સમગ્ર દેશમાં એકસરખા આડકતરા વેરા તરીકે જીએસટી એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની વ્યવસ્થાનો આરંભ ૨૦૧૭માં કરવામાં આવ્યો તે પછી તેમાં ઘણા ફેરફારો અને સુધારા કરવામાં આવ્યા છે પરંતુ હાલમાં એક મોટો ફેરફાર કરીને આ કર વ્યવસ્થાને ચાર સ્લેબ વાળી વ્યવસ્થામાંથી માત્ર બે વેરા સ્લેબ વાળી વ્યવસ્થા કરવામાં આવી છે. આમાં ૧૨ ટકા અને ૨૮ ટકાના સ્લેબ નાબૂદ કરવામાં આવ્યા છે અને પ ટકા અને ૧૮ ટકા વેરાના માત્ર બે સ્લેબ રાખવામાં આવ્યા છે તેમાં પણ મોટાભાગની રોજીંદા વપરાશની ચીજવસ્તુઓને પાંચ્ ટકાના સ્લેબમાં મૂકવામાં આવી છે આથી ઘણી બધી વસ્તુઓના ભાવ ઘટે તેવી આશા ઉભી થઇ છે.
જો કે ચીજવસ્તુઓના ભાવો ત્યારે જ ઘટે જ્યારે વેરો ઘટવાની સાથે ઉત્પાદકો અને વેપારીઓ તે દર ઘટાડાનો લાભ ગ્રાહકો સુધી પહોંચવા દે. જો તેઓ વેરો ઘટવા છતાં વસ્તુઓના ભાવ ઘટાડે નહીં તો ગ્રાહકોને વેરા ઘટાડાનો કોઇ લાભ મળે નહી. જો કે નાણા મંત્રીએ હાલમાં કહ્યું છે કે તેઓ આ કર ઘટાડાનો લાભ મળે તેના પર પોતે દેખરેખ રાખશે અને ઉદ્યોગ જગત આ વેરા ઘટાડાનો લાભ ગ્રાહકો સુધી પહોંચતો કરવા તૈયાર થયું છે. આ એક આનંદની વાત છે.
એક અગ્રણી સમાચાર સંસ્થાને આપેલા એક ઇન્ટરવ્યુમાં, નાણામંત્રીએ કહ્યું કે તેઓ કિંમત ઘટાડાના સ્વરૂપમાં માલ અને સેવા કર (જીએસટી) દર ઘટાડાને પસાર કરવા પર વ્યક્તિગત રીતે દેખરેખ રાખશે અને ઉદ્યોગ જગતે આવા ઘટાડા પ્રત્યે સકારાત્મકતા દર્શાવી છે. તેમણે કહ્યું કે નિર્ણયના થોડા દિવસોમાં, કાર ઉત્પાદકોથી લઈને જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓ અને જૂતા અને વસ્ત્રોની બ્રાન્ડ્સે પહેલાથી જ નોંધપાત્ર ભાવ ઘટાડાની જાહેરાત કરી દીધી છે અને બાકીના નવા જીએસટી દરો લાગુ થાય ત્યાં સુધીમાં તેનું પાલન કરે તેવી શક્યતા છે.
22 સપ્ટેમ્બરથી નવરાત્રિના પહેલા દિવસથી જીએસટીમાં ફેરફાર લાગુ થશે ત્યારે સાબુથી લઈને કાર, શેમ્પૂથી લઈને ટ્રેક્ટર અને એર કંડિશનર સુધી – લગભગ 400 ઉત્પાદનોની કિંમત ઓછી થશે. વ્યક્તિગત આરોગ્ય અને જીવન વીમા પર ચૂકવવામાં આવતા પ્રીમિયમ કરમુક્ત રહેશે. ૪૦ ટકાનો એક ત્રીજો દર છે ખરો, જે હાનિકારક વસ્તુઓ અને અતિવૈભવી ચીજવસ્તુઓ માટે રાખવામાં આવ્યો છે. ૨૨ સપ્ટેમ્બરથી, GST સ્લેબ માળખું બદલાશે – સામાન્ય ઉપયોગની ચીજવસ્તુઓ માટે ૫ ટકા અને બાકીની દરેક વસ્તુ માટે ૧૮ ટકા એમ બે સ્લેબ રાખવામાં આવ્યા છે.
હાલના ૧૨ અને ૨૮ ટકાના દરના સ્લેબને દૂર કરવામાં આવ્યા છે. સુધારેલા GST માળખામાં, મોટાભાગની દૈનિક ખાદ્યપદાર્થો અને કરિયાણાની વસ્તુઓ ૫ ટકા GST સ્લેબ હેઠળ આવશે જેમાં બ્રેડ, દૂધ અને પનીર પર કોઈ કર લાગશે નહીં. સીતારમણે જણાવ્યું હતું કે આ સુધારો સામાન્ય માણસ પર ધ્યાન કેન્દ્રિત કરીને કરવામાં આવ્યો છે. દેખીતી રીતે પોતાની સરકારની વાહવાહી કરાવવા તેઓ આવા દાવા કરે, પરંતુ દર ઘટાડા થયા છે તે સારી વાત છે. જીએસટી આજે એક વૈશ્વિક કરવ્યવસ્થા છે.
દુનિયાના અનેક દેશોએ જીએસટી નામથી જ આડકતરા વેરા વ્યવસ્થા ગોઠવી છે. ઇન્કમ ટેક્સ કે આવકવેરો અને કોર્પોરેટ ટેક્સ એ સીધા વેરા છે જે કરદાતાઓ પર સીધા લાગુ પડે છે. વેચાણ વેરો જેવા વેરાઓ આડકતરા વેરાઓ હતા જે વસ્તુઓ પર લાગુ પડે છે અને તે ગ્રાહકોને પાસઓન કરવામાં આવે છે. હવે વેચાણ વેરો, વેટ જેવા વેરાઓ નાબૂત કરીને તેમને સ્થાને એક જ આડકતરો વેરો જીએસટી લાગુ કરવામાં આવ્યો છે. નાણા મંત્રીએ યોગ્ય રીતે જ કહ્યું છે કે આ વેરાથી કોઇ અસ્પૃશ્ય નથી, નાનકડા માચીસ બોક્સ ખરીદનાર પણ આ વેરો ભરે છે. આશા રાખીખે વેરા ઘટાડાનો સારો એવો લાભ ગ્રાહકોને મળી રહે.