બર્મિંગહામ: ભારત(India)ની સ્ટાર(Star) દોડવીર(runner) હિમા દાસે(Hima Das) કોમનવેલ્થ ગેમ્સ(Commonwealth Games 2022)ની 200 મીટર દોડની સ્પર્ધામાં હીટ્સમાં 23.42 સેકન્ડનાં સમયમાં રેસ પૂરી કરી સેમિફાઇનલ માટે ક્વોલિફાય કર્યું છે. હિમા હીટ્સમાં શરૂઆતથી જ પાંચ મહિલા દોડવીરોમાં આગળ રહી હતી, જેમાં ઝામ્બિયાની રોડા ન્જોબવુ 23.85 સેકન્ડમાં બીજા સ્થાને રહી હતી જ્યારે યુગાન્ડાની જેસેન્ટ ન્યામાહુંગે 24.07 સેકન્ડ સાથે ત્રીજા સ્થાને રહી હતી.
હિમા દાસનું અદ્ભુત પ્રદર્શન
હિમા દાસે મહિલાઓની 200 મીટર દોડમાં અદ્ભુત પ્રદર્શન કર્યું છે. તેઓએ છ હીટમાંથી ટોચની 16 સેમિફાઇનલ માટે ક્વોલિફાય કર્યું છે. હિમાએ હીટ 2 જીતી હતી પરંતુ હીટ 1માં નાઈજીરીયાની ફેવર ઓફીલી (22.71 સેકન્ડ) અને હીટ 5માં ઈલેન થોમ્પસન હેરાએ (22.80 સેકન્ડ) તેના કરતા ઘણો સારો સમય લીધો હતો. સેમિફાઇનલમાં પહોંચેલી હિમા કરતાં ઓછામાં ઓછા છ ખેલાડીઓનો સમય સારો રહ્યો હતો.
પીવી સિંધુએ કર્યો કમાલ
ટોચની ભારતીય બેડમિન્ટન પ્લેયર પીવી સિંધુ(PV Sindhu)એ ગુરુવારે આસાનીથી જીત મેળવીને કોમનવેલ્થ ગેમ્સની મહિલા સિંગલ્સ સ્પર્ધાની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા સિંધુએ રાઉન્ડ ઓફ 32માં માલદીવની ફાતિમા નબાહા અબ્દુલ રઝાકને માત્ર 21 મિનિટમાં 21-4, 21-11થી હરાવ્યો હતો. સિંગલ્સમાં અગાઉના તબક્કાની સિલ્વર મેડલ વિજેતા સિંધુએ બાઉટમાં થોડો પણ પરસેવો પાડ્યો ન હતો જ્યારે ફાતિમા ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહી હતી.
વિરોધી ખેલાડીને તક જ ન આપી
પ્રથમ ગેમમાં સિંધુએ આક્રમક થયા વિના માલદીવના હરીફને માત આપી હતી. જેમાં તેઓએ પોઈન્ટ એકત્રિત કરવા માટે ડ્રોપ શોટનો ઉપયોગ કર્યો હતો. બીજી ગેમમાં ફાતિમાએ શરૂઆતમાં થોડો પડકાર રજૂ કર્યો હતો અને તે સિંધુ સાથે 9-9થી બરાબરી પર હતી કારણ કે ભારતીય ખેલાડીએ સરળ ભૂલો દ્વારા પોઈન્ટ આપ્યા હતા. પરંતુ ત્યારબાદ સિંધુએ બ્રેક સુધી 11-9ની લીડ મેળવી લીધી હતી. આ પછી તેણે આરામથી પોઈન્ટ ભેગા કરીને લાસ્ટ 16માં જગ્યા બનાવી લીધી જ્યારે પ્રતિસ્પર્ધી માત્ર બે પોઈન્ટ બનાવી શકી હતી.
મંજુ બાલા હેમર થ્રોમાં ફાઇનલમાં પહોંચી
મંજુ બાલાએ હેમર થ્રોની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. તેણીએ 59.68 મીટરનો થ્રો ફેંક્યો અને ક્વોલિફાઇંગ રાઉન્ડમાં 11મું સ્થાન મેળવ્યું. ભારતની બીજી એથ્લેટ સરિતાએ 57.48 મીટર થ્રો કર્યો અને ફાઈનલ માટે ક્વોલિફાય કરવાનું ચૂકી ગઈ. તેણીએ 13મું સ્થાન મેળવ્યું હતું, જ્યારે ટોચના 12 એથ્લેટ્સે ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. જ્યારે અમિત પંઘાલે બોક્સિંગમાં ભારત માટે મેડલ નિશ્ચિત કર્યો છે. તે સેમી ફાઇનલમાં પહોંચી ગયો છે. અમિતે 48kg-51kg (ફ્લાયવેટ) વર્ગની બીજી ક્વાર્ટર ફાઇનલમાં સ્કોટલેન્ડના લેનન મુલિગનને હરાવ્યો હતો. અમિતે આ મેચ 5-0થી જીતી લીધી હતી.