કેરીઓના ઢગ ખડકાયા છે. હજારો મણ કેરીઓ પડી ગઈ છે. આખા વર્ષની મહેનત બાદ મોં સુધી આવેલો કોળિયો છીનવાઈ જતા ખેડૂતો ચિંતામાં પડ્યા છે. હવે શું કરીશું તે ફિકરમાં દિવસો પસાર કરી રહ્યા છે.

નિષ્ક્રીય ખેડૂત સંગઠનો આગળ આવે
પ્રત્યેક વાડી માલિકોએ હજારો રૂપિયાની જંતુ નાશક દવાઓ, ખાતર, પાણી, મજુરી પાછળ ખર્ચ કર્યા બાદ આવેલા વાવાઝોડાએ બધું બરબાદ કરી દીધું છે. ત્યારે હવે સરકારે ત્વરિત વલસાડ જિલ્લામાં કેરીના નુક્શાનીનો સર્વે કરાવી રાહત પેકેજ જાહેર કરવું જોઈએ, તેવી માગણી ઉઠી રહી છે. તો નિષ્ક્રિય રહેલા ખેડૂત સંગઠનોએ પણ આ મુદ્દે આગળ આવવું જોઈએ.

મોં સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો : કેરી ઉતારવાની શરૂઆત જ હતી અને ‘તાઉતે’ ત્રાટક્યું

ઘેજ: ચીખલી (Chikhli) તાલુકામાં વાવાઝોડાથી કેરી, ચીકુ, ડાંગર સહિતના પાકોને થયેલા નુકશાનમાં યોગ્ય વળતર ચુકવવામાં આવે તેવી ખેડૂતોમાં માગ ઉઠી છે. તાલુકામાં ‘તાઉતે’ વાવાઝોડામાં તેજ ગતિના પવન સાથે વરસેલા વરસાદથી આંબાવાડીમાં તૈયાર કેરીના ફળો ખરી પડ્યા હતા અને મોટે ભાગનો પાક નષ્ટ થઇ જાય તેવી સ્થિતિ સર્જાઇ છે. કેરીના પાકની સફળતા માટે ખેડૂતોએ ખાતર અને દવા પાછળ કરેલો ખર્ચ પણ માથે પડે તેવી સ્થિતિમાં સર્વે કરાવી સહાય ચૂકવવાની માંગ ઉઠી છે. હાલે આંબાના ઝાડ પરથી કેરી ઉતારવાની શરૂઆત જ થઇ હતી અને મહત્તમ પાક ઝાડો પર જ હતો. તેવામાં વાવાઝોડાએ વિનાશ વેરતા કેરીઓ ખરી પડતા નુકશાન થયું છે. બીજી તરફ બજારમાં કેરીનો ભાવ પણ ગગડી ગયો છે. ત્યારે બચેલા થોડા ઘણા પાકમાં પણ ખેડૂતોને રાહત થાય તેમ લાગતું નથી.

તાલુકાના તલાવચોરા, હોન્ડ, ઘેકટી, મજીગામ સહિતના ગામોમાં ચીકુના ઝાડો છે અને આ વિસ્તારમાં વર્ષ દરમ્યાન ચીકુનું મોટા પાયે ઉત્પાદન થાય છે. જે પાક નષ્ટ થઇ ગયો છે. આ સિવાય તાલુકામાં ઉનાળુ ડાંગર, શેરડી જેવા પાકોને પણ વાવાઝોડામાં નુકશાન થયું છે. ઉપરોકત સ્થિતિમાં બાગાયત અને ખેતીવાડી વિભાગ દ્વારા જરૂરી સર્વે કરવામાં આવે અને નુકશાન સામે વળતર ચૂકવવાની માંગ ઉઠી છે. ખેડૂતો પાયમાલી તરફ ન ધકેલાય અને કુદરતી આફતમાં ખેડૂતોને રાહત થાય તે માટે સરકાર દ્વારા સહાય ચૂકવાય તે માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓ આગળ આવે તે જરૂરી છે.

તાલુકાના 67 ગામમાં કેરી, ચીકુના પાકમાં લાખોનું નુકશાન
ચીખલીની બાતાલુકાના 67 ગામોમાં કેરી, ચીકુના પાકોમાં ખેડૂતોને લાખો રૂપિયાનું નુકશાન ગાયત કચેરી દ્વારા વાવાઝોડામાં નુકશાનીનો તાગ મેળવવા માંડ ચાર પાંચ ગામોની મુલાકાત લઇ સંતોષ માનવામાં આવી રહ્યો છે. તાલુકાના 67 ગામોમાં કેરી, ચીકુના પાકોમાં ખેડૂતોને લાખો રૂપિયાનું નુકશાન થયું છે ત્યારે સર્વેની કામગીરી યોગ્ય રીતે થાય તે પણ જરૂરી છે.

ઉપલી કચેરીની સૂચના બાદ ટીમ બનાવી સર્વે કરાશે
ચીખલીના બાગાયત અધિકારી અંકુરભાઇએ જણાવ્યું હતુ કે તાલુકાના ચારથી પાંચ ગામોની મુલાકાત લઇ વાવાઝોડામાં થયેલા નુકશાન અંગે પ્રાથમિક સર્વે કરવામાં આવ્યું છે. ઉપલી કચેરીની સૂચનાનુસાર આગામી દિવસોમાં ટીમ બનાવી ડિટેઇલ સર્વે કરવામાં આવશે.

Most Popular

To Top