National

તમિલનાડુ-પુડુચેરીમાં સાયકલોન ફેંગલ આજે ત્રાટકશે, શાળા-કોલેજો બંધ

પુડુચેરીઃ ભારતીય હવામાન વિભાગ (IMD) એ બંગાળની ખાડીમાં સર્જાયેલા ચક્રવાતી તોફાન ‘ફેંગલ’ને લઈને તમિલનાડુના ઘણા ભાગો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ‘ફેંગલ’ આજે બપોરે પુડુચેરીની નજીક પહોંચી શકે છે. તેની અસરને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે અને પવનની ઝડપ 90 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.

આ સમયગાળા દરમિયાન હવામાન વિભાગે સમુદ્રમાં ઊંચા મોજાં ઉછળવાની આગાહી કરી છે. IMDના સાયક્લોનિક ડિવિઝનના વડા આનંદ દાસે જણાવ્યું હતું કે તમિલનાડુ, દક્ષિણ આંધ્રપ્રદેશ, કેરળ અને આંતરિક કર્ણાટકના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

ચેન્નાઈના પ્રાદેશિક હવામાન કેન્દ્રના નિર્દેશક ડૉ એસ બાલચંદ્રને જણાવ્યું હતું કે, પુડુચેરી નજીક કરાઈકલ અને મહાબલીપુરમ વચ્ચેના ક્રોસિંગ પોઈન્ટ પરના મોટાભાગના દરિયાકાંઠાના જિલ્લાઓ ફેંગલ ચક્રવાતથી વધુ પ્રભાવિત થશે. ભારે પવન સાથે ભારે વરસાદ પડશે. પવનની ઝડપ 60-70 કિમી/કલાકથી 90 કિમી/કલાકની હોઈ શકે છે.

બપોરે 1 થી 2 દરમિયાન ભારે વરસાદ પડશે
વાવાઝોડાના લીધે ઘણી જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. પુડુચેરી અને કાંચીપુરમ સહિત તમિલનાડુના વિવિધ જિલ્લાઓમાં આજે તમામ શાળાઓ અને કોલેજો બંધ રહેશે. આ દરમિયાન પુડુચેરી ફિશરીઝ ડિપાર્ટમેન્ટે માછીમારો માટે એડવાઈઝરી જારી કરી છે.

એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો સ્ટેન્ડબાય પર છે
સાયકલોન ફેંગલને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયામાં ન જવા વિનંતી કરવામાં આવી છે. માછીમારોને નુકસાનથી બચવા માટે તેમની બોટ અને સાધનસામગ્રીને ઊંચા સ્થળોએ ખસેડવા પણ સૂચના આપવામાં આવી છે. IMD અનુસાર, ચક્રવાત ફેંગલ આજે બપોરે તમિલનાડુના દરિયાકાંઠે ત્રાટકવાની સંભાવના છે.

અસરગ્રસ્ત વિસ્તારોમાં કામેશ્વરમ, વિરુન્ધમાવાડી, પુડુપલ્લી, વેદ્રપ્પુ, વનમાદેવી, વલ્લપલ્લમ, કલ્લીમેડુ, એરાવયલ અને ચેમ્બોડીનો સમાવેશ થાય છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે સ્ટેન્ડબાય પર છે.

હેલ્પલાઈન નંબર જાહેર કરાયા
હેલ્પલાઇન નંબર 112 અને 1077 જારી કરવામાં આવ્યા છે રેવન્યુ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે લોકોને મદદ કરવા માટે ટોલ ફ્રી નંબર 112 અને 1077 સેટ કર્યા છે. લોકો વોટ્સએપ નંબર 9488981070 દ્વારા પણ મદદ માંગી શકે છે. અત્યાર સુધીમાં તિરુવરુર અને નાગપટ્ટનમ જિલ્લામાં 164 પરિવારોના કુલ 471 લોકોને છ રાહત કેન્દ્રોમાં રાખવામાં આવ્યા છે.

બંગાળની ખાડીમાં ચક્રવાત ફેંગલની તીવ્રતાને કારણે ભારતીય નૌકાદળે ડિઝાસ્ટર રિસ્પોન્સ પ્લાન તૈયાર કર્યો છે. ચક્રવાત ફેંગલની અસરને કારણે શનિવારે સવારે ચેન્નાઈ અને તમિલનાડુના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવો વરસાદ થયો હતો.

લોકોને ઘરની અંદર રહેવાની અપીલ
અધિકારીઓએ લોકોને તેમના ઘરની અંદર રહેવા વિનંતી કરી છે. IMD ની આગાહી કહે છે કે ચક્રવાત ફેંગલને કારણે તમિલનાડુના દરિયાકાંઠાના વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે. અધિકારીઓએ નીચાણવાળા અને દરિયાકાંઠાના વિસ્તારોના રહેવાસીઓને સતર્ક રહેવા અને સલામતી સલાહનું પાલન કરવા વિનંતી કરી છે.

વાવાઝોડાના ફેંગલ નામનો શું અર્થ
‘ફેંગલ’ અરબી શબ્દ છે. તેનો અર્થ ‘ઉદાસીન’ છે. સાઉદી અરેબિયાએ આ નામનો પ્રસ્તાવ વર્લ્ડ મીટીરોલોજીકલ ઓર્ગેનાઈઝેશન (WMO) અને યુનાઈટેડ નેશન્સ ઈકોનોમિક એન્ડ સોશિયલ કમિશન ફોર એશિયા એન્ડ ધ પેસિફિક (UNESCAP)ના નિયમોને અનુસરીને કર્યો છે.

ચક્રવાતને કેવી રીતે નામ આપવામાં આવે છે?
આપત્તિ વ્યવસ્થાપન અને કટોકટી સંદેશાવ્યવહારને વધુ સ્પષ્ટ અને કાર્યક્ષમ બનાવવાના માર્ગ તરીકે ચક્રવાતનું નામકરણ શરૂ થયું. શરૂઆતમાં, કોઈપણ દેશ તોફાન માટે નામ પ્રસ્તાવિત કરી શકે છે. પરંતુ આનાથી મૂંઝવણ ઊભી થઈ છે. ખાસ કરીને જ્યારે એક જ સમયે અનેક વાવાઝોડા સક્રિય હતા. તેના જવાબમાં વર્લ્ડ મીટીરોલોજિકલ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએમઓ) એ ટ્રેકિંગ, આયોજન અને આપત્તિ વ્યવસ્થાપનને સુવ્યવસ્થિત કરવા માટે ચક્રવાતને નામ આપવાની સિસ્ટમ રજૂ કરી. આ સિસ્ટમ હેઠળ ઉત્તર હિંદ મહાસાગરમાં ચક્રવાતને ક્ષેત્રના સંબંધિત દેશો દ્વારા નામ આપવામાં આવે છે.

Most Popular

To Top