Gujarat

રાજયમાં વધુ 10 સાયબર સ્ટેશનને મંજૂરી અપાઈ

રાજયમાં ઓનલાઈન શોંપિંગ અને ક્રેડિટ કાર્ડમાં થઈ રહેલી છેતરપિંડી રોકવા માટે ગૃહ વિભાગ દ્વારા રાજયમાં નવા 10 જેટલા સાયબર પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. સાયબર ક્રાઈમના ગુનાઓનું ટેકનોલોજી દ્વારા નિયંત્રણ થાય તે માટે ગુજરાત પોલીસને વધુને વધુ સુસજ્જ કરવામાં આવી રહી છે. “સાયબર આશ્વસ્ત” પ્રોજેકટ હેઠળ સાયબર ઇન્સિડન્સ રીસ્પોન્સ યુનિટ (IRU), એન્ટી સાયબર બુલિંગ યુનિટ (ABU), સાયબર ક્રાઇમ પ્રિવેન્શન યુનિટ (CCPU), સાયબર સુરક્ષા લેબ (CSL) એમ કુલ-૦૪ સેવાઓ શરૂ કરાઈ છે.

રાજયના ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સાયબર ક્રાઇમને અટકાવવા માટે, સાયબર ક્રાઇમ તંત્રને વધુ અધ્યતન તથા સુસજ્જ કરવા માટે રાજયના ૪ શહેરો એટલે કે, ૪ કમિશ્નરેટ વિસ્તાર – અમદાવાદ શહેર, સુરત શહેર, વડોદરા શહેર અને રાજકોટ શહેરમાં પણ અત્યાધુનિક સાયબર પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવેલ છે અને રાજ્યની ૯ રેન્જ(ક્ષેત્રીય વિભાગ) ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, બોર્ડર રેન્જ, સુરત, વડોદરા, પંચમહાલ-ગોધરા, અમદાવાદ અને જુનાગઢ ખાતે પણ સાયબર પોલીસ સ્ટેશન કાર્યરત કરી દેવાયા છે.

આ સાયબર પોલીસ સ્ટેશનોના વ્યવસ્થિત અને સુચારૂ સંચાલન માટે જુદા-જુદા સંવર્ગની કુલ-૭૦૪ જગ્યાઓ પણ મંજૂર કરવામાં આવી છે. જિલ્લા કક્ષાએ પણ સાયબર પોલીસ સ્ટેશનને કાર્યાન્વિત કરવા માટે રાજ્યના આણંદ, સાબરકાંઠા, મહેસાણા, ભરૂચ, વલસાડ, જામનગર, પોરબંદર, અમરેલી, કચ્છ-પૂર્વ(ગાંધીધામ) અને બનાસકાંઠા એમ કુલ-૧૦(દસ) જિલ્લાઓમાં પણ સાયબર પોલીસ સ્ટેશન મંજૂર કર્યા છે. હાઇફાઇ કિમિયાઓ અપનાવીને વાઇફાઇની મદદથી સાયબર ક્રાઇમ કરતા ટેક્નોક્રેટ ભેજાબાજ ગુનેગારોને પકડવા માટે “સાયબર આશ્વસ્ત” પ્રોજેકટ લૉન્ચ કર્યો છે.

Most Popular

To Top