નવી દિલ્હી: દક્ષિણ ભારતમાં મંડુસ વાવાઝોડું ત્રાટકે તેવો ભય ઉભો થયો છે. આવતીકાલે શનિવારે વાવાઝોડું ત્રાટકે તે પહેલાં જ ચેન્નાઈના દરિયામાં અસર વર્તાવા માંડી છે. ચેન્નાઈના દરિયા કિનારે મોજા ઉછળવા માંડ્યા છે. ચેન્નાઈના મરીના બીચ પર નવા બનાવાયેલા લાકડાના રેમ્પ પર પાણી ફરી વળ્યું છે. અહીં 1.15 કરોડના ખર્ચે તૈયાર થયેલો લાકડાનો રેમ્પ હજુ ગયા અઠવાડિયે જ ખુલ્લો મુકાયો હતો.
ચક્રવાત (Cyclone) ‘મંડુસ’ (‘Mandus) વધુ ખતરનાક બની રહ્યું છે અને તેની અસર ઘણા રાજ્યોમાં જોવા મળી રહી છે. તેને જોતા તમિલનાડુના ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે વરસાદની ચેતવણી વચ્ચે ઘણા શહેરોમાં શાળા-કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ચક્રવાત દક્ષિણ ભારતના ઘણા શહેરોમાં તબાહી મચાવી શકે છે.
આ વાવાઝોડું 9 ડિસેમ્બરે ચેન્નાઈના કિનારે ત્રાટકે તેવી શક્યતા છે. જેના કારણે તમિલનાડુના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. એલર્ટ પરના જિલ્લાઓમાં ચેંગલપટ્ટુ, વિલ્લુપુરમ અને કાંચીપુરમનો સમાવેશ થાય છે. હવામાન વિભાગનું અનુમાન છે કે આ વાવાઝોડું આગામી 48 કલાકમાં ખતરનાક સ્વરૂપ ધારણ કરી શકે છે. તમિલનાડુ સરકારે કહ્યું કે NDRF અને રાજ્ય સુરક્ષા દળોની 12 ટીમો 10 જિલ્લામાં તૈનાત કરવામાં આવી છે.
વીડિયો જોવા માટે અહીં ક્લીક કરો
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, બંગાળની ખાડી પર બનેલું લો પ્રેશર એરિયા હવે ડીપ પ્રેશરમાં ફેરવાઈ ગયું છે. કરાઈકલના લગભગ 420 કિમી ESE માં ચક્રવાતી તોફાન મંડુસ ગઈકાલે સાંજ સુધીમાં તીવ્ર બન્યું. વાવાઝોડું 9 ડિસેમ્બરની મધ્યરાત્રિથી મહાબલીપુરમની આસપાસ ઉત્તર તમિલનાડુ, દક્ષિણ આંધ્રપ્રદેશ, પુડુચેરી અને શ્રીહરિકોટાને અસર કરે તેવી શક્યતા છે.
દક્ષિણ ભારતમાં ભારે વરસાદ અને ચક્રવાતી તોફાન ‘મંડુસ’ની આગાહીના આધારે, 9મી ડિસેમ્બર 2022ના રોજ ચેન્નાઈ, કુડ્ડલોર, વિલ્લુપુરમ, કાંચીપુરમમાં તમામ શાળાઓ અને કોલેજોને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ શહેરોમાં છેલ્લા કેટલાય દિવસોથી વાતાવરણમાં પલટો આવતાં સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.
અગાઉ, તિરુવરુર જિલ્લામાં શાળાઓ 5 ડિસેમ્બરે મુથુપેટ દરગાહ ખાતે “કંદુરી વિઝા” ને ધ્યાનમાં રાખીને બંધ કરવામાં આવી હતી. તામિલનાડુના તિરુવરુર, તંજાવુર જિલ્લામાં 7 ડિસેમ્બરે શાળાઓ બંધ કરવામાં આવી હતી. 8 ડિસેમ્બરે પણ ઘણા જિલ્લાઓમાં શાળાઓ બંધ રાખવામાં આવી હતી. હવે આજે 9મી ડિસેમ્બરે પણ વિદ્યાર્થીઓની રજા જાહેર કરવામાં આવી છે.
આ વિસ્તારોમાં શાળા-કોલેજ બંધ
- પુડુચેરીમાં વરસાદને કારણે શાળાઓમાં બે દિવસની રજા જાહેર કરવામાં આવી છે.
- વરસાદને કારણે તમિલનાડુના થેની જિલ્લા અને કોડાઈકેનાલના સિરુમલાઈ વિસ્તારની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.
- વરસાદને કારણે તમિલનાડુના થૂથુકુડીમાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.
- ચક્રવાત ‘મંડુસ’ ની આગાહીના આધારે, 9 ડિસેમ્બર 2022 ના રોજ ચેન્નાઈ, કુડ્ડલોર, વિલ્લુપુરમ, કાંચીપુરમમાં તમામ શાળાઓ અને કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.