બર્મિંગહામ: કોમનવેલ્થ ગેમ્સ 2022(Commonwealth Games 2022 )નો આજે આઠમો દિવસ છે. ભારતીય ખેલાડી(Indian player)એ અત્યાર સુધીમાં કુલ 20 મેડલ(Medal) જીત્યા છે. જેમાં છ ગોલ્ડ(Gold), સાત સિલ્વર(Silver) અને સાત બ્રોન્ઝ(Bronze) મેડલનો સમાવેશ થાય છે. આજથી કુસ્તીની મેચો શરૂ થઈ રહી છે અને પ્રથમ દિવસે છ ભારતીય કુસ્તીબાજો પોતાનું કૌશલ્ય બતાવશે. મહિલા ટીમ ઓસ્ટ્રેલિયા સાથે સેમિફાઇનલ મેચ રમશે. અત્યાર સુધીમાં સાત ભારતીય બોક્સરોએ પોતાના મેડલ કન્ફર્મ કર્યા છે અને મહિલા હોકી ટીમ જીતશે તો ઓછામાં ઓછા 28 મેડલ જીતવાની ખાતરી થશે.
સુરક્ષાની ચૂકને કારણે કુસ્તીની મેચો અટકાવી
બર્મિંગહામમાં કુસ્તીની મેચો સુરક્ષાની ખામીઓને કારણે મોકૂફ રાખવામાં આવી છે. આખું સ્ટેડિયમ ખાલી કરાવવામાં આવ્યું છે. બર્મિંગહામ સ્ટેડિયમમાં સુરક્ષા અધિકારીઓએ સિક્યોરિટી એલર્ટ જાહેર કર્યુ છે. અહિં, રેસલિંગ વેન્યૂ ખાલી કરાવ્યો છે. આ દરમિયાન ભારતીય રેસલર્સ પણ ત્યાં હાજર હતા. સુરક્ષામાં શું ચૂક આવી છે, તે વાત હજુ સુધી બહાર આવી નથી. હવે કુસ્તીની અંતિમ મેચો પણ મોડી શરુ થશે. ભારતના બજરંગ પુનિયા અને દીપક પુનિયાએ પ્રથમ રાઉન્ડમાં જીત મેળવી છે. બંને કુસ્તીબાજોએ ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.
બેડમિન્ટનમાં ભારતીય ટીમનો વિજય
ભારતની જોલી ત્રિશા અને પુલેલા ગાયત્રી ગોપીચંદે બેડમિન્ટનમાં મહિલા ડબલ્સમાં ભવ્ય વિજય મેળવ્યો છે. ભારતીય જોડીએ મોરેશિયસની લેઉંગ ફોર સાંગ અને મુઘરાહ ગણેશને 21-2, 21-4થી પરાજય આપ્યો હતો. આ સાથે ભારતીય જોડી ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ છે.
બજરંગ અને દીપક પુનિયા કુસ્તીમાં જીત્યા
ભારતીય ખેલાડીઓએ કુસ્તીમાં શાનદાર શરૂઆત કરી છે. બજરંગ પુનિયા અને દીપક પુનિયાએ તેમની પ્રથમ મેચ જીતી છે. બજરંગે 65 કિગ્રા બાર કેટેગરીમાં નૌરુના લો બિંગહામને 4-0થી હરાવ્યો હતો. તેમજ દીપકે 86 કિગ્રા વજન વર્ગમાં ન્યૂઝીલેન્ડના મેથ્યુને 10-0થી હરાવ્યો હતો.
ભાવિના પેરા ટેબલ ટેનિસ જીતી
ભારતની ભાવિના હસમુખભાઈ પટેલે પેરા ટેબલ ટેનિસમાં ઈંગ્લેન્ડની શ્યુ બેઈલીને 11-6, 11-6, 11-6થી પરાજય આપ્યો હતો. આ સાથે તેણે મહિલા સિંગલ્સની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. આ સાથે તેણે ઓછામાં ઓછો સિલ્વર મેડલ સુનિશ્ચિત કર્યો છે. શ્રીજા અકુલા અને શરથ કમલની જોડીએ ટેબલ ટેનિસની મિક્સ ડબલ્સ મેચ પણ જીતી લીધી છે. ભારતીય જોડીએ મલેશિયાની લિયોંગ ચી અને હો યિંગને 5-11, 11-2, 11-6, 11-5થી હરાવ્યાં. આ જીત સાથે આ જોડી ક્વાર્ટર ફાઈનલમાં પણ પહોંચી ગઈ છે. ટેબલ ટેનિસમાં મિક્સ્ડ ડબલ્સમાં સાથિયાન અને મનિકાની જોડીએ ઓમોયાટો અને ઓજોમુની નાઈજીરિયાની જોડીને 11-7, 11-6, 11-7થી હરાવ્યું. આ જીત સાથે ભારતીય જોડીએ ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. મનિકા બત્રા ટેબલ ટેનિસમાં મહિલા સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. તેણે ઓસ્ટ્રેલિયાની મિન્યુંગને 4-0થી હરાવ્યું.