SURAT

લોકો આવી ચીટિંગ પણ કરે, ડી માર્ટમાં પ્રાઈસનું સ્ટીકર બદલવા જતા ગ્રાહક પકડાયો!

સુરત: સચીન-નવસારી રોડ ઉપર આવેલા ડી-માર્ટ સ્ટોરમાં એક ગ્રાહકે મોંઘી વસ્તુઓ પર સસ્તી વસ્તુઓના સ્ટીકર ચોંટાડી છેતરપીંડી કરવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. સ્ટોર મેનેજમેન્ટને ઘટનાની જાણ થતા તાત્કાલિક પોલીસને બોલાવી ગ્રાહકને ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં તે ભેસ્તાન વિસ્તારમાં મેડિકલ ચલાવતો હોવાની હકીકત જાણવા મળી છે.

  • ડીમાર્ટમાં ગ્રાહકે રૂ. 499ની પ્રોડક્ટનું સ્ટીકર બદલી 45નું લગાડી દીધું
  • ત્રણ પ્રોડક્ટના સ્ટીકર બદલી 1295ની ઠગાઇનો પ્રયાસ કરનાર મેડિકલ સંચાલક ઝડપાયો

મળતી માહિતી મુજબ, ડી-માર્ટ સ્ટોરના આસિસ્ટન્ટ સ્ટોર મેનેજર અર્ષદ ઇમરાન શેખ (રહે. એલાફ રેસિડેન્સી, રાંદેર) એ પોલીસમાં ફરિયાદ કરતાં જણાવ્યું કે, 12 નવેમ્બરે તેમના કર્મચારી કુંદનલાલનો ફોન આવ્યો કે એક ગ્રાહક કાઉન્ટર નંબર ૧૪ ઉપર વસ્તુઓની કિંમતમાં છેતરપીંડી કરી રહ્યો છે.

તેઓ સ્થળ જેથી તેઓ ત્યાં પહોંચ્યા હતા અને જોયું હતું કે ગ્રાહકે કુલ 103 વસ્તુઓ ખરીદી હતી. જેમાંથી પ્રોડક્ટ DGZ Eau De Parfum Party Night (100 ml) પર ₹499ની કિંમતનું સ્ટીકર લગાવેલું હતું તે બદલીને રૂપિયા ₹25નું સ્ટીકર લગાડી દીધું હતું. જ્યારે Kesh King Ayurvedic Oilનું રૂપિયા 399નું સ્ટીકર બદલી રૂપિયા 45નું સ્ટીકર લગાડી દીધું હતું તેવી જ રીતે Durex Invisible Condoms પ્રોડક્ટ પર રૂપિયા ₹532નું સ્ટીકર લગાવેલું ₹જે બદલીને રૂપિયા 65નું લગાવી દીધું હતું. આ રીતે કુલ ₹1430ની વસ્તુઓ પર ઓછી કિંમતના સ્ટીકર લગાવી કુલ ₹1295ની છેતરપિંડી કરવાનો પ્રયાસ કર્યો હતો.

સ્ટોરના CCTV ફૂટેજ ચેક કરતા ગ્રાહક મોલની અંદર જ વસ્તુઓ પરથી ભાવના સ્ટીકર કાઢી અન્ય વસ્તુઓ પર લગાવતા સ્પષ્ટ જોવા મળ્યા હતા. જેથી તેમણે તાત્કાલિક સ્થાનિક પોલીસને બોલાવી હતી.

પોલીસ ડી માર્ટમાં આવી ગ્રાહકની પૂછપરછ કરતા તે કુલદીપરાજસિંહ હંજારામ ચૌધરી (ઉ.વ. 32, રહે. 367 સિદ્ધિ વિનાયક રેસિડન્સી, ભેસ્તાન) હોવાનું સામે આવ્યું છે. પોલીસે ડી-માર્ટ મેનેજમેન્ટની ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top