SURAT

વધતી મોંઘવારીની અસર : યુવક એકલો ગ્રાહક બનીને જતો બે તેલના ડબ્બા પહેલા કઢાવતો પછી..

સુરત : કોસાડ રોડ પર આવેલી કરિયાણાની દુકાનોમાં ગ્રાહક (Customer) બનીને જઈ તેલના ડબ્બા ચોરી (Stealing) કરતા યુવકને પોલીસે (Police) ઝડપી પાડ્યો હતો. અમરોલી કોસાડ રોડ પર મહાવીરધામ સોસાયટીમાં રહેતા 46 વર્ષીય પરમાનંદ ગોપાલભાઇ અગ્રવાલ તેમના ઘરની પાસે જ અગ્રવાલ ટ્રેડસ નામે કરિયાણાની દુકાન ધરાવે છે. તેમના દ્વારા અમરોલી પોલીસ સ્ટેશનમાં બે તેલના ડબ્બાની ચોરીની ફરિયાદ નોંધાવામાં આવી છે. ગત 23 ઓગસ્ટે સાંજે દુકાનમાં એક અજાણ્યો સામાન લેવા આવ્યો હતો. પહેલા બે કપાસિયા તેલના ડબ્બા કઢાવી ઓટલા પર મુકાવ્યા હતા.

બાદમાં બીજો સામાન માંગતા દુકાનદાર સામાન લેવા અંદર ગયો એટલીવારમાં તેલના બંને ડબ્બા લઈને ગાયબ થઈ ગયો હતો. દુકાનદારે અમરોલી પોલીસ સ્ટેશનમાં 5 હજારની કિમતના બે તેલના ડબ્બાના ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે. દરમિયાન આ સિવાય બીજા પાંચથી વધારે વેપારીઓએ પણ પોલીસમાં તેલના ડબ્બા ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે તપાસ હાથ ધરીને આરોપી મો.અરબાઝ ગુલામ શાબીર શેખ (ઉ.વ.20, રહે.કોસાડ આવાસ) ની ધરપકડ કરી હતી. આરોપી પોતે મોબાઈલ રિપેરીંગનું કામ કરે છે. તે એકલો ગ્રાહક બનીને જતો અને બે તેલના ડબ્બા પહેલા કઢાવતો પછી બીજો સામાન કાઢવાનું કહીને પોતે તેલના ડબ્બા લઈને નીકળી જતો હતો. તેની પાસેથી પોલીસે તેલના 14 ડબ્બા મળી કુલ 35 હજારનો મુદ્દામાલ કબજે લીધો હતો.

રો-હાઉસ વેચી આવેલા 20 લાખની સામે 44 લાખની ઉઘરાણી કરી બિલ્ડરના ઘરમાં તોડફોડ
સુરત : ગોડાદરામાં એક બિલ્ડરે સાયણમાં આવેલું રો-હાઉસ એક વ્યક્તિને વેચીને તેની સામે 20 લાખ લીધા હતા. આ 20 લાખની સામે ત્રણ વર્ષમાં વ્યાજ સહિત 44 લાખની ઉઘરાણી કરીને બિલ્ડરને માર મારીને તેના ઘરમાં તોડફોડ કરવામાં આવતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો. પોલીસે ત્રણની સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોડાદરાના લક્ષ્મીપાર્ક રો હાઉસમાં રહેતા શામજીભાઇ માધાભાઇ બલદાણીયા બિલ્ડીંગ કન્સ્ટ્રક્શનનું કામ કરે છે. સને-2018માં શામજીભાઇએ સાયણ વેલંજા પાસે એવરવિલા રો હાઉસનું આયોજન કર્યું હતું અને તેમાંથી રો હાઉસ નં. 87 તેઓએ કિશોરભાઇ પેઢલીયાને આપ્યું હતું. 2018માં જ કિશોરભાઇને રૂપિયાની જરૂર પડતા તેઓએ શામજીભાઇને કહીને રો-હાઉસ વેચવા કહ્યું હતું. દરમિયાન શામજીભાઇએ આ રો હાઉસ કાનપુર વ્યારાની વૃંદાવન સોસાયટીમાં રહેતા દિનેશ કરશનભાઇ મકવાણાને 20 લાખમાં દસ્તાવેજ કરી આપ્યો હતો. ત્યારબાદ દિનેશને પણ રૂપિયાની જરૂર પડી હતી અને તેને શામજીભાઇને કહીને રૂપિયા માંગ્યા હતા, શામજીભાઇએ પોતાના ભાણીયાના નામે લોન લઇને રૂપિયા ભેગા કર્યા હતા, ત્યાં જ આ દિનેશ મકવાણા આવ્યો અને શામજીભાઇને કહ્યું કે, મારે હવે મકાન જોઇએ છે, રૂપિયા તમે તમારી પાસે રાખો.

આ વાતને બે વર્ષ થઇ ગયા બાદ એટલે કે 2021માં દિનેશભાઇ અને ગોડાદરા લક્ષ્મીપાર્ક સોસાયટીમાં રહેતા તેનો ભાગીદાર અરવિંદ નન્નાભાઇ છોટાળાએ જણાવ્યું કે, હવે અમારે મકાન જોઇતુ નથી તમે અમને અમારા 20 લાખનું 42 મહિનાના 3 ટકાના વ્યાજ સાથે રૂા.44 લાખ આપી દેવા જણાવ્યું હતું. શામજીભાઇએ આ રૂપિયા આપવાની ના પાડતા દિનેશ, તેનો ભાગીદાર અરવિંદ અને અન્ય એક યુવક નામે હરેશ ધીરૂ બલદાણીયા આવ્યો હતો અને તેઓએ રૂપિયાની ઉઘરાણી કરીને શામજીભાઇને માર મારીને તેઓના ઘરનો બારીનો કાચ તેમજ દરવાજો તોડી નાંખ્યો હતો. બનાવ અંગે શામજીભાઇએ ત્રણેયની સામે ગોડાદરા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top