Gujarat

દશકો બાદ અરબી સમુદ્રમાં સર્જાયું ‘અસના’ ચક્રવાત, IMDનું એલર્ટ જારી, ગુજરાતને થઇ શકે છે અસર!

ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) પાછલા ચાર દિવસથી ખાબકી રહેલા ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ત્યારે વડોદરા સહિત અનેક શહેરોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. બીજી બાજુ નદીઓમાંથી મગરો (Crocodiles) વહીને ઘરોની ધાબાઓ સુધી પહોંચી રહ્યા છે. દરમિયાન હવામાન વિભાગના વધુ એક અપડેટે ગુજરાતની ચિંતા વધારી છે, કારણ કે હવામાન વિભાગે અપડેટ શેર કરી ગુજરાતને ‘અસના’ ચક્રવાતની (Cyclone Asana) અસર માટે એલર્ટ કર્યું છે.

ભારતીય હવામાન વિભાગના (IMD) અપડેટ મુજબ, અરબી સમુદ્રમાં એક અસામાન્ય ચક્રવાત બની રહ્યું છે. જેની અસર ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં અનુભવાય તેવી શક્યતા છે. દરમિયાન આજે શુક્રવારે આ ચક્રવાત અરબી સમુદ્ર ઉપરથી ઓમાન તટ તરફ આગળ વધી શકે છે. તેમજ આજે દિવસ દરમિયાન ‘અસના’ ચક્રવાત કચ્છને ધમરોળી શકે છે. ત્યારે જણાવી દઇયે કે અરબી સમુદ્રમાં 1976 બાદ એટલે કે 44 વર્ષો બાદ ઓગસ્ટ 2024માં આ પ્રકારનું ચક્રવાત સર્જાઇ રહ્યું છે, કે જેમાં જમીનની ઉપર હવામાન પ્રણાલી બની રહી છે. બસ આ જ કારણે પાછલા ચાર દિવસથી ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં ભારે વરસાદ તારાજી સર્જી રહ્યો હોય તેવી સંભાવના છે. તેમજ પાકિસ્તાન પણ ચક્રવાતથી અસરગ્રસ્ત થવાની સંભાવના હોય, આ ચક્રવાતનું નામ ‘અસના’ પાકિસ્તાન દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં 7 રાષ્ટ્રીય ધોરીમાર્ગો બંધ
મેઘરાજાના પ્રકોપથી ઝઝૂમી રહેલા ગુજરાત રાજ્યમાં હાલ વરસાદને કારણે 7 રાષ્ટ્રીય ધોરીમાર્ગો, 66 રાજ્ય ધોરીમાર્ગો, 92 અન્ય રસ્તાઓ અને 774 પંચાયતી માર્ગો સહિત 939 રસ્તાઓ બંધ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત બીજા દિવસે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલને ફોન કરીને રાજ્યની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. બીજી બાજુ હવામાન વિભાગે આગામી છ દિવસ દરમિયાન 31 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભારે વરસાદનું એલર્ટ જારી કર્યુ છે. તેમજ આવનારા ‘અસના’ ચક્રવાત અંગે નિવેદન પણ આપ્યુ છે.

હવામાન વિભાગે કહ્યું- ‘દુર્લભ ચક્રવાત..’
હવામાન વિભાગે આજે માહિતી શેર કરતા જણાવ્યું હતું કે, “ઓગસ્ટ મહિનામાં અરબી સમુદ્ર પર ચક્રવાતી તોફાનનો વિકાસ એક દુર્લભ પ્રવૃત્તિ છે.” હવામાન વિભાગના પ્રકારના નિવેદન પાછળનું કારણ એ છે કે, આ પહેલા 1944માં એક ચક્રવાત સર્જાયું હતું. જે અરબી સમુદ્રમાં ઉદભવ્યા બાદ તીવ્ર બન્યું હતું અને મધ્ય મહાસાગરમાં નબળું પડ્યું હતું. ત્યાર બાદ 1964માં દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે એક નાનું ચક્રવાત સર્જાયું હતું અને દરિયાકાંઠાની નજીક નબળું પડ્યું. તેમજ છેલ્લા 132 વર્ષો દરમિયાન બંગાળની ખાડીમાં ફક્ત ઓગસ્ટ મહિનામાં આવા કુલ 28 ચક્રવાતો સર્જાયા છે. ત્યારે આ વર્ષે ઓગષ્ટ મહિનામાં અરબી સમુદ્રમાં સર્જાતું 44 વર્ષ પછીનું આ પહેલું ચક્રવાતી તોફાન હશે.

1944, 1964 અને 1976માં આવું દુર્લભ હવામાન..
ભારતીય હવામાન વિભાગ (IMD)ના વૈજ્ઞાનિક સોમા સેન રોયના જણાવ્યા મુજબ આ પહેલા 1944, 1964 અને 1976માં આવું દુર્લભ હવામાન જોવા મળ્યું હતું. જ્યારે જમીન ઉપર એક્ટિવ ડીપ ડિપ્રેશન એટલે કે વેધર સિસ્ટમે અરબી સમુદ્રમાંથી ગરમી શોષીને વધુ ભયંકર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ડીપ ડિપ્રેશન દરિયામાં ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ગયું હતું.

સોમા સેને વધુમાં જણાવ્યું હતું કે, ‘અસના’ વાવાઝોડાની અસામાન્ય બાબત એ છે કે તેના ડીપ ડિપ્રેશનને કારણે છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશમાં ભારે વરસાદ થયો છે. તેમજ IMDના ડેટા અનુસાર, સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશોમાં આ વર્ષે 1 જૂનથી 29 ઓગસ્ટ વચ્ચે 799 mm વરસાદ નોંધાયો છે, જે અસામાન્ય છે કારણ કે સામાન્ય રીતે આ સમયગાળા દરમિયાન 430.6 mm વરસાદ પડે છે. ત્યારે આ વર્ષે સામાન્ય કરતાં 86 ટકા વધુ વરસાદ નોંધાયો હતો.

Most Popular

To Top