નવી દિલ્હી: ઉત્તરપૂર્વ અને દક્ષિણ ભારત ભારે ગરમીનો સામનો કરી રહ્યા છે. ઘણા શહેરોમાં તાપમાન (Temperature) 48 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું છે. ત્યારે બંગાળની ખાડીમાં ચક્રવાત (Cyclone) સર્જાઇ રહ્યું છે. જેને ભારતીય હવામાન વિભાગ દ્વારા ‘રેમલ’ નામ આપવામાં આવ્યું છે.
IMDના જણાવ્યા મુજબ રવિવારે ગંભીર ચક્રવાત ‘રેમલ’ વાવાઝોડાના રૂપમાં બાંગ્લાદેશ અને તેની નજીકના બંગાળના દરિયાકાંઠે અથડાવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગે માહિતી આપી હતી કે આ ચક્રવાતી તોફાન 25 મેની સાંજ સુધીમાં બંગાળની ખાડીમાં ત્રાટકે તેવી શક્યતા છે. તેમજ રવિવારે ચક્રવાતને કારણે 102 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
હવામાન વિભાગે વધુમાં જણાવ્યું હતું કે બંગાળની ખાડી પર હાજર નીચા દબાણની સિસ્ટમ શુક્રવારે ડીપ ડિપ્રેશનમાં અને પછી બીજા દિવસે પૂર્વ-મધ્ય બંગાળની ખાડી પર ચક્રવાતમાં પરિવર્તિત થવાની સંભાવના છે. જે રવિવાર સાંજ સુધીમાં બાંગ્લાદેશ અને તેની નજીકના પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ગંભીર ચક્રવાત તરીકે પહોંચશે. તેમજ સાવધાનીના પગલા સ્વરુપે IMDએ માછીમારોને 24 મે સુધી દક્ષિણ બંગાળની ખાડી, 26 મે સુધી મધ્ય બંગાળની ખાડી અને 24 મેથી 27 મે સુધી ઉત્તર બંગાળની ખાડીમાં ન જવાની સલાહ આપી છે.
આ રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના
IMDએ પશ્ચિમ બંગાળ, ઉત્તર ઓડિશા, મિઝોરમ, ત્રિપુરા અને દક્ષિણ મણિપુરમાં 26 અને 27 મેના રોજ ભારે વરસાદની આગાહી કરી છે. ચક્રવાતી તોફાનના કારણે પશ્ચિમ બંગાળ ઉત્તર 24 પરગણા, દક્ષિણ 24 પરગણા અને પૂર્વ મિદનાપુરના દરિયાકાંઠાના જિલ્લાઓના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડશે જ્યારે કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
કેવું રહેશે ચોમાસું?
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ભારતમાં આ વર્ષે જૂન અને સપ્ટેમ્બર વચ્ચે સામાન્ય ચોમાસું રહેવાની ધારણા છે. દેશમાં 868.6 મીમીના લાંબા ગાળાના સરેરાશ (LPA) વરસાદના 102 ટકા વરસાદની અપેક્ષા છે. રિપોર્ટ અનુસાર, જૂનથી સપ્ટેમ્બર દરમિયાન મધ્ય અને પશ્ચિમ ભાગોમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે. ઉત્તર અને દક્ષિણ ભાગોમાં સામાન્ય વરસાદ અને ઉત્તર-પૂર્વ ભારત અને પૂર્વીય ભાગોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડશે.