Gujarat

તાઉતેના કારણે ગુજરાતમાં ૫૦૦૦ કરોડથી વધુનું નુકસાન

ગત તા.૧૭ અને ૧૮મી મેના રોજ ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત પર ત્રાટકેલા તાઉતે વાવાઝોડાના કારણે ગુજરાતમાં ૫૦૦૦ કરોડથી પણ વધુનું નુકસાન થવાનો અંદાજ છે. આ નુકસાનનો અંદાજ વધી પણ શકે છે. રાજય સરકારના મહેસૂલ, કૃષિ અને ઊર્જા વિભાગ દ્વારા આ નુકસાનનો અંદાજ મેળવવા માટે આગામી ૧૦થી ૧૫ દિવસમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવશે.

મહેસુલ મંત્રી કૌશિક પટેલે કહ્યું હતું કે, તાઉતે વાવાઝોડાના કારણે ખેડૂતને ઉનાળુ પાક તેમજ બાગાતી પાકને ભારે નુકસાન થયુ છે. તેનો સર્વે કરવા આદેશ કરવામાં આવ્યો છે. સરકારે ઘડેલા નિયમો મુજબ ખેડૂતોને સહાય ચૂકવાશે. કૃષિ ક્ષેત્રને થયેલા નુકસાનનો અંદાજ મેળવવા માટે સર્વે કરવા જિલ્લા કલેક્ટરોને ચૂચના પણ આપી દેવાઈ છે. ઊર્જા વિભાગ પણ વીજ ક્ષેત્રને થયેલા નુકસાનનો અંદાજ મેળવવા સર્વે કરશે.

પ્રાથમિક અંદાજ પ્રમાણે વાવાઝોડાના કારણે ૫૦૦૦ કરોડ કરતાં વધુનું નુકસાન થયું છે અને આ આંક વધી પણ શકે છે. ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી અને ભાવનગરમાં કાચા – પાક મકાનો – ઝૂંપડા મોટા પ્રમાણમાં તૂટી પડયાં છે. તેવી જ રીતે ખેડૂતોના ઉનાળું પાક નષ્ટ થયો છે.

આ ઉપરાંત ગીર, તાલાલા, રાજુલા સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેરીના પાકને 60થી 90 ટકા નુકસાન થયું છે. આ ઉપરાંત નાળિયેરી અને કેળને પણ નુકસાન થવા પામ્યુ છે.સૌરાષ્ટ્રમાં ૧૩ હજાર કરતાં વધુ હેકટરમાં કેરીના પાકને નુકસાન થવાનો અંદાજ છે. કેટલાંક સ્થાનો પર તો આખે આખા આંબા જ ઉખડી ગયા છે.

જેના પગલે આગામી ૩થી ૪ વર્ષ માટે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. દક્ષિણ ગુજરાતમાં પણ દુનિયામાં જાણતી આફૂસ કેરી પકવતા ખેડૂતોને પણ રોવાનો વારો આવ્યો છે. કૃષિ ક્ષેત્રને રાજયમાં ૨૫૦૦ થી ૩૦૦૦ કરોડથી વધુ નુકસાન થયાનો અંદાજ છે. ઊર્જા સેકટરને પણ અંદાજિત ૧૫૦૦ કરોડનુ નુકસાન થયુ છે.

માર્ગ અને મકાન વિભાગને પણ ૧૦૦ કરોડથી વધુનું નુકાસન થયાનો અંદાજ છે.અન્ય ક્ષેત્રને પણ ૩૫૦થી૪૦૦ કરોડનુ નુકસાન થયુ છે.ગીર સોમનાથ , ભાવનગર અને અમરેલીમાં માછીમારોને પણ મોટુ નુકસાન થવા પામ્યું છે.પીએમ નરેન્દ્ર મોદીએ ગુજરાતને આંતરમાળખાકિય સુવિધાઓ ત્વરીત ઊભી કરવા માટે ૧૦૦૦ કરોડની સહાયની જાહેરત કરી છે. જો કે નુકસાનનો અંદાજ મેળવવા માટે કેન્દ્ર તરફથી ગુજરાતમાં ટીમ મોકલવામા આવશે.

Most Popular

To Top