આજના ડિજિટલ યુગમાં યુદ્ધ માત્ર સરહદ પર જ લડાતું નથી, પરંતુ સાયબર જગતમાં પણ અનેક પ્રકારની માનસિક લડાઈ ચાલી રહી છે. દેશની શાળાઓ, કોર્ટ અને એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતા ઈ-મેઈલ માત્ર કોઈ મજાક કે ટીખળ નથી, પરંતુ સમાજમાં ભય ફેલાવવાનો એક ખતરનાક પ્રયાસ છે. આવા સંદેશાઓનો મુખ્ય હેતુ લોકોમાં, ખાસ કરીને બાળકોમાં, ડર અને અસુરક્ષાની લાગણી ઊભી કરવી છે. દેશ સામે ચાલતા આવા “લો કોસ્ટ સાયબર વોર”માં ખોટા ઈ-મેઈલ, ફેક ધમકીઓ અને પ્રોપેગેન્ડા દ્વારા સમાજને માનસિક રીતે નબળું પાડવાનો પ્રયાસ કરવામાં આવે છે.
તેથી આપણે સૌએ સમજવું જોઈએ કે આવા સંદેશાઓનો ઉદ્દેશ માત્ર અફવા અને ભય ફેલાવવાનો છે. સાવચેતી રાખવી જરૂરી છે, પરંતુ ગભરાવું નહીં તે પણ એટલું જ મહત્ત્વપૂર્ણ છે. આપણી ફરજ છે કે કોઈ પણ શંકાસ્પદ ઈ-મેઈલ, મેસેજ અથવા અફવા મળે તો તેને તરત જ સંબંધિત અધિકારીઓ અથવા સાયબર ક્રાઈમ વિભાગને જાણ કરીએ. સોશ્યલ મીડિયા પર અપ્રમાણિત માહિતી ફેલાવવી ટાળવી જોઈએ, કારણ કે તે અજાણતા રીતે દુશ્મન તત્ત્વોના હેતુને સફળ બનાવે છે. બાળકો અને યુવાનોને પણ સાયબર સુરક્ષા અંગે જાગૃત બનાવવાની જરૂર છે. તેમને સમજાવવું જોઈએ કે ઈન્ટરનેટ પર મળતી દરેક માહિતી સાચી હોય જ એવું જરૂરી નથી. શાંતિ, સાવચેતી અને જાગૃતિ દ્વારા જ આવા માનસિક યુદ્ધ સામે મજબૂત રીતે ઊભા રહી શકાય છે. દેશની સુરક્ષા માત્ર સરકાર અથવા સુરક્ષા એજન્સીઓની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની સંયુક્ત જવાબદારી છે.
પરવટ ગામ, સુરત – આશિષ ટેલર- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.