સુરત: લોકોને સાવચેત રહેવા સલાહ આપતી સુરત પોલીસનો એક જમાદાર પોતે જ સાયબર ફ્રોડનો (Cyber Fraud With Surat Police) ભોગ બન્યો છે. મકાન ભાડે આપવા માટે OLX પર જાહેરાત મુકવાનું જમાદારને ભારે પડ્યું હતું. એક ઠગ ઈસમે પોતે ભારતીય સેનામાં નોકરી કરતો હોવાની ખોટી વાતો કરીને મકાન ભાડે લેવાની ઈચ્છા વ્યક્ત કરી વાતોમાં ભોળવીને ઓનલાઈન 45 હજાર રૂપિયા ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરી હતી.
- સુરત પોલીસના જમાદારને OLX પર મકાન ભાડે આપવાની જાહેરાત મુકવાનું ભારે પડ્યું
- ફોન પર આર્મી મેન તરીકેની ઓળખ આપી ઠગ છેતરી ગયા
- સરકાર મકાનનું ભાડું ચૂકવે છે એમ કહી પહેલાં તમે 45000 અમારા ખાતામાં જમા કરો એમ કહી છેતર્યો
- ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કર્યા બાદ જમાદારને છેતર્યાનું ભાન થતાં સાયબર સેલમાં ફરિયાદ કરી
આ કેસની વિગત એવી છે કે, વિકાસભાઇ દામુભાઇ નાવીકર (ઉ.વ. ૫૮ ધંધો નોકરી રહે ઘર નં. ૭૬, ૯૯મો માળ, બી/૨ બિલ્ડીં ગ, રામપુરા પોલીસ લાઇન, મહિધરપુરા, સુરત શહેર મુળ વતન ગામ તથા તાલુકો ભુસાવલ જીલ્લો મહારાષ્ટ્ર) સુરત પોલીસમાં એ.એસ.આઇ. તરીકે ફરજ બજાવે છે. વિકાસ નાવીકરે પોતાના અંગત ઉપયોગ માટે સ્ટેટ બેન્ક ઇન્ડીયાની ભાઠા શાખામાં એકાઉ ન્ટ નં. ૩૪૬૩૮૨૭૨૭૬૩ ખોલાવ્યું હતું જેમા પોતાના મોબાઇલ નંબર પરથી ઓનલાઇન ટ્રાન્જેક્શન એપ્લીકેશન ગુગલ-પે નો ઉપયોગ કરતા હતા. આશરે એકાદ અઠવાડીયા પહેલા વિકાસ નાવીકરે પોતાનું પર્વત પાટીયા, ઓમનગર ખાતે આવેલું મકાન ભાડેથી આપવા માટે OLX નામની ઓનલાઇન વેબ સાઇટ ઉપર પોસ્ટ મુકી હતી.
દરમિયાન ગઈ તા. ૧૧/૦૧/૨૦૨૩ ના રોજ બપોરના આશરે સાડા અગ્યારેક વાગ્યાના સમયે જમાદાર વિકાસ નાવીકરના મોબાઇલ નંબર પર એક અજાણ્યા મો.નં. ૬૩૭૨૬૧૩૨૬૨ ઉપરથી ફોન આવ્યો હતો અને સામેવાળી વ્યક્તિએ પોતાનું નામ દિપક પવાર આપી પોતે ભારતીય સેનામાં નોકરી કરતો હોવાનું જણાવ્યું હતું. દિપક પવારની હાલ સુરત ખાતે ટ્રાન્સફર થઈ હોઈ વિકાસનું મકાન ભાડે રાખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. દિપક પવારે વ્હોટ્સએપ પર આર્મીનુ પોતાના આઇકાર્ડનો ફોટૉ વિકાસને મોકલી વિશ્વાસ કેળવ્યો હતો. ત્યાર બાદ બંને વચ્ચે ભાડુ તથા ડીપોઝીટની વાતચીત નક્કી થઈ હતી.
સરકાર ભાડું ચૂકવતું હોવાની વાત કરી ઠગાઈ કરી
ડિપોઝીટ આપતા પહેલાં દિપક પવારે કહ્યું કે, “મારૂ મકાન ભાડું સરકાર તરફથી જ ચુકવાતું હોય છે જેથી કાલે હું તમારી વાત મારા સીનીયર અધિકારી સાથે કરાવીશ, અને બાદમાં એક મહીનાનુ ભાડુ અને ડીપોઝીટ તમારા ખાતામાં ટ્રાન્સફર કરી દઇશ” જે બાદ તા. ૧૨/૦૧/૨૦૨૩ ના સાંજના આશરે ચારેક વાગ્યાના સમયે ફરીથી ફોન કોલ આવ્યો હતો અને દિપક પવારે “મારા સીનીયર અધિકારી સાથે વાત કરો” એમ કહી અન્ય ઇસમને ફોન આપ્યો હતો. તે ઈસમે પોતે દિપક પવારનો સીનીયર ઓફીસર હોવાનુ જણાવી એવું કહ્યું કે “તમારે અમારી ઓફીસના એકાઉન્ટમાં રૂ.૪૫,૦૦૦/- ટ્રાંસફર કરવા પડશે જેથી અમારી ઓફીસમાં જાણ થશે કે તમારૂં મકાન ભાડેથી રાખ્યું છે ત્યાર બાદ અમારી ઓફીસ તરફથી તમે ટ્રાન્સફર કરેલા 45000 તથા મકાન ભાડુ અને ડીપોઝીટ તમારા ખાતામાં જમાં કરીશું.” તેથી વિકાસ નાવીકરે ચાલુ ફોને જ ૮૮૫૩૭૧૫૭૬૩ ફોન નંબર પર 45000 નુ ઓનલાઇન ટ્રાન્જેક્શન કર્યું હતું. ત્યાર બાદ આ ઇસમે વિકાસ નાવીકરને વ્હોટ્સએપ પર એક ઇમેજ સેન્ડ કરી કહ્યું હતું કે, “ટ્રાન્જેક્શન બ્લોક થઇ ગયુ છે તમે બીજા 45000 ટ્રાંસફર કરો તમને તમારા તમામ રૂપીયા રીફંડ મળી જશે” પરંતુ અહીંથી વિકાસ નાવીકર ચેતી ગયા હતા. ઓનલાઇન ફ્રોડ થયાની આશંકા જતા વિકાસ નાવીકરે મારી પાસે રૂપીયા નથી તેવુ જણાવી દીધેલ હતુ. ત્યાર બાદ તપાસ કરતા OM PRAKASH DEEPANKAR તથા ઇ-મેલ આઇ.ડી ompirkaskumar73@okicici પર રૂપિયા ટ્રાન્સફર થયા હતા. જેથી જમાદાર વિકાસ નાવીકરે તરત જ સાયબર ક્રાઇમ ટોલ ફ્રી નંબર.૧૯૩૦ ઉપર ફરિયાદ કરી હતી.